એસી (AC) ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઠંડક અને રાહત આપવા માટેનું હાથવગુ સાધન બની રહ્યું છે. જોકે તાજેતરમાં આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં એસીને (AC) લઈને એક અજીબોગરીબ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેણે માત્ર સ્થાનિક લોકો જ નહીં પરંતુ સમગ્ર દેશને ચોંકાવી દીધો છે. આ કિસ્સો કોઈ ડરામણી હોરર ફિલ્મથી ઓછો નહોતો, જ્યારે એક રૂમમાં લગાવેલા એર કંડિશનર (AC)માંથી ઠંડી હવાને બદલે સાપ નીકળવા લાગ્યા.

ઘટના કંઈક એવી છે કે વિશાખાપટ્ટનમમાં એક પરિવારના સભ્યો ગરમીથી રાહત મેળવવા બેડરૂમમાં પહોંચ્યા અને એસી ચાલુ કર્યું, ત્યારે અચાનક એક વિચિત્ર ફુત્કારવાના અને ફુંફાડાના અવાજ સંભળાવા લાગ્યા. આ અવાજ સાંભળીને પરિવાર ડરી ગયો અને તેમણે તરત જ એસીના આઉટડોર યુનિટ તરફ જોયું. પરિવારના સભ્યોએ ધ્યાનથી જોયું તો આશ્ચર્ય અને ભયથી દિગ્મુઢ રહી ગયો કારણ કે AC ની અંદર કેટલાક સાપ લટકતા દેખાતા હતા. આ સાપ એસીના આઉટડોર યુનિટમાંથી સરકીને અંદર પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પરિવારે તરત જ એસી બંધ કરી દીધું, પરંતુ સાપ ફરી એસીની અંદર ઘુસી ગયા જેનાથી પરિવાર ડરીને રૂમની બહાર ભાગી ગયો.
#AndhraPradesh—-
— NewsMeter (@NewsMeter_In) March 12, 2025
Atleast 4-5 baby snakes were found inside an AC unit at a house in Pendurthi. Snake catcher Rokkam Kiran Kumar successfully rescued the snakes. pic.twitter.com/4cxAem9TyE
એસીમાંથી (AC) નીકળ્યા અડધો ડઝન સાપ
એસીમાં સાપ જોઈને ડરી ઘરની બહાર આવી ગયેલા પરિવારના સભ્યએ તરત જ સાપને સુરક્ષિત રીતે પકડવાનું કામ કરતા સ્નેક કેચરને બોલાવ્યો. સ્નેક કેચરે ત્યાં પહોંચીને એસીના આઉટડોર યુનિટમાંથી કુલ 6 સાપ કાઢ્યા. એસીમાંથી અડધો ડઝન સાપ નીકળવા એ અસામાન્ય અને ડરામણું દ્રશ્ય હતું, જેણે દરેકને ચોંકાવી દીધા હતા. સ્નેક કેચરના જણાવ્યા મુજબ એસીમાંથી નીકળેલા સાપ બ્રોન્ઝબેક નામની પ્રજાતિના હતા જે સામાન્ય રીતે ઝાડ પર રહેતા હોય છે. રાહતની વાત એ હતી કે આ સાપ ઝેરી નથી હોતા, જોકે સાપોની હાજરીથી પરિવાર ઘણો ડરી ગયો હતો.

સાપ પકડનારાએ એમ પણ જણાવ્યું કે ઠંડકને કારણે સાપ એસીના ઈન્ડોર યુનિટમાં છુપાઈ ગયા હશે અથવા તેમને એસીની પાઈપમાં જીવજંતુઓ જોયા હશે તો ખોરાક માટે અંદર ઘુસી ગયા હશે. એવી પણ શકયતા છે કે સાપ આશ્રય લેવા માટે એસીની પાઈપની અંદર ઘુસ્યા હોય.
જો કે અંતે તમામ સાપોને સલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા હવે કોઈ મોટો ખતરો ન જણાતા પરિવારે રાહત અનુભવી હતી.