અપરાજેય બનાવવા માટે રાષ્ટ્રીય એકતા અને બંધુત્વ અતિઆવશ્યક છે. રાષ્ટ્રીય એકતા તથા બંધુત્વ ત્રણ કારણોથી આવી શકે અથવા લાવી શકાય છે એવું ઈતિહાસ જોતા દ્રષ્ટિગોચર થાય છે. 1. ધર્મ, 2. રાષ્ટ્ર અથવા દેશ, અને 3. સંવિધાન. ભારતીય સમાજની સાંપ્રત સમયની સ્થિતિ કોઈપણ વિચારકને હતોત્સાહ કરનારી હતી.
ધર્મ : ઐતિહાસિક તથ્યો એ પ્રસ્થાપિત કરે છે કે વિશ્વનું સૌથી શ્રેષ્ઠ ચિંતન ભારતીય ભૂમિ પર જ થયું છે. સમગ્ર વિશ્વને ધર્મની સંકલ્પના એ ભારતીય ભૂમિની અદ્વિતીય ભેટ છે. આ એ જ ધરતી છે જ્યાં ધર્મને કાજ અનેક વીરો અને વીરાંગનાઓ બલિદાન આપીને રક્ષણ કર્યું છે. એ આ ભારત ભૂમિ જ છે જ્યાં ધર્મની સૌથી તાર્કિક વ્યાખ્યા એવું કહીને કરવામાં આવી કે, ” જેને ધારણ કરી શકાય તથા જે ધારણ કરી શકે તે એટલે ધર્મ”. આવા અદભુત વિચારોની જનની ભારતીય ભૂમિ પર આજે ધર્મ એના મુળભુત વિચારોથી, વ્યાખ્યાથી વિપરીત ચાલતો દેખાતો હતો. ક્યાંકને ક્યાંક વિપરીત ધર્મ જ ભેદભાવનું કારણ બની ગયો હતો. જાતિગત ભેદભાવ, અમાનવીય વ્યવહાર જેવી અસ્પૃશ્યતા તથા ડગલે ને પગલે અપમાનિત કરતો તથા થતો રહેલો મોટો જનસમુદાય એક જ ધર્મનું પાલન કરતા હતા. જોકે એવુ પણ નહોતું કે આ વિપરીત ધર્મને એના મુળભુત વિચારોની તરફ કરવાના પ્રયત્નો નહોતા થયા કે નહોતા થતા પરંતુ તે પ્રયાસો કરતા વિપરીત ધર્મના મૂળ વધુ ઊંડા ઉતરી ગયા હતા. જાતિગત ઊંચ-નીચના ભેદભાવ, અસ્પૃશ્યતા જેવી અમાનવીય તથા અન્યાયકર્તા પ્રથા તથા માનવને માનવ ન ગણતી પરંપરા આ વિપરીત ધર્મના ઓઠા હેઠળ જ ચાલતી તથા મજબુત બની હતી, બનતી જતી હતી.
રાષ્ટ્ર અથવા દેશ : વૈશ્વિક સ્તરે સ્વીકૃતિ પામેલો સિદ્ધાંત છે કે રાષ્ટ્રીય હિત જ્યારે સર્વોપરી બની જાય છે ત્યારે કોઈ પણ નબળા રાષ્ટ્રમાં પણ વજ્ર જેવી શક્તિ આવી જાય છે. ભારતીય ભૂમિ અનેક વર્ષો સુધી એક છત્ર શાસન હેઠળ હતી, એક રાષ્ટ્રના વિચારથી ચાલી હતી પરંતુ કાળક્રમે એક છત્ર રાષ્ટ્રનું વિભાજન નાના નાના રાજ્યોમા થતુ ગયુ. રાષ્ટ્રભક્તિ હવે વૈયક્તિક સ્વામીભક્તિ તરફ તથા માત્ર પોતાના રાજ્યની જ સંરક્ષા તથા સુરક્ષા સુધી સિમિત થતી ગઈ. સમગ્ર ભારત ભૂમિ પરનો આત્યંતિક પ્રેમ સમેટાઈ ગયો હતો, સમેટાઈ રહ્યો હતો. વૈયક્તિક મહાત્વાકાંક્ષા અપરાજિત ભારતને હવે પોતાની સ્વતંત્રતા તથા ઓળખને બચાવવા માટે સતત સંઘર્ષરત બનાવી ચુકી હતી. વિધર્મી આક્રાંતાઓના આક્રમણો એ બળતામાં જ્વલનશીલ પ્રવાહીનું કાર્ય કર્યું હતુ. વૈયક્તિક મહાત્વાકાંક્ષા હવે રાજ્ય સાથે અને આડકતરી રીતે ધર્મ સાથે છળકપટ કરાવી રહી હતી. ખંડ-ખંડ થયેલી ભારતીય ભૂમિ, જેને માટે એવું કહેવાય છે કે दुर्लभं भारते जन्म मानुष्यं तत्र दुर्लभं તે ભારત ભૂમિ પર આજે એક છત્ર ખુટી રહ્યું હતું. ટુંકમાં રાષ્ટ્રભક્તિ, દેશભક્તિનું સ્વરૂપ સંકોચાઈ ગયુ હતુ. જોકે સંકોચાઈ રહેલો માતૃભૂમિ પ્રેમનો પ્રવાહ સમયાંતરે નવપલ્લવિત થતો રહેતો હતો અને પાછો સુષુપ્તાવસ્થામાં પહોંચી જતો હતો. ભારતીય રાષ્ટ્રની સંકલ્પનાને નવપલ્લવિત કરી સતત પ્રવાહિત રાખવા તથા એ પ્રવાહને વિસ્તારિત કરવામાં 1857 ના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામે ખુબ જ મોટો ભાગ ભજવ્યો. જોકે રાષ્ટ્રભક્તિ પર હજુ વિપરીત ધર્મ પ્રબળ રીતે હાવી થઈ રહ્યો હતો.
સંવિધાન : સામાજિક શિસ્ત અને એના થકી ઉભી થતી રાષ્ટ્રીય એકતા અને બંધુત્વ એ કોઈપણ શક્તિશાળી, વૈભવશાળી રાષ્ટ્રની સૌપ્રથમ નિશાની છે. સામાજિક શિસ્તની ભાવના નિર્માણ થાય તે માટે રાષ્ટ્રને સંવિધાનની આવશ્યકતા હોય છે એ કલ્પના સમગ્ર વિશ્વમાં ભારતની દેન છે. વિશ્વનું સૌપ્રથમ બંધારણની રચના ભારતમાં થઈ હતી. કાળક્રમેએ સંવિધાનમાં આવેલી વિકૃતિ અથવા, તથા એનું અશાસ્ત્રીય અર્થઘટન જ સામાજિક અશિસ્ત તથા રાષ્ટ્રીય એકતા અને બંધુત્વ માટે સૌથી મોટી સમસ્યા અને કારણ બની ગયું હતું. ઇનો જ આધાર બનાવીને અમાનવીય વ્યવહાર, માનવને પશુતુલ્ય ગણવાની વિકૃતિ પોષતી જતી હતી. હવે ભારતને એક નવા સંવિધાનની આવશ્યકતા જણાતી હતી જેના દ્વારા રાષ્ટ્ર એકસૂત્રે બંધાઈને સર્વે નાગરિકોને બંધુત્વના તાંતણે જોડી રાખે.
આ તરફ ડૉ. આંબેડકર આ ત્રણેય બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરતા હતા. કેવી રીતે સામાજિક શિસ્ત તથા બંધુત્વની ભાવના નિર્માણ થાય એ તરફનું આયોજન એમના વિચારોનો મુખ્ય હેતુ તથા પ્રાણ બનતા જતા હતા. ભારતને એક રાષ્ટ્ર તરીકે શક્તિશાળી, વૈભવશાળી તથા અપરાજિત બનાવવા માટે બંધુત્વ, સમાનતા, માનવીય અધિકારોનું રક્ષણ કરતા, પરસ્પર પ્રેમ અને સન્માનથી ભરપુર ધર્મ તથા સંવિધાનનો આવિર્ભાવ અતિઆવશ્યક છે એવું ડૉ. આંબેડકરના વિચારો જોતા ચોક્કસપણે માની તથા કહી શકાય.
આ દરમિયાન ડૉ. આંબેડકરની દ્રષ્ટિ શ્રી બોલેના પ્રસ્તાવનું અમલીકરણ કેવી રીતે થાય છે અથવા થાય છે કે નહીં તે તરફ હતી. અસ્પૃશ્ય સમાજને માટે જાહેર સ્થળો, કુવા, તળાવ, જાહેર પીવાના પાણીના સ્ત્રોતનો ઉપયોગ કરવા દેવાના આદેશનો અમલ કરવામાં આવે તે આવશ્યક હતુ. શ્રી બોલેના પ્રસ્તાવનો સ્વીકાર કર્યાં બાદ એના અમલની જવાબદારી અંગ્રેજી સત્તાધીશો તથા સ્પૃશ્ય વર્ગોની જ હતી.
ક્રમશઃ