- સ્વતંત્ર ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન તથા ગૃહમંત્રી.
- વર્તમાન ભારતના રાજકીય નકશાના શિલ્પીવિખરાયેલા ભારતને એક તાંતણે બાંધનારા કર્મઠ, અકિંચન શિલ્પકાર
યરવડા જેલમાં ગાંધીજી સાથે
એ વખતે સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજીની સાથે યરવડા જેલમાં હતા. એક દિવસ બધા કાર્યકરો સાથે ગાંધીજી બેઠા બેઠા અનૌપચારિક વાતચીત કરતા હતા. આ વાતચીત દરમિયાન એવો વિષય આવ્યો કે જ્યારે દેશમાં સ્વરાજ આવે ત્યારે ક્યા નેતાને કયું ખાતુ આપવુ જોઈએ. સત્તાની, ખુરશીની આ વાતોમાં કોંગ્રસના બધાને સવિશેષ રસ પડ્યો. યરવડા જેલમાં હતા ત્યારે આ વાતચીત થઈ ત્યારે એવું વિચારીને આ વાતચીત સમજવી જોઈએ કે આકરી પરિસ્થિતિમાં કલ્પનાઓની દુનિયામાં આંટા મારવાથી વાસ્તવિક દુ:ખોમાં થોડી રાહત થતી હોય છે. સમગ્ર વાતચીત સરદાર બેઠા બેઠા શાંતિથી ખાતાની ફાળવણીની વાતો સાંભળી રહ્યા હતા.
ગાધીજીને ખાતા બાબતે સરદારનો ઉત્તર
સ્વતંત્રતા મળી જાય પછી કયા નેતાને કયું ખાતુ આપવું જોઈએ એ ચર્ચા બરાબર જામી હતી ત્યાં જ ગાંધીજીએ સરદારને મુંગા મુંગા શાંતિથી બેઠેલા જોઈને સરદારને પુછ્યુ, ‘વલ્લભભાઈ, આ સ્વતંત્ર ભારતની સરકારમાં તમને ક્યુ ખાતુ આપીશુ ?’ ગાંધીજી સહીત બધાને સરદારનો જવાબ કેવો હશે એ સાંભળવાની ખુબ ઇચ્છા હતી, બધા જ કાન સરવા કરીને સાવધાન થઈ ગયા. એક માત્ર સરદારના ચહેરા પરની એક પણ રેખા ફરકી નહીં અને સરદાર વલ્લભભાઈ પટેલે ખુબ સહજતાથી કહ્યુ, ‘બાપુ સ્વરાજમાં હું તો ચીપિયો અને તુમડી લઇશ.’ સરદારના આ ઉત્તરનું તાત્પર્ય હું સન્યાસી બનીશ એવું કરી શકાય. સરદાર સાહેબની આ વાત સાંભળીને સૌ મજાક સમજ્યા અને જેટલા કાર્યકરો ઉપસ્થિત હતા એ બધા જ ખડખડાટ હસી પડ્યા.
મજાકમાં કહ્યું હતું તે સત્ય કર્યું
સરદારે મજાકમાં કહેલી આ વાતને એમણે સ્વરાજ મળ્યા પછી યથાર્થ રીતે સાચી સાબિત કરીને બતાવી.
વડાપ્રધાન પદનો ત્યાગ
તત્કાલીન સમયે સમગ્ર દેશ જેમને વડાપ્રધાન તરીકે જોવા ઇચ્છતો હોય, કોંગ્રેસ પક્ષની 15 પ્રાંતિક સભાઓમાંથી 12 પ્રાંતિક સભાઓએ પણ સરદારના શીરે જ વડાપ્રધાન પદનો મુગટ મુકવાની દરખાસ્ત રજુ કરી હોય એવા સમયે હસતા હસતા વડાપ્રધાન પદ કોઈ બીજાને આપી દે એના જેવો મોટો વૈરાગી બીજે ક્યાં જોવા મળે ? અહીં કોઈ ગામના સરપંચનું પદ જતુ કરવાની વાત નહોતી વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશના વડાપ્રધાનનું પદ જતુ કરવાનું હતુ અને સરદાર પટેલે બહુ સહજતાથી ગાંધીજીના એક ઇશારે આ પદ જતુ કરી દીધુ. એક આડવાત તરીકે જાણવું જોઈએ કે જેમના માટે સરદાર વલ્લભભાઈ પટેલે વડાપ્રધાન પદ ત્યાગી દીધું એમના નામની દરખાસ્ત એક પણ પ્રાંતિક સમિતિએ નહોતી કરી.
બેંકના અંગત ખાતામાં માત્ર રૂપિયા 237 બેલેન્સ
સરદાર સાહેબના અવસાન બાદ એમના અંગત નામે ચાલતા બેંક ખાતામાં માત્ર 237 રૂપિયા બેંક બેલેન્સ હતું. ભારત દેશના નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાનના ખાતામાં જમા રકમ જોતાં એટલું સ્પષ્ટ થાય કે આનાથી મોટો બીજો ક્યો સન્યાસી હોય ? ભારતના નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાન પદ પર 3 વર્ષથી વધુ સમય સુધી કામ કર્યા પછી પણ એ નેતાની મિલ્કત માત્ર આટલી જ હોય એની કોઇ કલ્પના આજે કે એ વખતે પણ કરી શકાય ખરા ? અત્રે યાદ રાખવા જેવી વાસ્તવિકતા એ છે કે પટેલ જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી કોંગ્રેસ પક્ષના ખજાનચી હતા. પક્ષની સંપૂર્ણ નાણાકીય વ્યવસ્થા સરદાર સાહેબ સંભાળતા હતા.
મણીબેને પક્ષને હિસાબ આપ્યો ત્યારે સૌની આંખો પહોળી થઈ ગઈ
સરદાર વલ્લભભાઈ પટેલના અવસાન બાદ જ્યારે એમના દિકરી મણીબેને કોંગ્રેસ પક્ષના હીસાબની સઘળી જ વિગતો તથા પાઈ પાઈનો હિસાબ પક્ષના નેતાઓને આપ્યો ત્યારે બધા જ નેતાઓના મોઢા પહોળા થઇ ગયા હતા, આંખો ફાટી ગઈ હતી કારણકે કોંગ્રેસ પક્ષ માટે એટલુ મોટું ફંડ સરદારે પોતાના વ્યક્તિગત સંબંધોના આધારે ભેગુ કર્યું હતુ પરંતુ એ ફંડમાંથી કદી એક રાતી પાઇ પણ એમણે પોતાના માટે નહોતી વાપરી. પોતાના પહેરવાના ચશ્માની તુટેલી દાંડીનો પ્રસંગ સૌ જાણે જ છે, છતાં ફરીથી જાણવો જોઈએ. સરદાર પટેલ 30-30 વર્ષથી એકના એક ચલાવે જતા હતા. વાંચવાના એકના એક ચશ્માની દાંડી તુટી જાય તો દોરી બાંધીને ચલાવે રાખે પણ નવા ચશ્મા લેવાનું નામ ન લે. સરદારના આ ચશ્મા જોઈને એક વખત ત્યાગીજીએ આવી કંજુસાઈ કેમ કરો છો ? એવુ કહ્યુ ત્યારે સરદાર પટેલે કહ્યુ હતુ કે આ કંજુસાઈ નહી કરકસર છે. હું કે મણીબેન ક્યાંય કમાવા માટે જતા નથી આ તો બધા પ્રજાના પૈસા છે એટલે બને એટલા ઓછા વાપરવા જોઈએ. કેવી અદ્ભૂત નીતિમત્તા, નૈતિકતા, પ્રામાણિકતા અને અડગતા જેનો જોટો જડે નહીં.
ગૃહમંત્રી પાસે પોતાનું ઘર જ નહોતું
જ્યારે કામચલાઉ સરકાર બનાવવામાં આવી ત્યારે એક અજીબ વિડંબના સામે આવી. બહુ ઓછા લોકો એ જાણતા હશે કે કામચલાઉ સરકારમાં સરદાર પટેલને જ્યારે ગૃહખાતુ સોંપવામાં આવ્યુ ત્યારે સૌથી મોટો પ્રશ્ન તો એ હતો કે સરદાર પટેલ રહેશે ક્યા ? કારણકે દિલ્હીમાં સરદારનો પોતાનો કોઇ બંગલો તો ઠીક એક નાનુ સરખુ મકાન પણ નહોતું. અરે માત્ર દિલ્હીની ક્યાં વાત કરવી ઉચિત નથી પરંતુ સમગ્ર દેશમાં ક્યાંય કોઇ જગ્યાએ સરદાર વલ્લભભાઈ પટેલના નામે કોઈ સ્થાવર મિલ્કત હતી જ નહીં. પોતાના બાપુજીની પૈતૃક મિલ્કતમાંથી પણ એમણે ભાગ જતો કરી દીધો હતો. આ પરિસ્થિતિમાં દિલ્હીના એક ઉદ્યોગપતિ બનવારીલાલ શેઠે સરદાર સાહેબને રહેવા માટે પોતાનો ઔરંગઝેબ રોડ પર આવેલો ખાલી બંગલો આપ્યો. ઓરંગઝેબ રોડ પરનો આ બંગલો સરદાર સાહેબની સાધુતાનો આજીવન સાક્ષી બનીને રહ્યો.
આજીવન અકિંચન રહ્યા
પૈસો જ જ્યાં સર્વસ્વ બની ગયો છે ત્યારે પદ, પાવર અને પ્રતિષ્ઠા હોવા છતાં સરદાર હંમેશા અકિંચન રહ્યા. કંચન અર્થાત ધનસંપત્તિ માટે તત્કાલીન જગતમાં કેવા ખેલ ચાલી રહ્યા હતા એ ઇતિહાસ સર્વવિદિત છે અને આજે પણ કેવા પ્રપંચ ચાલી રહ્યા છે એના આપણે રોજે રોજ સાક્ષી બનીએ છીએ ત્યારે સરદાર સાહેબ ખરા અર્થમાં કંચનના ત્યાગી હતા.
પત્ની ઝવેરબાનું અવસાન
વલ્લભભાઈના જીવનસંગીની ઝવેરબાનુ અવસાન થયું અને વલ્લભભાઈએ જીવનસાથીનો સાથ ગુમાવ્યો ત્યારે એમની ઉંમર માત્ર 33 વર્ષની જ હતી. એ એવો સમય હતો જ્યારે સમાજમાં એક પત્ની હોય તો પણ બીજી પત્ની લાવવામાં આવતી મતલબ કે એક પત્નિ જીવતી હોવા છતા બીજી સ્ત્રી સાથે લગ્ન કરવામાં આવતા. આ સમયમાં વલ્લભભાઇ તો હજુ યુવાન હતા, ઉંમર પણ ઘણી નાની હતી તથા સાવ નાના બે સંતાનોની જવાબદારી પણ એમના માથે જ હતી. આવી સ્થિતિમાં એમના પુન:લગ્ન માટે પરીવારમાંથી દબાણ શરુ થયુ પણ વલ્લભભાઇ આ માટે તૈયાર ન હતા.
પવિત્રતાનું જીવંત ઉદાહરણ
વલ્લભભાઇના ચારિત્ર્ય પર કોઇએ આંચળી ચીંધી જ ન શકે એવું પાવિત્ર્ય જાળવી રાખ્યું. 42 વર્ષનો એકલા હતા, ઇતિહાસ તપાસીએ તો પણ ખબર પડે કે સરદાર સાહેબે એમના જીવનની કોઇ એક પણ પળને અંગત પળ રહેવા જ નહોતી દીધી. ઘરથી દૂર બહાર હોય ત્યારે સામાન્ય લોકો અને કાર્યકરોથી સતત ઘેરાયેલા હોય અને જ્યારે ઘરે હોય ત્યારે દિકરી મણીબેન સાથે હોય. પુરુષ તરીકે તમારી પાસે પદ અને પ્રતિષ્ઠા બંને ચરણ ચુમતા હોય ત્યારે ભલભલાના મન ચલાયમાન થઈ જાય ત્યારે પોતાના ચારિત્ર્યને ગંગાજળ જેમ પવિત્ર કોઇ સાચો સાધુ જ કરી શકે બાકી કોઇનું કામ નહી.