કુંદરકી ઉત્તર પ્રદેશમાં 60 ટકા વસ્તી મુસ્લિમ વસ્તી અને મુસ્લિમ પ્રભુત્વ ધરાવતી વિધાનસભા બેઠક છે. આ બેઠક ઉપર સમાજવાદી પાર્ટી, ભાજપ અને આઝાદ સમાજ પાર્ટી (કાંશીરામ) સહિત 12 ઉમેદવારો મેદાનમાં છે.
ઉત્તર પ્રદેશની મુસ્લિમ પ્રભુત્વવાળી કુંદરકી વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં કમળ ખીલતું જોવા મળી રહ્યું છે. એક હિંદુ ઉમેદવાર 11 મુસ્લિમ ઉમેદવારો કરતાં આગળ ચાલી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી (BJP)ના રામવીર સિંહ 64 હજાર કરતા વધુ મતોથી (આ લખાઈ રહ્યું છે ત્યાન સુધી) આગળ ચાલી રહ્યા છે. સપાના કદાવર નેતા શફીકુર્ર રહેમાન બર્કેના અવસાન બાદ તેમના પુત્ર ઝિયાઉર રહેમાન બર્કે લોકસભા ચૂંટણી માટે આ બેઠક ખાલી કરી હતી.
ચૂંટણી પંચ અનુસાર રામવીર સિંહને હાલમાં 71,785 મતો મળ્યા છે, જ્યારે તેમની સામે ચૂંટણી લડનાર સમાજવાદી પાર્ટીના મોહમ્મદ રિઝવાન 7,095 વોટ મળ્યા છે તે જોતાં રામવીર સિંહ 64,690 મતોના માર્જિનથી આગળ છે. જ્યારે આઝાદ સમાજ પાર્ટી (કાંશીરામ)ના ચાંદ બાબુને 3,221 વોટ મળ્યા છે. 2022ની ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીના જિયાઉર રહેમાન આ સીટ પર 1 લાખ 25 હજાર વોટથી જીત્યા હતા, પરંતુ આ વખતે સમાજવાદી પાર્ટી માટે જીતવું ઘણુ કઠીન લાગી રહ્યું છે. ગત ચૂંટણીમાં ભાજપે કમલ કુમારને સપા સામે મેદાનમાં ઉતાર્યા હતા. કમલ કુમારે ઝિયાઉર રહેમાનને જબર્દસ્ત ટક્કર આપી હતી, તેમને 82 હજાર 467 વોટ મળ્યા હતા, તે વખતે બહુજન સમાજ પાર્ટીમાંથી મોહમ્મદ રિઝવાન મેદાનમાં હતા પરંતુ આ વખતે તેઓ સપાની ટિકિટ પર મેદાનમાં ઉતર્યા છે.
ભાજપના ઉમેદવાર રામવીર સિંહે કહ્યું, ‘હું માનુ છું કે હું 50 હજારથી વધુ મતોથી જીતીશ, પરંતુ કાર્યકરો કહી રહ્યા છે કે હું 75 હજારથી વધુ મતોથી જીતીશ. હું એક કાર્યકર અને મતદાર આધારિત વ્યક્તિ છું, હું બધું જોઈ રહ્યો છું અને સમજી રહ્યો છું, પરંતુ તેમ છતાં હું મોટી વાત કરવામાં માનતો નથી.
કુંદરકી બેઠક માટે મેદાનમાં કોણ છે અન્ય ઉમેદવારો ?
કુંદરકી વિધાનસભા બેઠક ઉપર અન્ય ઉમેદવારોમાં ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસલમીન (AIMIM) ના મોહમ્મદ વારિશ, બહુજન સમાજ પાર્ટી (BSP) ના રફતુલ્લાહ, અપક્ષ ઉમેદવાર રિઝવાન હુસૈન, અપક્ષ ઉમેદવાર રિઝવાન અલી, અપક્ષ ઉમેદવાર શૌકીન, અપક્ષ મોહમ્મદ ઉવૈશ, અપક્ષ મસરૂર, અપક્ષ મોહમ્મદ ઉબૈશ અને સમાજ પાર્ટીના સમ્રાટ મિહિર ભોજ મેદાનમાં છે.
મુરાદાબાદની કુંદરકી વિધાનસભા સીટ પર 62 ટકા મુસ્લિમો છે તે બધા અલગ-અલગ જાતિના છે. કુંદરકી સીટ પર મુસ્લિમોના વોટ 1.5 લાખની આસપાસ છે. કુંદરકીમાં લગભગ 40 હજાર તુર્ક મુસ્લિમો છે, જ્યારે 1 લાખ 10 હજાર મુસ્લિમો અન્ય જાતિના છે. મુસ્લિમ રાજપૂત મતદારો 45 હજાર આસપાસ છે.