સમય અને તેની સાથે ચાલતા ઘટનાક્રમો પોતાની સાથે સમગ્ર સમાજને ઢસળી જાય છે અને છેવટે ઈતિહાસ કહેવાય છે. એવું કહેવાય છે કે History repeats itself ઈતિહાસ સ્વયં પુનરાવર્તન કરતો હોય છે પરંતુ એ પુનરાવર્તન વખતે સમય, ઘટનાક્રમ અને સમાજ બધામાં આમુલ પરિવર્તન આવેલુ જોવા મળે છે.
ભુતકાળમાં અને વર્તમાનમાં પણ અસ્પૃશ્યતા દૂર કરવા માટે, દબાયેલા વર્ગોના ઉત્થાન માટે પ્રયત્ન થયા હતા અથવા ચાલુ હતા, તો પછી ડૉ. આંબેડકર નવી, નૂતન કેડી કંડારવાની જરુર શા માટે જોતા હતા અને સ્વયં એ નૂતન કેડી કેમ કંડારી ?
જે કેટલાક લોકો, સંસ્થાઓ, સમુહો કચડાયેલા વર્ગોના ઉત્થાનનું કાર્ય કરતા હતા એ સૌમાં ડૉ. આંબેડકર અલગ વિશેષતા ધરાવતું વ્યક્તિત્વ હતા. ડૉ. આંબેડકરે સામાજિક સુધારણાના ક્ષેત્રમાં જોઈએ તો હિંદુ સમાજમા સુધારણા માટે ઉત્કૃષ્ટ વૈચારિક સ્પષ્ટતા ધરાવતા હતા, હિંદુ સમાજના પુનર્નિમાણ અને પુર્નરચનાની દ્રષ્ટીએ જોતા તેઓ અન્યો કરતા સાર્થક અને સ્પષ્ટ રીતે વૈચારિક વિશિષ્ટતાઓ ધરાવતા હતા.
સમાજોદ્ધારનું ઉમદા કાર્ય કરતા મહાનુભાવોની સેવા અને જીવનભરના પ્રયત્નો એ સુધારકોની દુનિયામાં કંઈ ઓછા અસરકારક કે ઉર્જામય હતા એવું નહોતું. અગાઉના રાજકુમારો, સુધારકો, રાષ્ટ્રપ્રેમ ધરાવતા લોકો, મહાત્માઓ, માનવતાવાદીઓ અને તર્કવાદી રેશનાલિસ્ટો વગેરેએ અસ્પૃશ્યતા, જાતિવાદી ભેદભાવના રોગનું પોતપોતાની દ્રષ્ટિએ નિદાન કર્યું અને એને મટાડવા ઈલાજ, નુસ્ખાઓ પણ કર્યા પરંતુ તે મોટેભાગે ઉપરછલ્લા જ હતા. બીજા શબ્દોમાં કહીએ તો એવું કહી શકાય કે સુધારકો જે રોગ મગજમાં હતો એની દવાના ડોઝ પેટના આંતરડામાં આપતા હતા. કેટલાંકે દબાયેલા વર્ગના લોકોને શિક્ષણ આપવાનો પ્રયત્ન કર્યો, કેટલાકે તેમને ભાવનાત્મક સહારો આપ્યો, કેટલાકે એમની સાથે ભોજન કરવાની શરૂઆત કરી, કેટલાકે તેમના જીવનધોરણને ઉંચુ લાવવા કાર્ય કર્યા, કેટલાકે તેમને સારા કપડા પહેરતા, સ્વચ્છતાના પાઠ શિખવ્યા.
ડૉ. આંબેડકરે એ નિરીક્ષણ કર્યું કે ખુબ જ ઉચ્ચ વિચાર સાથે થતા રહેલા આ કાર્યો દબાયેલા, કચડાયેલા, અસ્પૃશ્યોના હ્રદયમાં આત્મવિશ્વાસ, આશા તથા પોતાની મુક્તિ, માનવીય અધિકારોની પ્રાપ્તિ માટેની અદમ્ય આકાંક્ષાઓને જગાવી શક્યા નહીં. તેમનામાં સંરક્ષણાત્મક ભાવના, આધારિત હોવાની લાગણી, કોઈ એમના વાલી છે એવા વિચારો અસ્પૃશ્યોમાં ઊભા થવા લાગ્યા હતા. એવું પણ નહોતુ કે અસ્પૃશ્યો આ જાણતા નહોતા પરંતુ તેમને સહાય અને સ્વ-સહાય વચ્ચેનો ભેદ ખબર નહોતી. સ્વ-સહાય જ શ્રેષ્ઠ સહાય છે આ સમજણ તેમનામાં આવવી જોઈએ અને તે જ તેમની પાયાની જરૂરીયાત કે માંગણી છે.
સમયાંતરે જે અભિપ્રાય ચિંતનશીલતા, વિચારપૂર્વક ને લઈને બંધાયો હોય એને નીડરતાથી પ્રગટ કરવાનો ડૉ. આંબેડકરનો કુદરતી સ્વભાવ હતો. ડૉ. આંબેડકરની નીડરતાનો હેતુ કોઈને દુઃખી કરવાનો ચોક્કસ નહોતો રહેતો. બાલ્યાવસ્થાથી જ અન્યાય જોતા અને સહન કરતા આવ્યા હતાં તેથી જેમને પણ અન્યાય થાય તેમના માટે ડૉ. આંબેડકરના મનમાં સ્વાભાવિક જ આત્મીયતા રહેતી અને અન્યાય કરનારા પ્રતિ ચીડ.
બહિષ્કૃત હિતકારીણી સભાના પ્રથમ રિપોર્ટમાં પોતાની સ્થિતિની સ્પષ્ટતા અને સભ્યો, કાર્યકર્તાઓ વિશે પ્રકાશ પાડવામાં આવ્યો. કોઈપણ સંસ્થા મજબુત વિકાસ ત્યાં સુધી નથી કરી શકતી જ્યાં સુધી જેમને તકલીફો છે, ફરિયાદો છે એવા જ વર્ગમાંથી સંસ્થાના સભ્યો, કાર્યકર્તાઓ પસંદ કરવામાં ના આવે. બહિષ્કૃત હિતકારીણી સભાના મોટાભાગના સભ્યો તથા બોર્ડના સદસ્યો આ ઉદ્દેશથી જ દબાયેલા વર્ગમાંથી લેવામાં આવ્યા હતા.
આ રિપોર્ટમાં અસ્પૃશ્યો, દબાયેલા, કચડાયેલા વર્ગોના ઉત્કર્ષ, ઉત્થાન માટે કાર્ય કરતી સંસ્થા કોની સહાનુભૂતિ વગર તેના કાર્યક્રમ ના ચલાવી શકે અને કોના દાનને નકારવામાં આત્મહત્યા ગણાવી શકાય એ પણ જણાવ્યું હતું.
ક્રમશ: