Spread the love

ચૈત્ર સુદ પૂનમ એટલે કળીયુગના દેવ ગણાતા ચિરંજીવી એવા અંજનીપુત્ર બજરંગબલી હનુમાનજીનો જન્મોત્સવ.

રામાયણમાં હનુમાનજીનું આગમન કિષ્કિંધા કાંડથી થાય છે. શ્રીરામ તથા હનુમાનજીની અલૌકિક મિત્રતાની શરૂઆત થાય છે. માતા સીતાજીની શોધમાં ભગવાન શ્રીરામ ઋષ્યમૂક પર્વત પર આવી પહોંચ્યા હતા ત્યારે સુગ્રીવના કહેવાથી હનુમાનજી ભગવાન શ્રીરામને મળવા ગયા હતા. ભગવાન શ્રીરામ હનુમાનજીની વક્તૃત્વશક્તિ તથા વૈચારિક દ્રઢતા સાંભળીને અતિપ્રસન્ન થયા અને પોતાના ભાઈ શ્રી લક્ષ્મણ તરફ જોઈને કહે છે,

“न अन ऋग्वेद विनीतस्य न अ यजुर्वेद धारिण: ।
न अ-सामवेद विदुष: शक्यम् एवम् विभाषितुम् ।।

” ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ એ ત્રણેય વેદોના જાણકાર, વ્યાકરણના પ્રચૂર જ્ઞાની, તથા વ્યવહાર અને નીતિશાસ્ત્રના જાણકાર જ આટલું સચોટ દલીલયુક્ત, જ્ઞાનસભર સંભાષણ આપી શકે. આવું કોઈની શેહ ન રાખે એવું સુસ્પષ્ટ, સુંદર જ્ઞાન પ્રચૂર, સુવિચારપૂર્ણ ભાષણ કરનારનું અધ્યયન કેટલું ગહન હશે ! કેટલો અભ્યાસ હશે !”
    મહર્ષિ વાલ્મીકિએ હનુમાનજીનું વર્ણન કરતાં લખ્યું છે,

“शौर्यं दाक्ष्यं बलं धैर्यं प्राज्ञता नयसाधनम्।
विक्रमश्च प्रभावश्च हनूमति कृतालया:।।”

“શૌર્ય, દક્ષતા, બળ, ધૈર્ય, પ્રજ્ઞા, નીતિપૂર્વક કાર્ય કરવાની ક્ષમતા, પરાક્રમ તથા પ્રભાવ – આ બધાં જ સદગુણોએ હનુમાનજીને પોતાનાં આશ્રય બનાવી લીધા છે.

  હનુમાનજી વેદ, ઉપનિષદોનાં ઉત્તમ જ્ઞાતા છે. તેમની વાણી પણ કર્ણપ્રિય તથા હ્રદયંગમ છે. તેમને નીતિશાસ્ત્રની અદ્ભૂત સમજણ છે, સારાસારનો ઉત્કૃષ્ટ અભ્યાસ તથા તત્વજ્ઞાનનો વિવેકપૂર્ણ ઉપયોગ એમને સૌથી અનોખાં બનાવે છે. હનુમાનજી માત્ર બુદ્ધિશાળી, નીતિશાસ્ત્રના જાણકાર જ છે એટલું જ નહીં પરંતુ સાથે સાથે તેમનામાં ઋજુતા, નિષ્કપટતા, બાળસહજ નિર્દોષતા અને સૌમાં શિરમોર એવાં અસામાન્ય ચારિત્ર્યના સ્વામી છે.  હનુમાનજી જ્યારે સીતાજીની શોધમાં લંકામાં પહોંચે છે ત્યારે જે કહે છે તેમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે…

   कामं द्रष्टा मया सर्वा विश्वस्ता रावणस्त्रिय: ।
   न तु मे मनसा किंचित् वैकृत्यमुपपद्यते ।।

   હનુમાનજીની વ્યક્તિને પારખવાની શક્તિ, ક્ષમતા અને મુત્સદ્દીગીરીથી ભગવાન શ્રીરામ સૂપેરે પરિચિત હતાં અને હનુમાનજી ઉપર અક્ષુણ્ણ અદ્ભૂત વિશ્વાસ ધરાવતા હતાં. એનું ઉદાહરણ ત્યારે સ્પષ્ટ થાય છે જ્યારે શત્રુ રાજ્યનો મંત્રી અને સ્વયં લંકાપતિ રાવણનો સગો ભાઈ વિભિષણ અપમાનિત થઈને ભગવાન શ્રીરામની શરણમાં આવે છે ત્યારે વિભિષણનો સ્વીકાર કરવો જોઈએ કે નહીં તે અંગે ભગવાન શ્રીરામ સૌનો અભિપ્રાય પૂછે છે ત્યારે સુગ્રીવ, લક્ષ્મણ સહિત સૌ વિભિષણનો સ્વીકાર કરવાની નાં પાડી દે છે. આ બધા વિરોધી મત વચ્ચે હનુમાનજી પોતાનો મત રજૂ કરતાં કહે છે, ” एतावत्तु पुरस्कृत्य विद्यते तस्य संग्रह । એમ કહીને વિભિષણનો સ્વીકાર કરવાનો મત આપે છે અને ભગવાન શ્રીરામ હનુમાનજીનો મત સ્વીકાર કરે છે….
    હનુમાનજીની બુદ્ધિપ્રતિભા તથા માનસશાસ્ત્રના અસામાન્ય અભ્યાસુ હોવાનો પ્રસંગ ત્યારે જોવા મળે છે જ્યારે માતા સીતાજીની શોધમાં તેઓ અશોક વાટિકામાં પહોંચે છે. પ્રશ્ન એ કે પ્રતિદિન પોતાની માયાવી શક્તિનો પરિચય રાવણ સીતાજીને કરાવતી વખતે ક્યારેક ભગવાન શ્રીરામનો જ વેશ ધારણ કરી લેતો ત્યારે માતા સીતાજીને કેવી રીતે વિશ્વાસ કરાવવો કે તે ભગવાન શ્રીરામનાં દૂત છે ? ત્યારે હનુમાનજીએ જે યુક્તિ કરી તે તેમનાં માનસશાસ્ત્રનાં સૂક્ષ્મ અભ્યાસુ હોવાનો પરિચય આપે છે. હનુમાનજી એક વૃક્ષ પાછળ સંતાઈને ઇક્ષ્વાકુ વંશનું વર્ણન કરે છે. રાજા દિલિપ, રાજા રઘુ, રાજા અજ, રાજા  દશરથનુ વર્ણન સાંભળીને સીતાજીને લાગે છે કે, ” આ મહાપુરુષોના પરિચયમાં આવેલો અથવા જેને અયોધ્યા ની પૂર્ણ જાણકારી છે એવું કોઈ અહીં છે”  હનુમાનજીએ માનસિક ભૂમિકા તૈયાર કરી અને પછી માતા સીતાજીની સમક્ષ ઉપસ્થિત થયા.
     હવે એ ઘટના જેની વિશે લોકો મર્કટલીલા સમજીને અવગણના કરે છે અથવા બાળકોને કહેવાની કથા સમજે છે અને તે ઘટના એટલે રામાયણની સૌથી મહત્વની ઘટનાઓમાંની એક લંકાદહનની ઘટના.
   લંકાદહનની ઘટના એ એક મુત્સદ્દી રાજકારણ વિશારદ દ્વારા સંપૂર્ણ વિચારપૂર્વક, આયોજનબદ્ધ રીતે કરવામાં આવેલું કાર્ય છે. લંકાદહન કરીને હનુમાનજીએ ત્યારબાદ થનારા યુદ્ધનું અર્ધું કામ પૂરું કરી દીધું હતું. અર્ધી લડાઈ તો લંકાદહનની સાથે જ હનુમાનજી એ જીતી લીધી હતી.  લંકાદહનથી લંકાના સામાન્ય નાગરિક તથા મહારથીઓ, સૈનિકોનાં આત્મવિશ્વાસ ઉપર મરણતોલ ફટકો હનુમાનજીએ માર્યો હતો. આ ઘટના બાદ લંકાના લોકોમાં એવો વિચાર ચોક્કસ આવ્યો હશે કે આ એક હનુમાન લંકામાં આવીને લંકાને ભડકે બાળી શકે છે તો રામસેનામાં હજુ કેટલા હનુમાન હશે ? આ ફટકાની અસર એટલી તો સચોટ હતી એનું પ્રમાણ ત્યારે જોવા મળે છે જ્યારે મહાબલી વાલીપુત્ર અંગદ ભગવાન શ્રીરામ ના દૂત તરીકે લંકામાં પહોંચે છે. અંગદ જ્યારે લંકાની શેરીઓમાંથી પસાર થઈ રહ્યા હોય છે ત્યારે સામાન્ય નાગરિકો અંગદને પુષ્પોથી વધાવે છે, ઘણા લંકાવાસીઓ ગભરાટથી અંગદ પણ હનુમાનજી જેવું કરશે તો એવી આશંકાથી એમની તરફ જુએ છે.
   હનુમાનજીને તેમની વિસ્મૃત થયેલી શક્તિઓને વિશે સ્મૃતિ કરાવતાં જાંબુવાન કહે છે કે,

बलं बुद्धिश्च तेजश्च सत्वं च हरिपुंगव।
विशिष्टं सर्वभूतेशु किमात्मानं न बुध्यसे।।

તમારું બળ, બુદ્ધિ, તેજ તથા સત્વ પૌરુષ સૃષ્ટિના સર્વ પ્રાણીઓમાં વિશેષ છે, તો તમે તમારા સ્વરૂપને કેમ નથી ઓળખતા ?

આ ઉપરાંત શ્રીરામરક્ષાસ્ત્રોતના રચયિતા વંદનીય બુધકૌશિક ઋષિએ હનુમાનજીની જે ઓળખાણ કરાવી છે એનાં વગર આ લખાણ ચોક્કસ અધુરું જ ગણાય..

मनोजवं मारुततुल्यवेगं, जितेन्द्रीयं बुद्धिमतां वरिष्ठम् ।
वातात्मजं वानरयुथमुख्यं, श्रीरामदूतं शरणं प्रपद्ये ।।


Spread the love

By Devendra Kumar

Devendrakumar Solanki is graduate from Gujarat University with special Economics. He has long experience in working with several multinational companies. He like to learn new things, ways and ideas. He is very good political analyst. His Colman published in two different news web portal. He is poet also he wrote with pen name "Smit". He is very good writer his series named "Dr. Babasaheb Ambedkar : Advitiya Senapati, Ananam Yodhdha" "ડૉ. બાબાસાહેબ આંબેડકર : અદ્વિતીય સેનાપતિ, અણનમ યોદ્ધા" is widely liked by people. His belief in facts is very deep. He is known for his truth and fact based, frank and fearless opinion.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *