ડૉ. આંબેડકર જે સ્વયં પોતાની નિયતિના ઘડનારા પોતાને જ માનતા. લક્ષ્ય નિર્ધારિત કરીને યોજનાબદ્ધ પરિશ્રમ દ્વારા લક્ષ્યાંક કેવી રીતે હાંસલ કરી શકાય તેનુ જીવંત ઉદાહરણ ડૉ. આંબેડકરનું જીવન હતુ, અન્યથા એક અસ્પૃશ્ય બાળક કે જેને માટે વર્ગખંડમાં પણ બેસવાની અનુમતિ નહોતી એ વર્ગખંડની બહાર બેસીને શિક્ષણ મેળવનાર બાળકે દેશના સામાજિક અને રાજકીય વિશ્વમાં ડૉ. આંબેડકર બનીને ધ્રુવ તારક સમાન અચલ, અમીટ સ્થાન બનાવી લીધુ હતુ.
ભારત ભૂમિ જાણે કે અંધવિશ્વાસ, અન્યાયી વર્તન, માણસને માણસ નહી ગણવાના અમાનવીય રૂઢિચુસ્ત વ્યવહાર, વાણી અને વર્તન વિપરીત રહેતા લોકો, દંભની પરાકાષ્ઠા અને વિરોધાભાસોથી ભરપૂર બની ગઈ હતી.
જોકે એવુ પણ નહોતુ કે આ અન્યાયી, અમાનવીય, અત્યાચારી વ્યવસ્થાને દૂર કરવાના પ્રયાસો નહોતા થતા, ચોક્કસ થતા હતા પરંતુ તે સફળ નહોતા થતા. સફળતા નહીં મળવાના કારણો જોતા એક જ કારણ સૌથી વધુ જવાબદાર જણાતુ હતુ કે મોટાભાગના કાર્યકર્તાઓ જે અસ્પૃશ્યતા દૂર કરવા માટે કાર્ય કરતા હતા તેમના વક્તવ્યો અને વ્યક્તિગત આચરણમાં ફરક જોવા મળતા હતા.
એક પ્રયત્ન હિંદુ મહાસભા દ્વારા 1923 માં થયો હતો. હિંદુ મહાસભાએ મંદિરો, શાળાઓ, કુવાઓ, તળાવો, તથા અન્ય બધા જ જાહેર સ્થળો અસ્પૃશ્યો માટે ખુલ્લાં મુકી દેવાનો પ્રસ્તાવ પસાર કરીને સમગ્ર સમાજને અપીલ કરી હતી. ઉચ્ચ ઉદ્દેશ હોવા છતા ગંભીરતાથી પ્રયાસો નહી થવાને કારણે એ પ્રયાસ તેના લક્ષ્યને પ્રાપ્ત કરતા પહેલા બાળમૃત્યુ પામ્યો. હિંદુ મહાસભાના નેતાઓએ આખો કાર્યક્રમ એવી રીતે ચલાવ્યો કે રૂઢિચુસ્ત હિન્દુઓ ના તો એનો ઉદ્દેશ સમજી શક્યા અને ના અર્થ સમજી શક્યા પરિણામ સ્વરૂપ આ ઉમદા મિશનને સમર્થન આપ્યુ નહી, મળ્યુ નહી. જોકે હિંદુ મહાસભાના કાર્યકર્તાઓનું કાર્ય ઘણું જ કઠિન હતુ, સામા પ્રવાહે તરવાનું કામ હતુ અને તેઓ સમાજમાંથી સમર્થન મેળવવામાં સાવ જ નિષ્ફળ રહ્યા. તેઓ રૂઢિચુસ્તોને તેમની ઉચ્ચ હોવાની મિથ્યા માન્યતા, અભિમાન, ઘમંડ અને પરંપરાના નામે ચલાવાતા અન્યાયી, અત્યાચારી, અમાનવીય વ્યવહારોને દૂર કરવા, અસ્પૃશ્યતાને નાબુદ કરવાનું રૂઢિચુસ્તતાનો અંચળો ઓઢીને ફરતા લોકોને સમજાવવામાં સદંતર નિષ્ફળ રહ્યા.
આ હતા કાર્યકર્તાઓના પ્રયાસો રૂઢિચુસ્તોને સમજાવવામાં શા માટે સફળ ના થયા તેના રૂઢિચુસ્તોની દ્રષ્ટિએ જોયેલા કારણો પરંતુ હિંદુ મહાસભાની નિષ્ફળતાનું મુખ્ય કારણ એ જ હતુ કે તેના પ્રથમ હરોળના નેતાઓ મનથી સ્વયં રૂઢિચુસ્ત હતા અને તેઓ જે કાર્ય કરવા નીકળ્યા હતા તે કાર્યનો તેઓ પોતે જ હ્રદયપૂર્વક સ્વીકાર કરી શક્યા નહોતા. પ્રથમ હરોળના નેતાઓ જ્યારે અસ્પૃશ્યો વચ્ચે જતી વખતે, સુધારકોની સાથે રહેતી વખતે બોલવા, ચાલવા, વ્યવહારમાં એટલી ચીવટ ચોક્કસ રાખતા કે રૂઢિચુસ્ત માન્યતાઓ, પ્રથાઓને માનનારા એમનો વિરોધ ન કરે. સમગ્રતયા જોતા તેમનું મિશન, તેમના વિચાર, તેમના હેતુઓ સારા હતા પરંતુ તેનું અમલીકરણ સદંતર ખરાબ હતુ.
ક્રમશઃ