Spread the love

મહેશ-નરેશ: મુંબઇમાં તિલક પુલની
નીચે ભિખારીઓ સાથે સૂઇ રહેતા..

મહેશ-નરેશ: કાગળો વીણતા,
બૂટ-પોલીસ કરતા, અંતે સફળતા.

કિશોર મકવાણા

– ઘરમાં ટેકો કરવા મહેશ તેમનાથી બે વર્ષ મોટા ત્રીજા બહેન કંકુબહેન સાથે વહેલી સવારે 4 વાગે ઊઠીને ખભે શણનો કોથળો રાખી રસ્તામાં પડેલા કાચ-કાગળ વીણવા જતા. થેલામાં ભરાયો હોય એટલો માલ, કાચ અને કાગળ – બીજું તો શું? લઇને મિરઝાપુર જૂના પાવર હાઉ પાસેના ડહેલામાં કાળુ શેઠને વેચવા જતા.

– શિશુ નરેશ ખૂબ ભૂખ્યો થઇ રડતો હતો તેથી તેને પણ ગોદડા નીચે મા પાસે સૂવાડેલો. દલીબહેન માટે ડોક્ટરને બોલાવ્યા. મોઢા પરથી ગોદડી ઊંચી કરીને ડોક્ટરે જોતાં જ કહ્યું, અરે, આ બાળકને બહાર કાઢો. બહેન તો મરી ગયા છે.

મહેશ-નરેશનું જીવન એટલે ભીષણ ગરીબાઇ,  પછી સતત સંઘર્ષ અને અંતે કઠોર પુરુષાર્થ અને પરિશ્રમથી
ભરપૂર સફળતા મેળવી. ગુજરાતી પ્રજા અને ફિલ્મ ઉદ્યોગને ભરપૂર આપ્યું. સંગીતની સાધના કરી અને કલાને સમૃદ્ધ કરી. એકલું ‘મહેશકુમાર’ બોલતા ન ફાવે કે એકલું ‘નરેશકુમાર’ બોલતા ય ન ફાવે…શરીર બે પણ જીવ એક. ફિલ્મ-સંગીતમાં મહેશ-નરેશના નામે વિખ્યાત થયા, પણ એમની આ વિખ્યાત થવાની યાત્રા ભયાનક સંઘર્ષવાળી રહી છે. જોકે જેનામાં પ્રતિભા કે મહેનત કરવાની દાનત હોતી નથી એજ જાત જાતના બહાના કાઢી રોદણાં રડતા હોય છે બાકી મહેશ-નરેશનું જીવન આપણી સામે છે. મહેનત અને આવડતથી સર્વોચ્ચ સફળતા મેળવી.

મહેસાણા જિલ્લાના બહુચરાજી (જૂના ચાણસ્મા) તાલુકાના કનોડા ગામમાં વણાટકામ કરી ગુજરાન ચલાવતા પિતા મીઠાલાલ રૂપાભાઇ પરમાર અને માતા દલીબેનના નાનકડા ઘરમાં જન્મ થયેલો.

મીઠાભાઇ વણકર સમાજના પારંપરિક હાથવણાટનું કામ કરતા. પોતે પતિ-પત્ની, મોટા દીકરા શંકરભાઇ તેમજ ત્રણ દીકરીઓ નાથીબહેન, પાનીબહેન અને કંકુબહેન અને બે દીકરા મહેશ અને દિનેશ મળીને આઠ જણ પરિવારમાં. નાની દીકરીઓ અને બે ટેણિયાઓ ખેતરમાં લણવા-વાઢવા અને બીજા પરચૂરણ મજૂરી કામ કરવા જતા અને સાંજે બધું મળઈને આઠ આના એટલે કે અત્યારના પચાસ પૈસા કે અડધો રૂપિયો લઇને ઘેર આવતા.

જિંદગી બદલવા પૈસા કમાવવા માટે શંકરભાઇ હિંમત કરીને અમદાવાદ આવ્યા. શાહપુર રંગીલા ગેટ પાસે મહેસાણિયા વાસ (મૂળ નામ કદાચ મસાણિયા વાસ હશે)માં લલ્લુ બાપાના છાપરામાં તેમને રહેવાનો આશરો મળ્યો અને જુદી જુદી મિલોમાં બદલી કામદાર તરીકે ત્રુટક ત્રુટક કામ પણ મળ્યું.

મહેશકુમાર ચાર વર્ષની ઉંમરે માતા-પિતા અને ભાઇ-બહેનો સાથે અમદાવાદ આવ્યા. મહેસાણિયા વાસના એ પહેલા ઘરમાં લાઇટ નહોતી અને એરંડિયાના તેલનો દીવો કરતા તથા મ્યુનિસિપાલિટીના જાહેર નળમાંથી પાણી ભરવા જતાં. મહેશને ભણવાની ખૂબ લગન. પરંતુ નસીબે એના માટે કંઇ બીજું જ જીવન નિર્મિત કર્યું હતું. એ રંગીલા ગેટ પાસેની મ્યુનિસિપલ શાળા નં.2માં હોંશેહોંશે ભણવા દાખલ થયો. કમનસીબે, ઘરમાં તો ખાવાના અનાજના ફાંફા હતા ત્યાં એને ભણવાની ચોપડી અને નોટબુકના પૈસા લાવવા ક્યાંથી? અમુક સમયે તો આખા કુટુંબને બે-ત્રણ દિવસ ધાનનો દાણો પેટમાં નાખ્યા વગર સૂઇ જવું પડતું.

ઘરમાં ટેકો કરવા મહેશ તેમનાથી બે વર્ષ મોટા ત્રીજા બહેન કંકુબહેન સાથે વહેલી સવારે 4 વાગે ઊઠીને ખભે શણનો કોથળો રાખી રસ્તામાં પડેલા કાચ-કાગળ વીણવા જતા. થેલામાં ભરાયો હોય એટલો માલ, કાચ અને કાગળ – બીજું તો શું? લઇને મિરઝાપુર જૂના પાવર હાઉ પાસેના ડહેલામાં કાળુ શેઠને વેચવા જતા. આ રીતે રોજના 4-6 આના એટલે કે આજના 25-30 પૈસા ઉપજતા એ મહેશની ચાર વર્ષની ઉંમરે મળેલી પહેલી કમાણી !
એ પછી કંકુબહેન સાથે મિલોમાં મજૂરોને ટિફિન પહોંચાડવાનું કામ મહેશે શરૂ કર્યું.

મહેસાણિયા વાસમાં નાથા માસ્તર મહોલ્લામાં સૌથી પૈસાદાર ગણાતા. એમનાં ઘરમાં ગ્રામોફોન હતું અને એમણે એચ.એમ.વી.ની બધી રેકર્ડ ખરીદેલી. સાંજના એ ઘરની અંદર રેકર્ડ વગાડીને ખાટલે બેઠા લિજ્જત ઉઠાવે. મહેશ તે ગીતો સાંભળવા ખેંચાઇ જતો. મહેશનું નાનપણનું નામ મગન, લાડથી તેને મઘો કહીને બોલાવતા. માસ્તર તેને ઘરમાં વચ્ચે બેસાડે, માથે ટુવાલ ઢાંકે અને પછી ફરમાઇશ કરે, ‘ચલ મઘા, તું બનજા ગ્રામોફોન, ગા સુરૈયાનું ગીત’. મહેશને આ બધાં સ્ત્રી અને પુરુષ બંને ગાયકોના ગીતો અલગ અલગ અવાજના અંદાજમાં અસલ જેવા જ આબેહૂબરૂપે ગાવાની કુદરતી બક્ષિસ છ વર્ષની ઉંમરથી મળી ગઇ.

બાળ કલાકાર મહેશનો પહેલો જાહેર કાર્યક્રમ શાહપુર મહેસાણિયા વાસમાં નાથા માસ્તરના ઘરમાં પાંચ-પંદર જણ વચ્ચે ગ્રામોફોન બનીને ફરમાઇશો પૂરી કરી તે. મણિલાલ નામના દરજી વાયોલિન વાદક.. એ મહેશના ભાઇબંધ. એક સાંજે લટાર મારતાં મારતાં બંને ભાઇબંધ ત્રણ દરવાજા પાસે કારંજ પોલીસ ચોકરીની પાસે તમાકુની દુકાનો છે ત્યાં ઊભા રહ્યા. બંનેએ જુગલબંધી શરૂ કરી. મહેશ એક ગીત ગાય ત્યારે મણિલાલ દરજી વાયોલિન વગાડે અને મણિલાલ ગાય એટલે મહેશ વાયોલિનની સંગત આપે. ટોળાંમાંથી કોઇએ એને ગમતું ગીત ગાવાની ફરમાઇશ કરી. મણિલાલે કહ્યું, ‘ચાર આના આપવા પડશે.’ પેલાએ હા કહી એટલે એની ઇચ્છા પ્રમાણે ગાયું. આ રીતે ચાર આનાથી શરૂ કરી માંગ વધી એટલે એક ગીતનો ભાવ આઠ આના સુધી વધાર્યો. આ જાહેર રસ્તા પરની મહેફિલથી રોજ બે-ચાર રૂપિયાની કમાણી થતી. જે તેઓ વહેંચી ઘરમાં આપી દેતા.

મહેશનો નાનો ભાઇ દિનેશ પણ સારું ગાતો. તેણે આપમેળે ઢોલક વગાડતાં પણ શીખી લીધેલું. કાકાનો દીકરો સોમચંદ જેને સુરેશના નામે બોલાવતા તે પણ ગાવા-વગાડવામાં તૈયાર થઇ ગયેલો. આમ, મહેશ-દિનેશ-સુરેશની ત્રિપુટીની એક નાનકડા વૃંદનાં સ્વરૂપે રચના થઇ ગઇ. ગલીએ ગલીએ ફરીને મનોરંજનની લહાણી કરતા આ ભાઇઓના મગજમાં આ ગ્રુપને ‘બ્રાન્ડ’ – નામ આપવાનો વિચાર ઝબૂક્યો અને 1947માં ‘મહેશકુમાર એન્ડ પાર્ટી’ની શરૂઆત થઇ.

મહેશ અને દિનેશ પછીના નાના ભાઇ નરેશનો જન્મ ભૂંડી ભૂખના દિવસોમાં થયો. યાદ કરતા જ કંપારી છૂટી જાય એવા સંજોગોમાં થયો હતો. પ્રસૂતિના દિવસોમાં મા બીમાર હતા. મ્યુનિસિપાલિટીનું પ્રસૂતિગૃહ પાસે હતું પણ ત્યાં સુધી લઇ જવાય એવી સ્થિતિમાં નહોતા. દાયણના હાથે પ્રસૂતિ કરાવી. દલીબહેનની તબિયત વધારે બગડી હતી. સખત તાવ ચડેલો ને ઠંડીથી શરીર ધ્રૂજતું હતું એટલે માથે ગોદડા ઓઢાડેલા. બીજી બાજુ, શિશુ નરેશ ખૂબ ભૂખ્યો થઇ રડતો હતો તેથી તેને પણ ગોદડા નીચે મા પાસે સૂવાડેલો. દલીબહેન માટે ડોક્ટરને બોલાવ્યા. મોઢા પરથી ગોદડી ઊંચી કરીને ડોક્ટરે જોતાં જ કહ્યું, અરે, આ બાળકને બહાર કાઢો. બહેન તો મરી ગયા છે. મા ગયા પછી નરેશકુમારને માસી મેનાબહેને ધવરાવીને મોટો કર્યો. મહેશકુમાર  21 વર્ષના હતા ત્યારે પોળમાં પાર્ટીના કાર્યક્રમો આપવા જવા તૈયાર થતા ત્યારે ચાલતાં શીખેલો 6 વર્ષનો નરેશ રડીને બાઝી પડતો અને સાથે આવવાની જીદ પકડતો. એને છાનો રાખવો મુશ્કેલ હતો એટલે તેડીને સાથે લઇ જતા, પરંતુ કાર્યક્રમ શરૂ થાય ત્યારે એ સૂઇ જતો. મહેશકુમાર  ગીત ગાતા હોય ત્યારે દિનેશ એને ખોળામાં રાખી ઢોલક વગાડતો અને દિનેશ રજૂઆત કરતો હોય ત્યારે મહેશકુમાર ખોળામાં રાખી ખંજરી વગાડતા.
નરેશકુમાર ગાવાલાયક બન્યા એ પહેલાં ઘરમાં ગુજરાન બરાબર ચાલે એ માટે વીણવા જતા. બૂટપોલિશ કરતા. રેસ્ટોરાંમાં બહારવાળાનું કામ કરતા અને બહેરામપુરામાં સાડીઓના રોલિંગ-રંગાટીના કારખાનામાં જઇ રોજના બે રૂપિયા કમાઇ લાવતા.

1940-50ના દાયકાની ફિલ્મોમાં અભિનેતાઓ અને અભિનેત્રીઓ પોતાના પાત્રના ગીતો પોતે જ ગાતા. મહેશકુમાર તો સ્ત્રી અને પુરુષ બંનેના કંઠમાં ગાઇ શકતા અને વળી દેખાવે પણ સ્માર્ટ. કેટલાકે સલાહ આપી કે, ‘મુંબઇ જા, ત્યાં જ તારું ભાવિ છે,’ પણ ઘરનાં સભ્યો રજા આપતા નહોતા, પરંતુ મહેશ અને સુરેશ સાડા ચાર રૂપિયાવાળી બે હાફ ટિકીટ લઇ તકદીર અજમાવવા મુંબઇ ઉપડી ગયા. મુંબઇ સેન્ટ્રલ ઉતર્યા.
કિટલીએ ચા પીધી. દિવસભર રખડ્યા, નજીકના બે-ત્રણ સ્ટુડિયોના ઝાંપા જોયા. સાંજ પડી. પ્રશ્ર એ હતો કે રાત્રે સૂવું ક્યાં? દાદરમાં તિલક પુલની નીચે ભિખારીઓ સાથે સૂઇ ગયા. રોજ એક ચા અને એક પાંઉં ખાઇને દિવસ અને ભિખારીઓ સાથે રાત વીતાવીને કાઢ્યા.

એક પરિચિત પાલજીભાઇ બોરીચાનો રસ્તામાં ભેટો થઇ ગયો. એમણે આર્થરરોડ ઉપર પ્રિન્ટિંગના એક નાના કારખાનામાં સૂવાની વ્યવસ્થા કરાવી આપી. ત્યાં આખો દિવસ સાડીઓ છાપવાનું કામ ચાલે અને રાતે કારીગરો ઘેર જાય પછી ત્યાં સૂઇ રહેવાની સગવડ મળી. ભૂખથી ટળવળતા બંને દિવસે સ્ટુડિયોમાં ભટકતાં, રણજિત મુવિટોન, કારદાર, રાજકમલ, સેન્ટ્રલ, જ્યોતિ વગેરે સ્ટુડિયોમાં જતા, શૂટિંગ જોતા, રેકોર્ડિંગ સ્ટુડિયો જોતા અને મ્યુઝિક ડાયરેક્ટરોને મળતા, પરંતુ આંટાફેરા અને આશીર્વાદ. એકવાર સંગીતકાર વસંત દેસાઇ મળ્યા. એમને એક ગીત સંભળાવ્યું. તે બોલ્યા, ‘બેટા, સારું ગાય છે. પછી ક્યારેક બોલાવીશ. શંકર-જયકિશને તો સાઉન્ડ માઇક ટેસ્ટ કરીને ગવડાવ્યું. કવિ શૈલેન્દ્ર હાજર હતા. એમણે એવા ઉદ્ગાર કાઢેલા કે, ‘યે તો દૂસરી લતા હૈ.’ આર.ડી. બર્મન પણ ખુશ થયેલા અને કહેલું, ‘ફાઇન ગાય છે, પરંતુ અમારી પાસે ઓરિજિનલ લતા છે. બીજું કાંઇ તારા જેવું ગાવાનું હશે તો બોલાવીશું.’

પાલજીભાઇ બોરીચા એકવાર નજીકમાં મ્યુનિસિપલ મજૂર કલ્યાણ કેન્દ્ર – વેલફેર સેન્ટરમાં નેશનલ મ્યુઝિક સર્કલ ચાલતું હતું ત્યાં લઇ ગયા. મ્યુઝિક સર્કલના પ્રમુખનું નામ હતું કાનજીભાઇ પરમાર. તે વખતે લતાજીના ‘અબ મેરા કૌન સહારા’ અને ‘જિયા બેકરાર હૈ’ તેમજ ‘હવા મેં ઉડતા જાયે, મેરા લાલ દુપટ્ટા મલમલકા હોજી હોજી’ જેવા નવા ગીતો ખૂબ લોકપ્રિય હતા અને તે મહેશકુમારને કંઠસ્થ હતા. તેણે પહેલું ગીત ફિલ્મ ‘અંદાજ’નું સંભળાવ્યું, ‘ઓ બેવફા તુઝને મેરે પ્યાર કા ખૂબ યે સિલા દિયા.’ હોલમાં બેઠેલા કલાકારો અને સાજિંદાઓ તો સાંભળીને ગાંડા થઇ ગયા અને શૈલેન્દ્રના શબ્દો જ બોલ્યા, ‘અપને કો લતા મંગેશકર મિલ ગઇ!’

કાનજીભાઇએ એજ ઘડીએ તેને પાર્ટીમાં રોકી લીધા અને વેલફેર સેન્ટરમાં જ રાત્રે સૂઇ રહેવાની તથા એમને ઘેર લઇ જઇ જમવાની વ્યવસ્થા કરી આપી. આમ, મહેશ માટે મુંબઇમાં સૂવાની અને જમવાની વ્યવસ્થા થઇ ગઇ.
કાનજીભાઇએ મહેશનો સંગીત પ્રત્યેનો ઉત્કટ પ્રેમ જોઇને તેને શ્રી રાસબિહારીભાઇ પાસે સંગીતની પદ્ધતિસરની શાસ્ત્રીય તાલીમ લેવા મોકલ્યો. પોતે મ્યુઝિક સર્કલ ચલાવતા હતા એટલે એવું નક્કી કર્યું કે મહેશ પહેલાં શીખે અને પછી સર્કલના બીજા કલાકારોને તે શીખવાડે. મહેશકુમાર જોત જોતામાં રાસબિહારીભાઇનું પ્રિયપાત્ર બની ગયા. અત્યાર સુધી તેને મૂળ ‘મગન’ નામથી જ બધા બોલાવતા. તેના સંગીતગુરુને તેનો અવાજ ખૂબ ગમતો, પણ નામ બરાબર લાગતું નહોતું. એક દિવસ રિહર્સલ દરમિયાન તેમણે એને કહ્યું કે, ‘મગન, તારું નામ બહુ દેશી છે, બીજું કોઇ નામ રાખ.’ એણે કહ્યું કે, શું નામ રાખું? તમે જ મને કોઇ નામ આપી દો ને! તેની ભવિષ્યની કારકિર્દી ધ્યાનમાં રાખીને હું તેને ‘મહેશ’ નામ આપું છું.

કલ્યાણજી-આણંદજી સંગીતબેલડીના કલ્યાણજીભાઇએ મસ્જિદ બંદર વિસ્તારના એક કાર્યક્રમમાં મહેશને ગાતો જોયેલો અને પ્રથમ દૃષ્ટિએ જ આ બાળકલાકાર તેમના દિલમાં વસી ગયો. એમણે મહેશને ગ્રુપમાં ગાવા આવવાની ઓફર કરી, પરંતુ નેશનલ મ્યુઝિક પાર્ટી સાથે બંધાયેલો હોવાથી તેણે જવાબ ના દીધો. મુંબઇના નાગપાડામાં રંગ ઉપવન ભવનમાં ફિલ્મી કલાકારોનો એક ગીત-સંગીત કાર્યક્રમ યોજાયો હતો. તેમાં પૃથ્વીરાજ કપૂર, દિલીપકુમાર, અશોકકુમાર, રાજ કપૂર, કમલ અમરોહી તેમજ મીનાકુમારી, મધુબાલા જેવી ખ્યાતનામ હસ્તીઓ આવી હતી.

આ કાર્યક્રમની જાહેરખબરમાં સૂરસામ્રાજ્ઞી લતા મંગેશકર આવવાના છે તેવી જાહેરાત કરવામાં આવી હતી. હિન્દી ફિલ્મના શ્રેષ્ઠ ચરિત્ર અભિનેતા ડેવિડ આ કાર્યક્રમના ‘એન્કર’ હતા. તેમણે મહેશને સાંભળેલો અને તેના લતાજી જેવા અવાજ પર ફિદા હતો તેથી તેના કાર મોકલાવી આ કાર્યક્રમમાં બોલાવેલો. મહાન કલાકારોને જોવા-સાંભળવા આવેલા પ્રેક્ષકોથી ગૃહ છલોછલ થઇ ગયું હતું. બન્યું એવું કે લતાજીના નામની જાહેરાત કરવામાં આવેલી પરંતુ તેઓ આવી શકેલા નહીં. બેબી તબસ્સુમ વગેરે કલાકારો મનોરંજન પીરસતા હતા, પરંતુ પ્રેક્ષકો તો લતાજીને સાંભળવા બેતાબ હતાં. તેમણે ‘વી વોન્ટ લતા મંગેશકર’ના સૂત્રો પોકારી બૂમાબૂમ મચાવી દીધી. મામલો બેકાબૂ બની ગયો.

આ નાજુક પરિસ્થિતિમાં ડેવિડે અંતરસૂઝથી ગજબનું સાહસ કર્યું. તેમણે મંચ પર પડદો પાડી દીધો અને માઇક પરથી જાહેરાત કરી કે ‘શાંતિ રાખો, લતાજી પાછળના દરવાજેથી આવી ગયા છે. પછી ખૂબ ઝડપથી સ્ટેજ ઉપર વાજિંત્રો ગોઠવ્યા, સાજિંદાઓને બેસાડ્યા અને મહેશને સ્ટેજ પર ખેંચી ગયા અને માઇક પર લતાજીનું ગીત ગાવાની સૂચના આપી. પડદો બંધ રાખીને તેમણે ઉદ્ઘોષણા કરી, ‘આપણા ચાહિતા લતાજી આવી ગયા છે તેમને સાંભળો.’ સંગીતની સૂરાવલી છેડાઇ અને મહેશે ગીત ઉપાડ્યું. ‘આયેગા આયેગા આનેવાલા’ પ્રેક્ષકોનો કોલાહલ એકદમ શાંત થઇ ગયો અને ચિચિયારીઓને બદલે તાળીઓ ગુંજી. તેણે ગીત આગળ ચલાવ્યં, ‘ખામોશ હે જમાના, ચૂપચાપ હે સિતારે’ આ પળ ખૂબ નાજુક હતી. પરંતુ ડેવિડને કાંઇક રાહત લાગી એટલે એણે પડદો ઉંચકાવ્યો. લતાજીને બદલે મહેશને જોઇને પ્રેક્ષકો આશ્ર્ચર્યમાં પડી ગયા કે આ શું ? લતાજી તો છે નહીં અને આ બાળ કલાકારે અદ્દલ તેમના કંઠમાં એવું સરસ ગાયું કે જાણે ખુદ લતાજીને સાંભળતા હોઇએ.

મહેશને સૌથી પ્રથમ ફિલ્મમાં ગાવાની તક અવિનાશ વ્યાસે આપી. તેમણે ‘રાજારાણી દમયંતી’ હિન્દી ચિત્રમાં મહેશકુમારને ગાવા બોલાવ્યા અને મહેશે પ્લેબેક આપ્યું. ‘તું મહેલોં કા છોટા મુન્ના, મૈં મહેલોં કી રાની’ અને બીજું ગીત ‘મૈયા તુમ્હારે બિના પ્રાણ દુખિયારે’. આ બંને ગીતો ફિલ્મના મુખ્ય ગીતો હતા. અવિનાશભાઇએ મહેશકુમારને ફિલ્મોમાં ગાવાની તક તો આપી જ પણ રેડિયો પર પણ મહેશકુમારને પહેલી વખત ગીત રજૂ કરવાનું શ્રેય અવિનાશ વ્યાસને ફાળે જ જાય છે.

દિનેશના અવસાન પછી મહેશકુમાર મનમાં અભાવ અનુભવી રહ્યા હતા તેવા દિવસોમાં નરેશકુમારે મહેશકુમાર એન્ડ પાર્ટીના કાર્યક્રમોનો સિલસિલો વધારે વેગથી ચાલુ રાખવાની અને ફિલ્મોમાં હીરો તરીકે ઉત્તમ અભિનેતા તરીકેની ઇમેજ ઊભી કરવાની એમ બેવડી ભૂમિકા અદા કરી. બંને ભિન્ન પ્રકારના, પરંતુ સરખા કઠિન એવા પડકારોને હસતાં હસતાં રમતાં રમતાં ઝીલી લેવાની અદમ્ય શક્તિનો તેમના દેહ અને દિમાગમાં ઇશ્વરદત્ત સંચાર થતો હોવો જોઇએ. નરેશકુમાર પણ મોટાભાઇની જેમ કુટુંબની આર્થિક વિટંબણાઓને કારણે શાળાકીય શિક્ષણ મેળવી શક્યા નહોતા, પરંતુ કપરા જીવનની પાઠશાળામાં બે હાથ, બે પગ અને વ્યવહારુ બુદ્ધિના આપબળ વડે જિંદગીના અઘરા પ્રશ્નો ઉકેલવાનું મેનેજમેન્ટ તેમણે ખૂબ ઝડપથી શીખી લીધું.

1976માં ફિલ્મ નિર્માણક્ષેત્રે પ્રવેશ કરી મહેશ-નરેશે કનોડિયા ફિલ્મની સ્થાપના કરી. બંને ભાઇઓ ગાયક, સંગીતકાર અને અભિનેતા તરીકે સફળતાના ઊંચા સોપાન ઉપર પહોંચ્યા હતા તેથી આ સાહસમાં પણ સફળતા સ્વાભાવિક રીતે મળી રહી એટલું જ નહીં, બંનેની બહુમુખી પ્રતિભાએ સફળતાના નવા શિખરો પણ સર કર્યા. ગરીબીના દિવસોમાં પણ, સુખના દિવસોમાં પણ. નેતા બન્યા ત્યારે પણ અને કલાકાર તરીકે જીવ્યા  ત્યારે પણ. તેમનું સેવાકાર્ય કોઇપણ જાતનો દેખાડો કર્યા વિના જીવનના અંત સુધી ચાલતું રહ્યું. ગુજરાતના ઘણાં સ્થળોએ, ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સુરતમાં. મંદિરો, હોસ્પિટલો, શાળાઓ, અનાથાશ્રમો તથા વૃદ્ધાશ્રમો બાંધવામાં તેમણે  ગુપ્તદાન કર્યું અથવા આવી પરોપકારી સંસ્થાઓ શરૂ કરવા માટે તેમની પાર્ટીના શૉ મફત કરીને નાણાં એકઠા કરવામાં મદદ કરી. સત્કાર્યનો ઢંઢેરો પીટવામાં તેમને શરમ આવે છે કેમ કે, મીઠાભગતની શીખ તેમણે અક્ષરશ: જીવનમાં ઉતારી કે, ‘સ્વાભિમાન જાળવજો, અભિમાનથી દૂર રહેજો.’


Spread the love