શું પૃથ્વીનો અંત નજીક છે ? શું પૃથ્વી માનવ વિહોણી થઈ જશે ? શું પૃથ્વી પર જીવન ખતમ થઈ જશે ? આ એવા પ્રશ્નો છે જે કોઈ પણ માનવીને આશ્ચર્યચકિત કરી દે છે. જો કે પૃથ્વી ખતમ થઈ જશે એવા દાવાઓ સમય સમય પર થતા રહેતા હોય છે પરંતુ પૃથ્વી હજુ જેમની તેમ છે, માનવ જીવન હજુ પૃથ્વી પર અસ્તિત્વ ધરાવે છે. જીવન હજુ અસ્તિત્વ ધરાવે છે.
થોડાક વર્ષો પહેલા વિશ્વમાં એક ખબર ફેલાઈ હતી કે 2012માં પૃથ્વી નષ્ટ થઈ જશે, પૃથ્વી પરથી જીવનનું નિકંદન નીકળી જશે. આ પ્રકારની ખબર ઉપર આખી દુનિયામાં અનેક લોકોએ ભરોસો કરી લીધો હતો. પરંતુ એવું કશું થયું નહી અને એ ખબર એક ગપગોળો સાબિત થઈ હતી. એક કરતાં વધુ વખત આ પ્રકારના ગપ્પા ચાલતા આવે છે અને છતાં દરેક વખતે લોકો એના પર ભરોસો કરી લે છે.
પરંતુ આ વખતનો દાવો કરનાર કોઈ જુદા પ્રકારના વ્યક્તિ છે, એ ન તો ભવિષ્યવેત્તા છે ન કોઇ વૈજ્ઞાનિક છે પરંતુ તે વ્યક્તિએ એવો દાવો કર્યો છે કે 2027માં આ વિશ્વમાં કોઈ હશે જ નહી માત્ર તે એકલા જ હશે.
તે વ્યક્તિએ પોતાને ટાઈમ ટ્રાવેલર ગણાવે છે અને તેણે દાવો કર્યો છે કે તે ભવિષ્યમાં મુસાફરી કરીને પાછો ફર્યો છે. અખબાર મિરરના રિપોર્ટ અનુસાર, તે વ્યક્તિએ જણાવ્યું હતું કે તેણે તેવો દાવો કર્યો હતો કે તે 2027ના વર્ષમાંનું વિશ્વ નિહાળીને પરત આવ્યો છે. પોતાના કથિત ટાઈમ ટ્રાવેલ વિશે જણાવતા તે કહે છે કે જ્યારે તે ટાઇમ ટ્રાવેલ કરીને 2027ના વર્ષમાં ગયો ત્યારે તેણે જોયું કે આપણી પૃથ્વી પર કોઈ જ માણસ નથી. જ્યાં અને ત્યાં માત્ર મોટી મોટી ઈમારતો જ દેખાતી હતી. આ વ્યક્તિએ એવો પણ દાવો કર્યો હતો કે તેણે રોમ સહિત ઘણા સ્થળોની મુલાકાત લીધી હતી. તેણે સામાન્ય રીતે ત્યાં પ્રવાસીઓની ભીડ હોય છે તેવા વિશ્વ પ્રસિદ્ધ કોલોઝિયમની પણ મુલાકાત લીધી હતી પરંતુ ત્યાં પણ તેને કોઈ માણસ દેખાતો ન હતો.
એક વિડીઓમાં જેવિયર એક બીચ પર પોતે એકલો જ ઉભો હોય તેવો શેર કરે છે. આ વિડીઓ ડ્રોન દ્વારા શૂટ કરવામાં આવ્યો હોય તેમ જોઈ શકાય છે.
આવી માનવામાં ન આવે તેવી વાત કરનાર અને પોતાને ટાઈમ ટ્રાવેલર ગણાવનાર વ્યક્તિનું નામ જેવિયર (સ્થાનિક ઉચ્ચાર મુજબ હેવિયર) હોવાનું જાણવા મળ્યું છે. જેવિયરે (સ્થાનિક ઉચ્ચાર મુજબ હેવિયર) તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઘણા વીડિયો અને ફોટોગ્રાફ પણ શેર કર્યા છે, જેમાં ભયાનક અને બિહામણા દ્રશ્યો જોઈ શકાય છે. તેણે એવો પણ દાવો કર્યો કે જ્યારે તે 2027માં પ્રવાસ કરતો હતો ત્યારે પૃથ્વી પર એકમાત્ર માનવ બચ્યો હતો અને તે માનવ તે પોતે જ હતો. તેણે જે વીડિયો શેર કર્યો છે તેમાં આખું શહેર સાવ ખાલીખમ દેખાઈ રહ્યું છે. કાર અને ઉંચી ઇમારતો પણ જોવા મળી રહ્યા છે પણ માણસો જોવા મળતા નથી. વિડીઓ જોતા એવું લાગે કે જાણે બધા માણસો અદૃશ્ય થઈ ગયા.
જોકે આ પ્રકારની વાતો કરનારા અનેક ભેજાગેપ માણસો પૃથ્વી પર જોવા મળે છે. અગાઉ પણ અનેક લોકો સમયાંતરે પૃથ્વીના વિનાશના વરતારા આપી ચુકયા છે પરંતુ પૃથ્વી આજે પણ હેમખેમ છે. હા, જો આપણે પર્યાવરણ જાળવી રાખીશુ અને પૃથ્વીનું જતન કરતા રહીશુ તો પૃથ્વી આપણે છીએ ત્યાં સુધી તો રહેવાની જ છે તે નક્કે જ છે.
ઝેવિયરે જણાવ્યું કે તે દિવસ દરમિયાન રોમની શેરીઓમાં ફરતો હતો અને શેરીઓ સાવ ખાલી દેખાતી હતી. જો કે ઝેવિયરે આવો દાવો પહેલીવાર નથી કર્યો, વર્ષ 2021માં પણ તેણે આવા જ કેટલાક વિચિત્ર દાવા કરીને લોકોને ચોંકાવી દીધા હતા.