તત્કાલીન ભારતીય સમાજ ની સામાજિક, આર્થિક સ્થિતિનું વિહંગાવલોકન, આકલન, વિશ્લેષણ કરતી વખતે રાજકીય સ્થિતિનું અવલોકન ન કરવામાં આવે તો તે અવલોકન, આકલન, વિશ્લેષણ વસ્તુતઃ અધુરુ જ રહેવાનુ. જે તે સમયની રાજકીય સ્થિતિ એ વખતની સામાજિક અને આર્થિક સ્થિતિ ઉપર નિર્ણાયક પ્રભાવ ઉભો કરતી હોય છે, રાજકીય સ્થિતિની અસરો સમાજના પ્રત્યેક અંગને સારી-નરસી રીતે વળાંક આપતી હોય છે, નિયંત્રિત કરતી હોય છે. રાજકીય સ્થિતિ જે તે સમયના રાજકીય નેતૃત્વની આભા હેઠળ પાંગરતી હોય છે એ સર્વસ્વીકૃત સત્ય છે.
અસ્પૃશ્યતા, જાતિવાદી ભેદભાવ, ઊંચ નીચના ભેદભાવ દૂર કરવામાં હિંદુ મહાસભાનાના હેતુ અત્યંત સારા હતા પરંતુ અમાનવીય જીવન જીવવા મજબુર થયેલા લોકોની એ મજબુરીની બેડીઓ તોડવા માટે અક્ષમ હતા, અસ્પૃશ્યતાની સાંકળ તોડવા માટે જેટલી તીવ્રતાથી અવાજ ઉઠાવ્યો તેટલી તીવ્રતાથી જમીન સ્તર ઉપર કાર્ય ન થવાથી હિંદુ મહાસભા માટે વર્લ્ડ પ્રેસ જેવુ વર્ણન કરતુ હતુ કે, “તેમાં રૂઢીવાદી તથા પ્રતિક્રિયાવાદી રૂઢિચુસ્ત સુધારકો ભર્યા છે ” એ સ્વયં તેના કાર્યકર્તા સિદ્ધ કરતા હતા.
તત્કાલીન ભારતીય રાજકારણમાં બે પક્ષોનું વર્ચસ્વ સ્પષ્ટ દેખાઈ આવતુ હતુ. જેમાં એક હિંદુ મહાસભા, જેના અસ્પૃશ્યતા, જાતિવાદી ભેદભાવ, જાતિગત ઊંચ નીચ વગેરે દૂર કરવાના હેતુ અને પ્રયાસ જોઈ લીધા બાદ બીજા તથા પોતાને સમગ્ર ભારત તથા પ્રતયેક ભારતીયના એકમાત્ર પ્રતિનિધિ તરીકે પ્રચારિત કરતા પક્ષ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રયાસો, હેતુઓનું પણ નિરીક્ષણ કરવું જ રહ્યું.
અસ્પૃશ્યતા, જાતિવાદી ભેદભાવ, જાતિગત ઊંચ નીચની નીપજ સમાન આંતરિક વૈમનસ્ય જેવી સમસ્યાનો પ્રતિ કોંગ્રેસના નેતાઓનું વલણ ખરેખર ઘણું નુકશાનકારક હતુ. અત્યાર સુધી સમગ્ર દેશમાં કોંગ્રેસના ચાળીસથી વધુ અધિવેશનો યોજાઈ ચુક્યા હતા પરંતુ એકેય અધિવેશનમાં ભારતમા જ અમાનવીય અત્યાચારો સહન કરતા, પળે પળે અપમાનિત થતા, જેમનો પડછાયો પણ અપવિત્ર ગણાતો હતો એવા અસ્પૃશ્ય, દબાયેલા, કચડાયેલા વર્ગોની સ્થિતિની ન તો નોંધ લેવાઈ હતી ન ચિંતા કરવાની દરકાર કરવામાં આવી હતી. અરે ! આ અસ્પૃશ્યોને પીવાનું પાણી પણ મળી રહે છે કે નહીં તેની પણ કોઈ પરવા કરવામાં આવી નહોતી અહીં એ યાદ રાખવું જોઈએ કે કોંગ્રેસના એકપણ નેતા એવા નહોતા જેમને ભારતીયતા ઉપર લાગેલી આ કલંકરૂપ સમસ્યાઓની જાણકારી નહોતી. કોંગ્રેસના નેતાઓ ગાંધીના અસ્પૃશ્યોના ઉત્થાનના કાર્યક્રમનું પણ અનુસરણ કરવાનું ટાળતા હતા.
ભારતીય સમાજમાં એક વર્ગ સતત અપમાનિત થતો રહે છે, અમાનવીય વ્યવહાર સહન કરી રહ્યો છે, એમને જાહેર સ્થળો જેવા કે મંદિર, તળાવ, કુવા પર પ્રવેશ ઉપર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે એવા વર્ગોની ચિંતા કોંગ્રેસના નેતાઓને નહોતી. એમને માટે દેશભક્તિ, રાજકારણ, સમાજીક જીવન, ઈતિહાસ વગેરેના માપદંડના ધોરણો માત્ર મુસ્લિમ સુધી આવીને અટકી જતા હતા. કોંગ્રેસ તથા કોંગ્રેસના નેતાઓ મુસ્લિમો તથા તેમના ધાર્મિક પ્રશ્નોથી ચિંતિત હતા પરંતુ અસ્પૃશ્યોના પ્રશ્નો, સમસ્યાઓ તથા તેમનું બળજબરી કે છેતરપિંડી કરીને ઈસ્લામ તથા ખ્રિસ્તી ધર્માંતરણ કરાવવાની પ્રવૃત્તિઓ પ્રત્યે ચિંતિત નહોતા, દરકાર પણ કરતા નહોતા.
સમગ્રતયા પરિપ્રેક્ષ્યમાં જોતાં રાજકીય પક્ષોની અસ્પૃશ્યતા, જાતિવાદી ભેદભાવ, જાતિગત ઊંચ નીચ, જેવી સમસ્યાઓનું નિવારણ કરવા માટેની ભૂમિકા, મંશા અને ગંભીરતા સંદિગ્ધ ગણાય તેવી હતી. એવું માનવાનું ખોટુ નહીં ગણાય કે જગ દેખાડો કરવાની કોશિશમાં સમસ્યાનું નિવારણ તો નહોતુ થતુ પરંતુ વધુ બળવત્તર બનતી હતી. કથની અને કરણીમાં ફરક હોવો એ કદાચ દંભ કે અપ્રામાણિકતા નહીં પરંતુ આદર્શ ગણાતો હશે.
ભારતીય સમાજની આ સૌથી ગંભીર તથા ભારતીયોમાં આંતરિક વૈમનસ્ય ઘૃણા પેદા કરતી આ સમસ્યાના ઉકેલ માટેના ડૉ બાબાસાહેબ આંબેડકરના વિચારો, ઉપાયો ન માત્ર મૌલિક હતા પરંતુ જડમૂળથી નાબૂદ કરવા માટેના હતા. ડૉ. આંબેડકર એવું માનતા કે જર્જરિત થઈ ગયેલા બાંધકામની ઉપર રંગરોગાન કરી દેવાથી તે મજબૂત નહીં જ બને, તે બાંધકામને મજબુત બનાવવા માટે તેને નવેસરથી તૈયાર કરવામાં જ શાણપણ છે. ડૉ. આંબેડકર કહેતા અધિકાર અને ન્યાય મેળવવા માટે સંઘર્ષ કરવો પડશે.
ક્રમશઃ