Spread the love

  • તાજેતરમાં રશ્મિકા મંદાનાનો વિડિયો થયો હતો વાયરલ
  • ડીપફેક આધુનિક ટેકનોલોજી
  • સુપર ઇમ્પોઝ કરીને બનાવાય છે ડીપફેક વિડિયો

શું છે ડીપફેક ?

કોઈ વ્યક્તિના ચહેરા, અવાજ અને અભિવ્યક્તિને બીજાના વાસ્તવિક વીડિયો, ફોટો અથવા ઑડિયોમાં ફિટ કરવાની ટેકનોલોજીને ડીપ ફેક કહેવાય છે. ડીપફેક વીડિયો બનાવવામાં મશીન લર્નિંગ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવે છે. ટેક્નોલોજી અને સોફ્ટવેરની મદદથી વીડિયો અને ઓડિયો તૈયાર કરવામાં આવે છે. આ રીતથી બનેલો વીડિયો એટલો અસલ લાગે છે કે જેનો ડીપફેક વીડિયો બનાવાયો છે તે વ્યક્તિ પણ તેના પર વિશ્વાસ કરી શકે છે. આમાં, નકલી પણ અસલી વસ્તુ જેવી જ લાગે છે. ‘ડીપફેક’ શબ્દ સૌપ્રથમ 2017 ના અંતમાં અમેરિકામાં લોકપ્રિય એવા સોશિયલ ન્યૂઝ એગ્રીગેટરના યુઝર દ્વારા ઉપયોગમાં લેવામાં આવ્યો હતો જેણે અશ્લીલ વીડિયોઝ પર સેલિબ્રિટીઓના ચહેરાને સુપરઇમ્પોઝ કરવા માટે ડીપ લર્નિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો હતો. અમેરિકામાં લોકપ્રિય એવા સોશિયલ ન્યૂઝ એગ્રીગેટર રેડિટ પર ડીપ ફેક આઈડી સાથે અનેક સેલિબ્રિટીઝ જેમાં એમા વોટસન, ગેલ ગેડોટ, સ્કારલેટ જોહનસન વગેરે જેવી અભિનેત્રીઓના વીડિયો પોસ્ટ કરવામાં આવ્યા હતા.

કેવી રીતે બનાવાય છે ડીપફેક વિડિયો ?

ડીપફેક બે નેટવર્કની મદદથી બનાવવામાં આવે છે, એક એન્કોડર અને બીજું ડીકોડર નેટવર્ક. એન્કોડર નેટવર્ક સ્રોત સામગ્રી (મૂળ વિડિઓ) નું વિશ્લેષણ કરે છે અને પછી તે ડેટાને ડીકોડર નેટવર્ક પર મોકલી આપે છે. ત્યાર બાદ ફાઈનલ આઉટપુટ તૈયાર થાય છે જે બિલકુલ અસલી જેવું જ હોય છે. વધારે વિસ્તૃત સમજીએ તો સૌથી પહેલા તો એવા ફોટો કે વીડિયોની ઓળખ કરવામાં આવે છે જેમાં નકલી ચહેરો અને અવાજ લગાવી શકાય. તેમાં એક વીડિયો અથવા એક્થી વધુ વીડિયોની જરુર પડે છે. ડીપફેક વીડિયો બનાવવા માટે તેની દરેક ફ્રેમ પર કામ કરવામાં આવે છે, જેથી વીડિયો એક્દમ અસલી લાગે. આ કાર્ય એટલું ઝીણવટભર્યુ હોય છે કે એમાં એક સેકન્ડનો વીડિયો 24 ફ્રેમથી બને છે એટલે કે એક સેકન્ડના વીડિયોમાં 24 ઈમેજનો સમાવેશ કરવામાં આવે છે. ડીપફેક માટે આજકાલ ઘણી બધી વેબસાઈટ અને એપ્સ ઉપલબ્ધ છે જેના દ્વારા ડીપફેક વીડિયો બનાવી શકાય છે.

કેવી રીતે ડીપફેક વીડિયોને ઓળખી શકાય ?

આવા ફોટો-વીડિયોને ઓળખવા સરળ નથી પણ અશક્ય પણ નથી. તેમને ઓળખવા માટે વીડિયો ખૂબ ઝીણવટપુર્વક જોવો પડે છે. વિડિયો ડીપફેક છે કે નહી તે જાણવા માટે ખાસ ચહેરાના હાવભાવ, આંખની હલનચલન અને શરીરની શૈલી પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. આ ઉપરાંત, શરીરના રંગ દ્વારા પણ ઓળખી શકાય છે. સામાન્ય રીતે આવા વીડિયોમાં ચહેરા અને શરીરનો રંગ મેચ થતો હોતો નથી. આ સિવાય લિપ સિંકિંગ દ્વારા પણ આવા વીડિયોને ઓળખી શકાય છે. આ સિવાય સ્થાન અને વધારાની બ્રાઈટનેસ દ્વારા પણ આવા વીડિયોને ઓળખી શકાય છે. આ સિવાય વ્યક્તિ પોતાની સમજણથી પણ નક્કી કરી શકે છે કે વીડિયો અસલી છે કે નહીં.

આ ઉપરાંત ડીપફેક વીડિયો અને ફોટો જાતે ઓળખી શકાતા ન હોય તો AI ટૂલની મદદ પણ લઈ શકાય છે. AI or Not અને Hive Moderation જેવા ઘણા AI ટૂલ્સ છે જે AI જનરેટેડ વીડિયોને સરળતાથી ઓળખી લે છે તેથી ડીપફેક વીડિયો છે કે નહી તે જાણવા આ AI ટૂલ્સનો ઉપયોગ કરી શકાય છે.

જોકે ડીપફેક વીડિયોને સચોટ રીતે પારખી શકે તેવું કોઈ પ્રમાણિત સાધન હજી સુધી નથી, પરંતુ ગૂગલ, એમેઝોન અને મેટા સહિત ઘણી કંપનીઓ છે જે ડીપફેક વીડિયોને પારખી શકાય તે પ્રકારની ટેકનોલોજી વિકસાવવા પર સતત કાર્યરત છે.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.