જેમ જેમ ઇઝરાયેલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ આગળ વધી રહ્યું છે તેમ તેમ યુદ્ધ મધ્ય પૂર્વમાં વ્યાપક પ્રાદેશિક સંઘર્ષની આશંકાઓના વાદળો સમગ્ર વિશ્વમાં ઘેરાઈ રહ્યા છે. જો આ યુદ્ધ મધ્ય પુર્વમાં વ્યાપક બને તો તેમાં લેબનોનમાંથી કાર્યરત આતંકવાદી જૂથ હિઝબુલ્લાહ યુદ્ધનો બીજો મોરચો ખોલશે જ એવું સમગ્ર વિશ્વના મધ્ય પુર્વના નિષ્ણાતો માની રહ્યા છે અલબત્ત ઇઝરાયેલના ઉત્તરીય પાડોશી લેબેનોનથી હીઝબુલ્લાહે ઇઝરાયેલ સામે મોરચો ખેલી જ દીધો છે. ત્યારે હીઝબુલ્લહ વિશે જાણવું અગત્યનું બની રહે છે સાથે સાથે હીઝબુલ્લહ અને હમાસ વચ્ચે તથા હીઝબુલ્લહ અને ઇઝરાયેલ વચ્ચેના સંબધોને પણ સમજવા જરુરી છે.
7મી ઓક્ટોબરે ઇઝરાયેલ પર હમાસના આતંકી હુમલા બાદ ભુરાયુ થયેલુ ઇઝરાયેલ હમાસના સ્થાનો પર ભયાનક હુમલાઓ કરી રહ્યું છે ત્યારે તેનાથી મધ્ય પુર્વમાં એક વ્યાપક યુદ્ધનો ભય ઉભો થયો છે, ખાસ કરીને લેબેનોનમાં રહેલા અન્ય આતંકી સંગઠન હીઝબુલ્લાહ અને ઇઝરાયેલ વચ્ચે ઉભા થનારા સંઘર્ષને લઈને આશંકાઓ છે કેમ કે હીઝબુલ્લાહ અને ઇઝરાયેલ વચ્ચે લાંબા સમયથી દુશ્મની ચાલી આવે છે, બન્ને વચ્ચે દાયકાઓથી અનિયમિત રીતે નિયમિત અથડામણો થતી રહી છે. એક તરફ હીઝબુલાહ ઇઝરાયેલ ઉપર હુમલા કરશે એવી આશંકા નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે ત્યારે કેટલાક નિષ્ણાતોનું એવું માનવું છે કે હિઝબુલ્લાહ લેબનોનમાં જે ફાયદો મેળવ્યો છે તે ગુમાવવાના ડરથી હીઝબુલ્લાહ આ યુદ્ધના મેદાનમાં સંપૂર્ણ રીતે જોડાશે નહી.
હીઝબુલ્લાહ શું છે ?
હિઝબુલ્લાહ, જેનો અર્થ થાય છે “ઇશ્વરનો પક્ષ”, એ લેબેનોનમાં શિયા મુસ્લિમ રાજકીય પક્ષ છે જ્યારે વિશ્વમાં તે આતંકવાદી જૂથ તરીકે જાણીતુ છે. હીઝબુલ્લાહ લેબનોનમાં રાજકીય સત્તા ચલાવે છે, તેને ઈરાનનું સમર્થન છે. હીઝબુલ્લાહનો જન્મ 1980 ના દાયકામાં સતત 15-વર્ષ સુધી ચાલેલા લેબનીઝ ગૃહ યુદ્ધ દરમિયાન થયો હતો. ખાસ કરીને લેબેનોનના દક્ષિણ પ્રદેશ પર ઇઝરાયેલે કરેલા કબજાની પ્રતિક્રિયામાં ઉભરી આવ્યું હતું. હીઝબુલ્લાહ 1985ના મેનિફેસ્ટોમાં ઇઝરાયેલના વિનાશને તેના મુખ્ય લક્ષ્ય તરીકે દર્શાવ્યું હતું.
યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા દ્વારા હીઝબુલ્લાહને આતંકવાદી સંગઠન તરીકે જાહેર કરવામાં આવ્યું છે, હીઝબુલ્લાહની લશ્કરી પાંખ યુરોપિયન યુનિયનની આતંકવાદી સંગઠનોની સૂચિમાં સામેલ છે. 1983માં બેરૂતમાં અમેરિકન એમ્બેસી અને અમેરિકન મરીન બેરેક પર બોમ્બ ધડાકા થયા હતા આ બોંબ ધડાકા કરવા માટે અમેરિકન સરકાર હીઝબુલ્લાહને જવાબદાર માને છે.
હીઝબુલ્લાહ જૂથ લેબનોનની અંદર ઈરાની પ્રોક્સીમાંથી એક પ્રાદેશિક શક્તિ તરિકે વિકસ્યું છે. તેણે સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ-અસદને મદદ કરી છે, યમનમાં હુતી બળવાખોરો અને ઈરાકમાં મિલિશિયાને તાલીમ આપી છે.
લેબેનોન વર્તમાનમાં ભયંકર આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યો છે. હીઝબુલ્લાહ અને તેના સાથીઓએ ગયા વર્ષે દેશની સંસદમાં તેની બહુમતી ગુમાવી દીધી હતી પરંતુ હજુ પણ નોંધપાત્ર નિયંત્રણ ધરાવે છે. લેબનોનમાં શિયા સમુદાય માટે અન્ય કોઇ સંગઠનની રાજકીય ગેરહાજરીને કારણે હીઝબુલ્લાહ વિશાળ રાજકીય પ્રભાવ ધરાવે છે.
હીઝબુલ્લાહ અને હમાસ વચ્ચે શું સંબંધ છે?
ઇઝરાયેલ પર શનિવારના હુમલા માટે જવાબદાર હમાસ એક આતંકવાદી જૂથ છે. તેનો પ્રભાવ ગાઝા પટ્ટીમાં છે. હમાસે ઇઝરાયેલે ગાઝા પરથી દાવો છોડી દેતા સત્ત પર આવેલા ફતહ સામે લડાઈ કરીને ગાઝા પર નિયંત્રણ મેળવ્યું હતુ. હમાસ ઇઝરાયેલને પેલેસ્ટિનિયન રાજ્ય બનાવવા માટે પ્રતિબદ્ધ છે. હમાસ એક સુન્ની સંગઠન છે, જ્યારે ઈરાની સમર્થિત હિઝબુલ્લાહ શિયા સંગઠન છે.
હીઝબુલ્લાહ અને હમાસ બન્ને જુદી જુદી ઇસ્લામિક વિચારધારાઓનું સમર્થન કરે છે. બન્ને વચ્ચે તે ઇસલામિક વિચારને લઈને મતભેદ પણ છે આ મતભેદો તાજેતરના વર્ષોમાં થયેલા સીરિયન ગૃહયુદ્ધ વખતે સપાટી પર આવ્યા હતા જ્યારે હીઝબુલ્લાહે અલ-અસદને ટેકો આપ્યો હતો અને હમાસે અલ અસદની હકાલપટ્ટીનું સમર્થન કર્યુ હતુ. જો કે, જેમ અન્ય મધ્ય પુર્વના દેશો વચ્ચે મતભેદો હોવા છતા ઇઝરાયેલ બાબતે એક થઈ જાય છે તેમ હમાસ અને હીઝબુલ્લાહ પણ ઇઝરાયેલના અસ્તિત્વના વિરોધ બાબતે બન્ને એક સરખો સુર ધરાવે છે.
લેબનોનની દક્ષિણ સરહદ ઉત્તર ઇઝરાયેલ સાથે જોડાયેલી છે. ઇઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે સપ્તાહના અંતથી સરહદ પર તોપમારો ચાલી રહ્યો છે. રવિવારે, હીઝબુલ્લાહે સરહદ પરના શેબા ફાર્મ્સમાં ઇઝરાયલી લક્ષ્યો પર થયેલા હુમલાની જવાબદારી લીધી. પછીના દિવસોમાં, ઇઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે ભયાનક તોપમારો થયો હતો, જેના પરિણામે બંને પક્ષે જાનહાનિ થઈ હતી. આ બાબતે યુએનના પીસકીપર્સે જણાવ્યું હતું કે હાલ “ખૂબ જ ખતરનાક પરિસ્થિતિ” છે અને તેઓ તણાવ ઘટાડવાના તથા શાંતિ માટે બંને બાજુના અધિકારીઓ સાથે વાતચીત કરી રહ્યા છે.
શું હીઝબોલ્લાહ ઇઝરાયેલ-ગાઝા યુદ્ધમાં સામેલ છે?
હીઝબુલ્લાહ યુદ્ધમાં સક્રીય પ્રવેશ કરશે કે કેમ તે હજુ જોવાનું બાકી છે. જોકે રવિવારે, હીઝબુલ્લાહે કહ્યું કે તેણે હમાસના “સમર્થનમાં” શેબા ફાર્મ્સ ઉપર હુમલો કર્યો હતો. બૈરૂતની એક રેલીમાં હીઝબોલ્લાહના ટોચના નેતાએ હમાસ્ને વધુ સમર્થન વ્યક્ત કરતા કહ્યું: “અમારું હૃદય તમારી સાથે છે. … અમારો ઇતિહાસ, અમારી બંદૂકો અને અમારા રોકેટ તમારી સાથે છે.”
હમાસે ઈઝરાયેલ પર કરેલા હુમલાની યોજનામાં કે હુમલામાં ઈરાન અને હિઝબુલ્લાહની સંડોવણીનો સ્પષ્ટ ઈન્કાર કર્યો છે. અમેરિકન યુનિવર્સિટી ઓફ બેરુતના પોલિટિકલ સાયન્સના પ્રોફેસર હિલાલ ખાશને આ વર્ષની શરૂઆતમાં દક્ષિણ લેબનોનમાં હીઝબુલ્લાહ દ્વારા ઇઝરાયેલની સરહદ ઉપર હાથ ધરવામાં આવેલી લશ્કરી કવાયત જેનું સીધુ અનુકરણ હમાસે ઇઝરાયેલ પર 7મી ઓક્ટોબરે કરેલા હુમલામાં દેખાય છે તેની નોંધ લેતા જણાવ્યું હતું કે તેઓ માને છે કે હિઝબુલ્લાહ અને ઈરાને કદાચ હમાસને આ પ્રકારનો હુમલો કેવી રીતે કરવો તે અંગે સલાહ આપી હતી. તેમણે જણાવ્યુ કે “કવાયત હીઝબુલ્લાહે હાથ ધરી હતી પરંતુ તેને ગાઝામાં હમાસ દ્વારા લાગુ કરવામાં આવી હતી.”
ખાશને કહ્યું કે, 2006માં હીઝબુલ્લાહે ઇઝરાયેલ સાથે યુદ્ધ શરૂ કર્યું હતું જે એક મહિના સુધી ચાલ્યું હતુ અને તેમાં સેંકડો લેબનીઝ લોકો માર્યા ગયા હતા, તે અનુભવને જોતા અત્યારે એવું લાગે છે કે હીઝબુલ્લાહ ઇઝરાયેલ સાથે યુદ્ધ ટાળવાની કાળજી રાખી રહ્યું છે, અને જૂથના નેતાઓ કદાચ હવે યુદ્ધ ઇચ્છતા નથી.
“હીઝબુલ્લાહ ઇઝરાયેલ સામે યુદ્ધે ચઢવાના પરિણામો સારી રીતે સમજે છે,” એમ કહેતા ખાશન ઉમેરે છે કે “જો હીઝબુલ્લાહ ઇઝરાયેલ સામે યુદ્ધે ચઢવાનું નક્કી કરશે તો ઇઝરાયેલ સાથેનું યુદ્ધ હીઝબુલ્લાહ અને આર્થિક સંકટમાં ગંભીર રીતે સપડાયેલા લેબનોન બન્ને માટે મોંઘું પડશે, આ ઉપરાંત યુદ્ધમાં જે જાનહાનિ થશે તે હીઝબોલ્લાહને લેબેનોનમાં અપ્રિય બનાવશે અને મને નથી લાગતું કે હીઝબોલ્લાહ લેબનોનમાં જે રીતે રાજકીય વર્ચસ્વ ધરાવે છે તે ગુમાવવાનું દુ:સાહસ કરશે”