ભારતમાં લોકશાહીનો લાંબો ઇતિહાસ છે, લોકશાહી અને લોકશાહીના સિદ્ધાંતો ભારતીય ઉપખંડ માટે નવા નથી. ભારતીય પરિપ્રેક્ષ્યમાં લોકશાહીને જોતા એમાં ધર્મ (કર્તવ્ય) ની વિભાવના ખુબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવી છે જેમાં રાજા માટે રાજધર્મ અને પ્રજા માટે પ્રજાધર્મ નિશ્ચિત કરવામાં આવેલા જોઇ શકાય છે અર્થાત્ રાજા અને પ્રજા બંનેના કર્તવ્યો સ્પષ્ટરૂપે ચિન્હિત કરવામાં આવ્યા છે.
ભારતીય લોકશાહીના મૂળ એટલા ઊંડા અને વ્યાપક છે કે યુરોપ અને અમેરિકા સહિત સમગ્ર વિશ્વ તેમાંથી પ્રેરણા લે છે. પરંતુ નિહિત હિત અને રાજકીય મહત્વાકાંક્ષાઓની પૂર્તિ માટે આજે દેશની અંદર અને બહારની ઘણી શક્તિઓ સમયાંતરે ભારતની ભવ્ય લોકશાહી પર પ્રશ્નો ઉઠાવવાનો પ્રયાસ કરે છે, જે તદ્દન અયોગ્ય અને અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે. આ પાયાવિહોણા પ્રશ્નો માત્ર સત્યથી વિપરીત જ નથી પરંતુ ભારતની સમૃદ્ધ લોકતાંત્રિક પરંપરાઓ, વારસો અને મૂલ્યો પ્રત્યેની અવગણના અને સમજણના અભાવને પણ દર્શાવે છે.
ભારતીય સંસ્કૃતિના પાયા એટલે ચાર વેદ ઋગ્વેદ, અથર્વવેદ, સામવેદ અને યજુર્વેદ. ભારતીય વૈદિકોએ એમાં રાજકીય, સામાજિક અને શૈક્ષણિક સિદ્ધાંતો સહિત વ્યાપક સભ્યતાના મૂલ્યને સમાવી લીધા છે. વિશ્વની સૌથી જૂની કૃતિઓ એવા ઋગ્વેદ અને અથર્વવેદમાં સભા, સમિતિ અને સંસદ જેવી પ્રતિનિધિ સંસ્થાઓનો ઉલ્લેખ છે જે આજે પણ એ શબ્દો એ જ અર્થમાં ઉપયોગમાં લેવાય છે. મહાન વ્યાકરણ શાસ્ત્રી પાણિની દ્વારા રચિત ‘અષ્ટાધ્યાયી’ જેવા ગ્રંથો ગણ, પુગ, નિગમ, જનપદ જેવી ‘લોકશાહી’ સંસ્થાઓને ઉજાગર કરે છે. લોકશાહી-આધ્યાત્મિક-સામાજિક નૈતિકતા: વિશ્વના સૌથી પ્રાચીન ભારતીય ગ્રંથ, ઋગ્વેદમાં ઉલ્લેખ છે કે: “एकम् सद विप्रा बहुधा वदन्ति- “ – “સત્ય એક છે, ઋષિઓ તેને જુદા જુદા નામોથી કહ્યું છે.” ભારત તેના વૈવિધ્યસભર સાંસ્કૃતિક વારસા દ્વારા મૂળભૂત મૂલ્યોનું સંવર્ધન કરીને “લોકશાહીની જનની” તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા સ્થાપિત કરી છે. મહાભારત અને રામાયણ જેવા મહાકાવ્યોથી પ્રભાવિત દેશનો સમૃદ્ધ ઇતિહાસ લોકશાહી સિદ્ધાંતો અને કાયમી નૈતિક મૂલ્યોના વિકાસનું સંરક્ષણ અને સંવર્ધન કરતો આવ્યો છે. રામાયણમાં લોકોના કલ્યાણ માટે ન્યાયસંગત શાસનનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. મહાભારત, ધર્મને વ્યાખ્યાયિત કરતી વખતે નૈતિકતા અને શાસનને મહત્વ આપે છે, યુદ્ધના મેદાનમાં યુધિષ્ઠિર અને ભીષ્મનો સંવાદ આજે પણ શાસકના કર્તવ્યને સુસ્પષ્ટ રીતે પ્રતિબિંબિત કરે છે. શ્રીમદ ભગવદ ગીતા કર્તવ્યોના પાલન માટે સામાન્ય નાગરિકની સાથે શાસકને શાશ્વત માર્ગદર્શન પ્રદાન કરે છે. વર્તમાન એટલે કે આધુનિક લોકશાહીની વ્યાખ્યા કરતા કહેવાય છે કે “સમાનતા એ લોકશાહીનો આત્મા છે.” ભારતીય શાસ્ત્રોનો અભ્યાસ કરતા એ જણાય છે કે આજે જે ભાવનાને લોકશાહીનો આત્મા કહે છે તેને ભારતભરના તત્વચિંતકો, સંતો અને કવિઓએ અનેક વર્ષો પૂર્વે ઓળખી લીધો હતો અને સદીઓથી તેના મહત્વનો પ્રચાર પણ કર્યો.
લોકોનું, લોકો દ્વારા અને લોકો થકી ચાલતુ સામૂહિક શાસન એ પ્રાચીન ભારતીય પ્રણાલીઓમાં એક મુખ્ય લક્ષણ છે જેનું જીવંત ઉદાહરણ મહાજનપદ પ્રશાસન મોડેલમાં પ્રગટ થાય છે જેમાં: એક પરિષદ સાથે 15 મંત્રી અને 10 ગણરાજ્ય જેમાં પ્રમુખ ચુંટાતા હતા.
.સ. પૂર્વે 5મી સદીમાં ગૌતમ બુદ્ધે સ્થપાયેલા બૌદ્ધ સંઘમાં લોકશાહી પ્રથાઓનું પ્રચલન દેખાય છે. બૌદ્ધ સિદ્ધાંતોએ લોકશાહી પરંપરાઓને સમર્થન આપ્યું એટલું જ નહીં નેતાઓ માટે જાહેર ચર્ચા અને ચૂંટણીઓને પણ પ્રોત્સાહન આપ્યું હોવાનું ઇતિહાસબદ્ધ છે. એક મોટા હોલમાં લોકો ભેગા મળીને એક રાજાને ચુંટતા હતા જેને ‘વાશેષ્ઠ’ કહેવામાં આવતા હતા, જે લોકોના રક્ષણ માટે ‘ વાશેષ્ઠ ‘ તરીકે શાસન કરતા હતા. પ્રારંભમાં મહાસમ્મત્તાને ચૂંટીને સહભાગીતા શાસન અપનાવ્યું હતું. બૌદ્ધ ધર્મના લોકશાહી સિદ્ધાંતોએ અનેક શાસકોને પ્રભાવિત કર્યા અને અનેક રાજ્યોએ લોકશાહી મૂલ્યોને અપનાવ્યા પણ ખરા. આજે મળી આવતા બૌદ્ધ કાલિન શિલાલેખોમાં સમૃદ્ધિ અને પતન અટકાવવા માટે નિયમિત ચૂંટણી કરવાનો આગ્રહ રાખવામાં આવ્યો હોવાનું દેખાય છે. બૌદ્ધ સિદ્ધાંતોએ ભારતમાં લોકશાહીના મૂલ્યોનો વ્યાપ ભારત બહાર પણ વધારવાનું ચાલુ રાખ્યું હતું. લોકશાહી શાસન પદ્ધતિને વિશ્વ સમક્ષ રજૂ કરવાનું સાતત્ય બૌદ્ધ પરંપરાએ જાળવી રાખ્યું.
ઇસવીસન પૂર્વે ત્રીજી શતાબ્દીમાં થયેલા અર્થશાસ્ત્રના પિતા ગણાતા ચંદ્રગુપ્ત મૌર્યના સલાહકાર ચાણક્ય કૌટિલ્યએ પોતાના શાસન ગ્રંથ “અર્થશાસ્ત્ર”માં ભારપૂર્વક દર્શાવ્યું છે કે, લોકશાહી નાગરિકોને પ્રાધાન્ય આપે છે. ચાણક્ય ભારપૂર્વક જણાવે છે કે શાસકનું સુખ અને કલ્યાણ રાજ્યના લોકોની સુખાકારી પર આધાર રાખે છે, જે શાસન નહીં પરંતુ સેવા કરવાના ભારતના લોકશાહી સિદ્ધાંતનું પ્રતિપાદન છે. પ્રાચીન ગ્રીક ઇતિહાસકાર મેગસ્થનિસ અને ડાયોડોરસના ભારત પ્રવાસની નોંધોમાં લખાણ છે કે ભારતમાં કોઈને ગુલામ ન બનાવવા અને સૌને સમાન સ્વતંત્રતા સુનિશ્ચિત કરતી એક પ્રશંસનીય પ્રથા છે. તેમના લખાણોમાં ભારતના અનેક રાજ્યોમાં લોકશાહી શાસન પ્રણાલીનો ઉલ્લેખ જોવા મળે છે. ચીની પ્રવાસી ફાહિયાને ભારતીય લોકોએ તેને આપેલા સન્માન, કાયદાના શાસન અને સાર્વજનિક કલ્યાણના પ્રશાસનિક વિચારનું અવલોકન કર્યું છે.
હિંદવી સામ્રાજ્યના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજે લોકશાહી શાસનની હિમાયત કરી હતી. તેમના શાસનમાં સમાન અધિકારો સુનિશ્ચિત કરીને અષ્ટ-પ્રધાન માટેની કર્તવ્યોની રૂપરેખા આપવામાં આવી હતી. છત્રપતિ શિવાજી મહારાજનો લોકશાહી વારસો તેમના અનુગામીઓ દ્વારા ચાલુ રહ્યો.
ભારતીય બંધારણના આમુખના સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાવિચાર ફ્રાંસની ક્રાંતિમાંથી લેવામાં આવ્યો હોવાનું ઘણા કહેતા હોય છે જેને ભારતીય બંધારણના શિલ્પી ગણાતા ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરે 3જી ઑક્ટોબર 1953ના દિવસે પોતાના સામાજિક દર્શનને ત્રણ શબ્દોમાં વ્યક્ત કરતા સ્પષ્ટપણે નકારી દઈને તે વિચાર ભારતીય હોવાનું પ્રતિપાદિત કરતા કહ્યું હતું કે, સકારાત્મક રૂપે મારું સામાજીક દર્શન ત્રણ શબ્દોમાં નિહિત છે, સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા પરંતુ કોઇ એ ન કહે કે મેં મારું દર્શન ફ્રાંસની ક્રાંતિમાંથી લીધું છે, મારા દર્શનના મૂળ રાજનીતિ શાસ્ત્રમાં નથી ધર્મમાં છે. મેં તે મારા ગુરૂ બુદ્ધના ઉપદેશમાંથી પ્રાપ્ત કર્યા છે. તેમના દર્શનમાં સ્વતંત્રતા અને સમાનતાને સ્થાન છે પરંતુ તેમણે કહ્યું છે કે અસીમિત સ્વતંત્રતા સમાનતાને નષ્ટ કરી દે છે અને સંપૂર્ણ સમાનતામાં સ્વતંત્રતા માટે કોઇ જગ્યા નથી. તેમના દર્શનમાં કાયદાનું સ્થાન માત્ર સ્વતંત્રતા અને સમાનતાના રક્ષા કવચના રૂપમાં છે, પરંતુ તેઓ એ નહોતા માનતા કે કાયદો સ્વતંત્રતા અને સમાનતાના ઉલ્લંઘનની ગેરંટી હોઇ શકે તેમણે સ્વતંત્રતા કે સમાનતા કે બંધુતાના ઈન્કારની વિરુદ્ધ વાસ્તવિક સુરક્ષાના એકમાત્ર બંધુતાને સર્વોચ્ચ સ્થાન આપ્યું છે.”
સમગ્રતયા જોતા લાગે છે કે પ્રજાતંત્ર, લોકશાહી, ગણતંત્રના મૂળ ભારતમાં છે, ભારત ગણતંત્ર, લોકશાહી, પ્રજાતંત્રની જનની છે.