રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે કહ્યું હતું કે વિપક્ષે રાજ્યસભાન નિયમ 267નો હથિયાર તરીકે ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું છે. આ નિયમનો ઉપયોગ કરીને રાષ્ટ્રીય મહત્વના મુદ્દા પર ચર્ચા કરવા માટેના અન્ય તમામ કામ અટકાવવામાં આવી રહ્યા છે.
સંસદનું શિયાળુ સત્ર સતત હોબાળોની બલિ ચઢી રહ્યું છે. શુક્રવારે પણ બંને ગૃહોમાં કામકાજ થઈ શક્યું ન હતું. રાજ્યસભાની કાર્યવાહી શરૂ થતાં જ હોબાળાને કારણે સોમવાર સુધી સ્થગિત કરવી પડી હતી. અધ્યક્ષ જગદીપ ધનખડે કહ્યું કે વિપક્ષી દળો નિયમ 267નો ઉપયોગ વિક્ષેપ ઊભો કરવા અને સામાન્ય કામકાજને વિક્ષેપિત કરવા માટે હથિયાર તરીકે કરી રહ્યા છે. વિપક્ષી સભ્યો દ્વારા નિયમ 267 હેઠળ દરરોજ નોટિસ આપતા અને પૂર્વ-નિર્ધારિત કાર્યસૂચિને સ્થગિત કરીને તેમના દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ પર ચર્ચાની માંગણીના પગલે ધનખડે આ ટિપ્પણી કરી હતી. રાજ્યસભાની કાર્યવાહીમાં નિયમ 267 ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો આ નિયમ હેઠળ ચર્ચાનો પ્રસ્તાવ સ્વીકારવામાં આવે તો ગૃહની અન્ય તમામ કામગીરી રોકી દેવામાં આવે છે.
નિયમ 267: આજે પણ મળી 17 નોટિસો
સોમવારથી શરૂ થયેલા સંસદના શિયાળુ સત્રમાં અત્યાર સુધી કોઈ નોંધપાત્ર કામગીરી થઈ શકી નથી અને પહેલું અઠવાડિયું હોબાળાને બલી ચઢી ગયું છે. આ સત્રમાં એક પણ દિવસે શૂન્ય કલાક કે પ્રશ્નકાળની કામગીરી થઈ શકી નેથી. આ સમયગાળા દરમિયાન વિપક્ષી સભ્યોએ અદાણી ગ્રૂપ સામે ભ્રષ્ટાચાર અને મણિપુર અને સંભલમાં હિંસા સહિત અન્ય કેટલાક મુદ્દાઓ પર ચર્ચા માટે નોટિસો આપી હતી અને દર વખતે અધ્યક્ષે તેને ફગાવી દીધી હતી.
અધ્યક્ષે શુક્રવારે કહ્યું કે તેમને નિયમ 267 હેઠળ વિવિધ મુદ્દાઓ પર ચર્ચા માટે કુલ 17 નોટિસો મળી છે પરંતુ તેઓ તેને સ્વીકારવાની સ્થિતિમાં નથી. તમામ નોટિસને ફગાવી દેતાં તેમણે કહ્યું કે સભ્યો અઠવાડિયા દરમિયાન વારંવાર આ મુદ્દાઓ ઉઠાવતા હતા અને તેના કારણે ગૃહના કામકાજના ત્રણ દિવસો વેડફાઈ ગયા હતા.
ધનખડે કહ્યું, ‘આ એવા દિવસો હતા જે આપણે જનહિતને સમર્પિત કરવા જોઈએ. આપણે લીધેલા શપથનું પાલન કરીને આપણે આપણી ફરજો નિભાવવી જોઈએ. સમયનું નુકશાન, મળેલી તકો ગુમાવવી અને ખાસ કરીને પ્રશ્નકાળની કાર્યવાહી ન થતા લોકો માટે ભારે ફટકો પડ્યો છે. સભ્યોને ઊંડો વિચાર કરવાની વિનંતી કરતાં તેમણે કહ્યું કે, ‘નિયમ 267 નો ઉપયોગ આપણા સામાન્ય કાર્યમાં વિક્ષેપ અને અવરોધ ઉભો કરવાના હથિયાર તરીકે થઈ રહ્યો છે. અહીં ખૂબ જ વરિષ્ઠ સભ્યો ઉપસ્થિત છે, અને આ સ્વીકાર્ય નથી.
પોતાનું દર્દ વ્યક્ત કરતાં ધનખડે કહ્યું કે આવું કરીને ખૂબ જ ‘ખરાબ ઉદાહરણ’ બેસાડવામાં આવી રહ્યું છે અને દેશના લોકોનું અપમાન કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું, ‘આપણે તેમની અપેક્ષાઓ પર ખરા ઉતરી રહ્યા નથી. આપણુ કાર્ય લોકો કેન્દ્રિત નથી. તે જનતાના સંપૂર્ણ નાપસંદને પાત્ર છે. આપણે અપ્રસ્તુત બની રહ્યા છીએ, લોકો આપણી મજાક ઉડાવી રહ્યા છે. આપણે વ્યવહારીક રીતે મજાકનું પાત્ર બની ગયા છીએ.
શું છે નિયમ 267?
નિયમ 267 રાજ્યસભાના સભ્યને અધ્યક્ષની મંજૂરી સાથે ગૃહની પૂર્વ-નિર્ધારિત કાર્યસૂચિને સ્થગિત કરવાની વિશેષ શક્તિ આપે છે. નિયમ 267 હેઠળની કોઈપણ ચર્ચા સંસદમાં ખૂબ મહત્વ ધરાવે છે કારણ કે રાષ્ટ્રીય મહત્વના મુદ્દા પર ચર્ચા કરવા માટે અન્ય તમામ કામકાજ રોકી દેવામાં આવે છે. જો કોઈ મુદ્દો નિયમ 267 હેઠળ સ્વીકારવામાં આવે છે, તો તે દર્શાવે છે કે તે મુદ્દો દિવસનો સૌથી મહત્વપૂર્ણ રાષ્ટ્રીય મુદ્દો છે.
રાજ્યસભાના નિયમ પુસ્તકમાં કહેવામાં આવ્યું છે કે, ‘કોઈપણ સભ્ય અધ્યક્ષની સંમતિથી આ પ્રસ્તાવ લાવી શકે છે. તે એવો પ્રસ્તાવ લાવી શકે છે કે તે દિવસ માટે કાઉન્સિલ સમક્ષ સૂચિબદ્ધ કાર્યસૂચિને સ્થગિત કરવામાં આવે. જો દરખાસ્ત પસાર થાય છે, તો વિચારાધીન નિયમ થોડા સમય માટે સસ્પેન્ડ કરવામાં આવે છે. અધ્યક્ષે તાજેતરમાં ગૃહને જણાવ્યું હતું કે છેલ્લા 36 વર્ષોમાં નિયમ 267 અંતર્ગત ચર્ચાને માત્ર છ પ્રસંગોએ જ મંજૂરી આપવામાં આવી છે. તે પણ અપવાદરૂપ સંજોગોમાં જ મંજૂરી આપી શકાય છે.