Spread the love

તાજેતરમાં પેરિસ આર્ચરી વર્લ્ડકપમાં એક જ દિવસમાં ભારતને ત્રણ ત્રણ ગોલ્ડ મેડલ અપાવનાર, તીરંદાજીની રમતમાં ભારતના ઝળહળતા સિતારા સમ દીપિકાકુમારીની રોચક સફર…

  • હીમાદ્રી આચાર્ય

‘મને પિતરાઈ બહેને કહ્યું કે ત્યાં તીરંદાજી તો શીખવાડશે જ પણ રોજ જમવાનું ય મફતમાં મળશે, બસ આ લોભે જ કે માતા પિતાને મારા ખાવાપીવાની જવાબદારીના બોજથી તો મુક્ત કરી શકું એટલે મેં ખરસાવાની અર્જુન આર્ચરી એકેડેમી જોઈન કરવાનું નક્કી કર્યું…’ આ શબ્દો છે, વર્ષ 1994, ઝારખંડના નાનકડા ગામ રાતુંચાટીમાં અતિ નિર્ધન પરિવાર કે જ્યાં બે ટંકના રોટલાના પણ સાંસા પડતા એવા, રીક્ષા ડ્રાયવર પિતા શિવનારાયણ અને છૂટક પરચુરણ કામ કરીને મહિને બસ્સો-પાંચસો કમાતી માતાની કુખે જન્મેલી દીપિકાકુમારીના, કે જે આજે આર્ચરીના સ્પોર્ટસમાં વિશ્વસ્તરની અનેક સિદ્ધિઓ પોતાના નામે કરીને વિશ્વફલકે ભારતનું નામ ઉજળું કરી રહી છે.
 જો કે ભોજન મળી રહે, માત્ર એટલી લાલચથી તીરંદાજી શીખવા ગયેલી દીપિકા નાનપણથી જ, પોતાની મહત્વકાંક્ષા અને એના માટેના કર્તવ્ય માટે દ્રઢનિશ્ચયી હતી એવુ એના પ્રથમ કોચ, મીરા મૂંડેનું તથા દીપિકાની માતાનું કહેવું છે. માતા કહે છે કે એકવાર રસ્તે જતા આંબા પર લટકતી કેરી જોઈને દીપિકાએ એ ખાવાની ઈચ્છા બતાવી. મેં કહ્યું કે કેરી અતિશય ઊંચે લટકી રહી છે, આપણે ન તોડી શકીએ પણ દીપિકાને કોઈપણ હિસાબે એ કેરી જોઈતી હતી અને એણે બરાબર નિશાન સાધી પથ્થર ફેંકી એ કેરી તોડી બતાવી, જે કરવું પાંચ સાત વર્ષના બાળક માટે તદ્દન અશક્ય હતું. દીપિકાને તીરંદાજીનો શોખ નાનપણથી લાગ્યો હતો પણ એ માટે બહારથી સાધન ખરીદવાના પૈસા તો ક્યાં હતા! એટલે માતા વાંસ, ઝાડની કૂણી ડાળીઓમાંથી ધનુષ-બાણ બનાવી આપતી જેના વડે દીપિકા પોતાનો શોખ પૂરો કરતી. વળી, ખેતીમાં મજૂરીકામ કે નાનામોટા શ્રમના કામ દીપિકા રમતાં રમતાં કરી નાંખતી. જ્યાં દીપિકા તીરંદાજીના બેઝિક પાઠ શીખી એ ગામ ખરસાવાની આર્ચરી એકેડેમીના કોચ મીરા મૂંડે કહે છે કે દીપિકા જ્યારે અહીં પ્રવેશ મેળવવા આવી ત્યારે તદ્દન દુબળી, પાતળી અને નબળી દેખાતી હતી. અમને લાગતું નહોતું કે સતત શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની સજ્જતા માંગી લે એવા આર્ચરીના ફિલ્ડમાં તે કશુંક ઉકાળી શકશે. એટલે મેં તેને રિજેક્ટ કરી પણ એ અગિયાર વર્ષની છોકરીએ મક્કમતાથી અને આત્મવિશ્વાસથી કહ્યું કે તમે મને ત્રણ મહિનાનો સમય આપો, જો આટલી તાલીમ પછી તમને એમ લાગે કે હું આમાં ખરી નહિ ઉતરું તો મને નહિ શીખવાડતા….મીરા મૂંડે કહે છે કે એની આંખોમાં કંઈક કરી બતાવવાની ચમક અને ધગશ જોઈને મેં એને પરવાનગી આપી અને એ પછી જે થયું તે કમાલ છે… સ્ટેન્ડ, હોલ્ડ, ગ્રીપ હુક એન્ડ શૂટ, આર્ચરીના આ તબક્કાઓને સામાન્ય રીતે બધાને જેટલો સમય લાગે એની સરખામણીએ દીપિકાએ ખૂબ જ જલ્દી શીખી લીધા અને ખૂબ જ ટૂંકા સમયમાં અમે એને ધનુષ આપવા મજબુર થઈ ગયા.

પોતાની તાલીમ અંગે દીપિકા કહે છે કે 2005માં ખરસાવાની અર્જુન આર્ચરી એકેડેમીમાં પ્રવેશ લીધા પછી શરૂઆતના દિવસો ખૂબ જ પીડાદાયક કંટાળાજનક હતા. હોસ્ટેલમાં બાથરૂમ નહીં એટલે નદીએ નહાવા જવું પડે .વનવિસ્તાર હોય, જંગલી હાથીઓનો ત્રાસ એટલ રાત્રે વોશરૂમ જવાનું નહિ, વળી મા-બાપથી દૂર, આકરી તાલીમ…પણ જેમ જેમ આર્ચરીમાં મન લાગતું ગયું તેમ તેમ બાકીની સમસ્યાઓ મારા માટે નગણ્ય, ગૌણ થઈ ગઈ. એકેડેમીમાંમાંથી નાની- મોટી સ્પર્ધામાં ભાગ લેવાની તકો મળવા લાગી. અન્ય શાળા કે આસપાસના ગામડાઓના વિદ્યાર્થીઓ સાથેની સ્પર્ધાઓમાં જીત મળવા લાગી. ગોલ્ડ મેડલ મળે તો પાંચસો રૂપિયા સિલ્વર મેડલ મળે એટલે ત્રણસો રૂપિયા ….એવા ઇનામો મળવા લાગ્યા. અલબત્ત,મારા માટે એ ઇનામો બસ્સો-પાંચસોના ન હતા, બલ્કે હું કઈક કરી શકીશ એ જુસ્સો વધારતાં હોય એવા બુસ્ટર ડોઝ હતા. 2008માં આવી જ એક સ્થાનિક સ્પર્ધામાં સર જેઆરડી ટાટા સ્પોર્ટ્સ એકેડેમીના આર્ચરી કોચ શ્રી ધર્મેન્દ્ર તિવારી દીપિકાનું પરફર્મોન્સ જોઈ પ્રભાવિત થઈ ગયા અને દીપિકાને સર જે.આર.ડી.સ્પોર્ટ્સ ઈન્સ્ટિટ્યૂટમાં તાલીમાર્થે લઈ ગયા…. જ્યાં પહેલીવાર તેને ગણવેશ અને જરૂરી સાધનો સાથે તાલીમ મળવાનું શરુ થયું. બસ ત્યારથી દીપિકાએ પાછુ વાળીને જોયું નથી. અલબત્ત, એ પહેલાં દીપિકા મેરિડા, મેક્સિકો ખાતે આયોજિત 2006ની વર્લ્ડ આર્ચરી ચેમ્પિયનશીપમાં જુનિયર કમ્પાઉન્ડ કોમ્પિટિશનમાં વર્લ્ડકપ જીતી ચુકી હતી, આ ખિતાબ મેળવનાર તે દ્વિતીય ભારતીય હતી.

ટાટા સ્પોર્ટ્સ એકેડેમીમાં યોગ્ય જરૂરી તાલીમ અને દીપિકા કુમારીની ધગશના ઉત્તમ પરિણામો દેખાવા લાગ્યા. દીપિકાએ 2009માં કેડેટ વર્લ્ડ ચેમ્પિયનશીપ જીતી એ જ વર્ષે માત્ર પંદર વર્ષની ઉંમરે યુ.એસ.માં આયોજિત વર્લ્ડ આર્ચરી ચેમ્પિયનશીપ –11માં જીતીને વર્લ્ડ ચેમ્પિયન બની. 2010,દિલ્હી કોમનવેલ્થ કોમ્પિટિશનમાં દીપિકાનું પ્રદર્શન ખૂબ જ જાનદાર-શાનદાર રહ્યું તેને કારણે ભારતના અંકે ગોલ્ડમેડલનો વરસાદ થયો. વુમન્સ ઈંડિવિજ્યુઅલ, વુમન્સ ટીમ તેમજ કોમનવેલ્થ ગેમમાં આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સ કેટેગરીમાં, એમ ત્રણ ગોલ્ડ મેડલ મળ્યા. અલબત્ત, 2016ની રિયો ઓલિમ્પિકસમા, ખભાના દુખાવાને લઈને નબળા પરફોર્મન્સને કારણે દીપિકાને નિરાશા સાંપડી પણ હાર- જીતને ખેલનો ભાગ સમજીને સતત આગળ વધવાના તેના પ્રયાસો ચાલુ રાખ્યા .2012માં માત્ર અઢાર વર્ષની ઉંમરે વિશ્વની પ્રથમ નંબરની તીરંદાજી ખેલાડી બની. અને ત્યારબાદ આજસુધી વિશ્વની દ્વિતીય કક્ષાની આર્ચરી ખેલાડી ગણાતી દીપિકકુમારીએ 2009થી લઈને આજ સુધીમાં વિશ્વના અનેક દેશોમાં યોજાયેલી, વિશ્વતરની વિવિધ આર્ચરી ચેમ્પિયનશીપ/વર્લ્ડકપ સ્પર્ધામાં, ઇન્ડિવિઝ્યુએલમાં નવ,ગોલ્ડ બાર સિલ્વર અને સાત બ્રોન્ઝ મેડલની સાથેસાથે વુમન્સ ટીમ સ્પર્ધામાં અનેક સિલ્વર-બ્રોન્ઝ મેડલ ઉપરાંત છ અને મિક્સડ સ્પર્ધામાં ચાર ગોલ્ડમેડલ જીત્યા છે. તો રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે વિવિધ ખિતાબો ઉપરાંત દીપિકકુમારીને ખેલજગતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન માટેનો અર્જુન એવોર્ડ અને 2016માં તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના હસ્તે પદ્મશ્રીનો ખિતાબ મળ્યો છે. 
તાજેતરમાં(સત્યાવીસ જૂન) પેરિસમાં આયોજિત આર્ચરી વર્લ્ડકપમાં દીપિકાકુમારીનું પ્રદર્શન અતિ શાનદાર રહ્યું છે. દીપિકાકુમારી સહિત ભારતના બાહોશ તીરંદાજોએ ત્રણ ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા છે જેમાં વુમન્સ ઈંડિવિજ્યુએલમાં દીપિકાકુમારીએ રશિયાની એલિના ઓસિપોવાને 6-0 થી પરાજય આપી,. વુમન્સ ટીમ કોમ્પિટિશનમાં દીપિકા, અંકિતા ભગત તેમજ કોમલિકા બારીની ત્રિપુટીએ અને મિક્સડ સ્પર્ધામાં દીપિકાકુમારી તેમજ તેના પતિ અતનુદાસની જોડીએ એક, એક, એમ કુલ ત્રણ ગોલ્ડમેડલ ભારતના અંકે કરીને ભારતનું નામ દુનિયાભરમાં ઉજળું કર્યું છે. આ ત્રણેય કેટેગરીમાં દીપિકાનું યોગદાન મહત્વનું રહ્યું જેમાં દીપિકાએ પાંચ કલાકથી ઓછા સમયમાં એક પછી એક ચાર મેચ રમી હતી. અને હવે નજીકના ભવિષ્યમાં જ એટલે કે જુલાઈ ત્રેવીસથી ટોકિયો ઓલિમ્પિક્સ શરૂ થઈ રહ્યા છે ત્યારે દીપિકકુમારીને ફોર્મમાં જોઈને તે આર્ચરીમાં, ઓલિમ્પિકસ વર્લ્ડચેમ્પિયન બનશે એવી આશા જાગે છે. એક જ દિવસમાં ભારતને ત્રણ ગોલ્ડ અપાવનાર દીપિકા પાસેથી ઓલિમ્પિકમાં પણ સારા પ્રદર્શનની આશા અસ્થાને નથી જ. ઓલિમ્પિકસમાં ગોલ્ડ મેડલ મેળવવાનું દીપિકાનું સ્વપ્ન હકીકત બને એ દિવસની રાહ દરેક ભારતીયને હોય જ.

આર્ચરી જેવી અઘરી અને સતત પ્રેક્ટિસ, એકાગ્રતા, ધીરજ અને સાતત્ય કેળવવાની તાલીમ માંગી લેતી રમતમાં દીપિકાએ જે કરી બતાવ્યું તે ખૂબ જ પ્રસંશનીય છે એટલું જ નહીં દરેક ભારતીય માટે ગૌરવ સમાન છે. 2006માં શરુ થયેલી દીપિકાકુમારીની આ યાત્રામાંથી યુવાઓએ ઘણું શીખવાનું છે. લક્ષ્ય નિર્ધારણ, તમારે જિંદગી પાસેથી શુ જોઈએ છે એ માટે સ્પષ્ટ માનસ અને એ સિદ્ધ કરવા ગમે તેવા વિપરીત સંજોગોને હરાવવાનો જુસ્સો કે જોમ ક્યાંય ઉછીના મળતા નથી. આપણે જ આપણી અંદર પેદા કરવા પડે છે. દીપિકાકુમારી જેવા અનેકોની સંઘર્ષકથાઓનો સાર એ જ છે કે સખત મહેનત…એનો કોઈ જ વિકલ્પ નથી. કડકડતી ઠંડીમાં બાળકો જ્યારે આરામથી ગોદડા ઓઢી સુતા હોય ત્યારે સાત-આઠ વર્ષની દીપિકા પાંચ વાગ્યામાં માએ બનાવી આપેલ વાંસના ધનુષ્ય બાણથી તીરંદાજીની પ્રેક્ટિસ કરતી હોય એ દ્રશ્ય સામાન્ય હતું. દીપિકાની ભાષામાં જ કહીએ તો, આજના યુવાનો કંઈક કરી બતાવવાના સપના તો જુએ છે પણ એ સાકાર કરવા મરણીયા પ્રયાસોનો અભાવ છે, દિપીકા કહે છે કે સપના જુઓ અને એ સાકાર કરવા આકાશ-પાતાળ એક કરી નાંખો ત્યારે કશું પ્રાપ્ત થાય. આ ઉપરાંત શિક્ષકો, ગુરુ, સહ ખેલાડી દરેકમાં વિશ્વાસ દાખવી જ્યાંથી પણ જે શીખવા મળે જે સલાહ કે સૂચન મળે એને અનુસરવાના ઉદાર અને સકારાત્મક અભિગમને દિપીકાના ગુરુ, કોચ અને એને જાણતા લોકો દીપિકાકુમારીની સફળતાનું કારણ ગણાવે છે. દિપીકા કુમારી કહે છે કે ક્યારેક મને ઊડતાં પ્લેનને જોઈને ય નવાઈ લાગતી. હું સતત કુતૂહલવશ પ્લેનને જોઈ રહેતી. મને થતું કે આપણે તો એમાં ક્યારેય નહી બેસી શકીએ… અને આજે રાત-દિવસ પ્લેનમાં મુસાફરી, દુનિયાના અનેક દેશોની સફર કરું છું એનો બધો જ શ્રેય મારા માતા પિતાને જાય છે. મારા પિતાએ મારી પ્રગતિની આડે ક્યારેય આર્થિક હાલતને આવવા નથી દીધી. આર્ચરીના સાધનો ખરીદવાની જરૂર પડી ત્યારે લેશમાત્ર વિચાર કર્યા વગર તેમની રીક્ષા વેચીને મને આર્ચરીના સાધન લઈ આપનાર પિતા, અમને બે ટંક ભરપેટ ખાવા મળે એ માટે ભૂખ્યા રહેતા માબાપ માટે હવે બધું જ કરી છૂટવું છે….ધન્ય છે આવા સંતાનો અને ધન્ય એમના મા-બાપ…! 

રજૂઆત : હિમાદ્રી આચાર્ય દવે

(પૂરક માહિતી: ‛ઓલિમ્પિક ન્યુઝ’)


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *