ગીઝા પિરામિડની (Giza Pyramid) નીચે 4000 ફૂટ ઊંડે પિરામિડ (Pyramid) કરતાં 10 ગણું મોટું ‘રહસ્યમય શહેર’ મળ્યું હોવાનો ચોંકાવનારો દાવો ઈટાલિયન સંશોધકોએ દાવો કર્યો છે. આ સંશોધન માટે સંશોધકોએ રડારનો ઉપયોગ કર્યો હતો, પરંતુ ઘણા નિષ્ણાતો તેમના દાવાને નકારી રહ્યા છે. જો કે ઈટાલિયન સંશોધકોના દાવા ઉપરથી ચર્ચા છેડાઈ છે કે શું આ શોધથી ઈજિપ્તનો ઈતિહાસ બદલાઈ જશે?
પિરામિડની નીચે પિરામિડ કરતાં 10 ગણું મોટું ‘વિશાળ રહસ્યમય ભૂગર્ભ શહેર’
ઈજિપ્તના (Egypt) ગીઝા પિરામિડ (Giza Pyramid) છેલ્લા 4500 વર્ષથી દુનિયા માટે એક રહસ્ય બનીને રહ્યા છે, પરંતુ હવે એક એવા સમાચાર સામે આવ્યા છે જેણે બધાને ચોંકાવી દીધા છે. ઈટાલીના (Italy) વિજ્ઞાનીઓએ દાવો કર્યો છે કે આ પિરામિડની (Pyramid) નીચે એક 4000 ફૂટથી વધુ ઊંડું અને પિરામિડ (Pyramid) કરતાં 10 ગણું મોટું ‘વિશાળ રહસ્યમય ભૂગર્ભ શહેર’ દબાયેલું છે! આ દાવો સાંભળ્યા બાદ સમગ્ર વિશ્વમાં અચરજ વ્યાપી ગયું છે. કેટલાક તેને ઈતિહાસ બદલાતી શોધ ગણાવી રહ્યા છે, જ્યારે ઘણા મોટા નિષ્ણાતો તેને કોરી કલ્પના ગણાવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે આ ચોંકાવનારો દાવો ઈટાલીની યુનિવર્સિટી ઓફ પીસાના (University of Pisa) કોરાડો મલંગા (Corrado Malanga), સ્કોટલેન્ડની યુનિવર્સિટી ઓફ સ્ટ્રેથક્લાઇડના (University of Strathclyde) ફિલિપો બિયોન્ડી (Filippo Biondi) અને ઈજિપ્તના નિષ્ણાત આર્માન્ડો મેઈની (Armando Mei) ટીમે કર્યો છે.
There’s a ‘vast underground city’ below Egypt’s Giza pyramids, scientists’ wild theory claims — but experts debunk it as ‘fake news’ https://t.co/kexawHaNME pic.twitter.com/Pl2QtiLhyW
— New York Post (@nypost) March 23, 2025
સેટેલાઈટ દ્વારા સંચાલિત ખાસ રડાર ટેક્નોલોજીનો ઉપયોગ
વૈજ્ઞાનિકોની આ ટીમે ખફરે પિરામિડ (Khafre Pyramid) નીચે રડાર સિગ્નલ ભૂગર્ભમાં મોકલી શકે છે એવી સેટેલાઈટ દ્વારા સંચાલિત ખાસ રડાર ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો હતો. આ ટેકનિક જેમ સોનાર સમુદ્રની ઊંડાઈ માપવાનું કામ કરે છે તેમ કામ કરે છે. રડાર સિગ્નલોમાંથી મેળવેલા તારણોનું અવલોકન કર્યા બાદ ટીમનું કહેવું છે કે તેમને 2100 ફૂટ ઊંડે 8 સિલિન્ડર આકારની રચનાઓ (cylinder-shaped structures) મળી છે, અને તેની નીચે 4000 ફૂટ પર કેટલીક વધુ અજાણી રચનાઓ જોવા મળી છે.

ત્રણ પિરામિડ (Pyramid) વચ્ચે એકબીજા સાથે જોડાયેલું નેટવર્ક?
પ્રોજેક્ટના પ્રવક્તા નિકોલ સિક્કોલોએ (Nicole Ciccolo) તેને ‘ક્રાંતિકારી’ ગણાવતા જણાવ્યું કે આ ત્રણ પિરામિડ (Pyramid) ખુફુ (Khufu), ખફ્રે (Khafre) અને મેનકૌરેની (Menkaure) નીચે એકબીજા સાથે જોડાયેલું નેટવર્ક હોઈ શકે છે. નિકોલના જણાવ્યા અનુસાર, “આ નળાકાર માળખા બે સમાંતર પંક્તિઓમાં છે, તેમની આસપાસ સર્પાકાર માર્ગો (spiral pathways) છે. તેઓ પિરામિડ જેટલા વિશાળ ભૂગર્ભ પ્રણાલીના પ્રવેશદ્વાર હોવાની સંભાવના છે.”

ટીમનો દાવો છે કે આ શોધ ઈજિપ્તના પૌરાણિક ‘હૉલ્સ ઑફ એમેન્ટી’ (Halls of Amenti) જેવી છે, જેને પ્રાચીન વાર્તાઓમાં ગુપ્ત જ્ઞાનનો ખજાનો ગણવામાં આવે છે. આ સમાચાર 15 માર્ચે ઇટાલીમાં એક પ્રેસ બ્રીફિંગમાં બહાર આવ્યા હતા.
ફ્લોરિડાના સાંસદ એના પૌલિના લુનાએ (Anna Paulina Luna) પણ તેના ફોટોગ્રાફ શેર કર્યા હતા. પરંતુ શું આ ખરેખર આટલો મોટો ઘટસ્ફોટ છે? દરેક વ્યક્તિ આ દાવા સાથે સહમત નથી. યુનિવર્સિટી ઓફ ડેનવરના (University of Denver) રડાર નિષ્ણાત પ્રોફેસર લોરેન્સ કોનિયર્સે (Lawrence Conyers) જણાવ્યું હતું કે, “આ ટેક્નોલોજી આટલી ઊંડાઈ સુધી જઈ શકતી નથી. 4000 ફૂટથી નીચેના શહેરનો દાવો અતિશયોક્તિપૂર્ણ છે.”
રડાર નિષ્ણાત પ્રોફેસર લોરેન્સ કોનિયર્સના મતે, પિરામિડની નીચે શાફ્ટ અથવા ચેમ્બર જેવા નાના બાંધકામો હોઈ શકે છે, જે પહેલાથી હતા જ, કારણ કે આ સ્થાન પ્રાચીન લોકો માટે ખાસ હતું. તે કહે છે, “મય સંસ્કૃતિમાં (Mayan Civilization) પણ, ગુફાઓ પર પિરામિડ બાંધવામાં આવ્યા હતા, પરંતુ આટલું વિશાળ શહેર અસંભવ છે.”
કોનિયર્સનું માનવું છે કે સત્ય જાણવાનો એકમાત્ર રસ્તો સાઈટ ઉપર ખોદકામ કરવાનો છે. પરંતુ આ અભ્યાસ હજુ સુધી કોઈ વૈજ્ઞાનિક જર્નલમાં પ્રકાશિત થયો ન હોવના કારણે તેની સત્યતા પર સવાલો ઉઠી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે પીરામીડની નીચે એક રહસ્યમય શહેર હોવાનો દાવો કરનાર નિષ્ણાત કોરાડો મલંગા યુએફઓ એક્સપર્ટ (UFOlogist) છે અને તેઓ અગાઉ એલિયન્સ પર યુટ્યુબ શો પણ કરી ચુક્યા છે, જ્યારે બિયોન્ડી રડાર ટેક્નોલોજીમાં એક્સપર્ટ છે અને મેઈ પ્રાચીન ઈજિપ્ત પર સંશોધન કરે છે. તેમની ટીમે 2022માં ‘રિમોટ સેન્સિંગ’ જર્નલમાં એક પેપર પ્રકાશિત કર્યું હતો, જેમાં ખફરે પિરામિડની અંદર છુપાયેલા રૂમ અને રેમ્પ મળ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.
આ વખતે સેટેલાઈટ અને સિસ્મિક મૂવમેન્ટ્સથી બનેલી 3D ઈમેજનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ટીમ 2025 સુધી સંશોધન ચાલુ રાખશે, પરંતુ ઘણા લોકો તેને સનસનાટીભર્યા માની રહ્યા છે. શું આ શોધ ઈજિપ્તના ઈતિહાસને નવો વળાંક આપશે, એ તો સમય જ કહેશે!