વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સત્તામાં આવ્યાને 9 વર્ષ કરતાં વધુ સમય થઈ ગયો છે. 26 મે 2014ના રોજ પીએમ નરેન્દ્ર મોદીએ લોકશાહીના મંદિર સમાન સંસદના પગથિયે માથુ ટેકવીને કેન્દ્ર સરકારની કમાન સંભાળી હતી. 2014ની પ્રચેડ મોદી લહેરમાં વિપક્ષો તણાઈ ગયા અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારતીય જનતા પાર્ટીએ 30 કરતા વધુ વર્ષ બાદ સ્પષ્ટ બહુમતી મેળવી હતી જેનું પુનરાવર્તન 2019માં પણ થયું. મોદી સુનામીમાં, વિરોધ પક્ષોના ઘણા જૂના વૃક્ષો ઉખડી ગયા હતા. પીએમ નરેન્દ્ર મોદીના ચહેરા પર ભાજપ 303 લોકસભા બેઠકો જીતી.
2014માં કેન્દ્રમાં સત્તા પર આવેલી મોદી સરકારે પોતાના સત્તાકાળ દરમિયાન ઘણા અનેક મહત્વપૂર્ણ અને બદલાવ લાવનારા તથા દેશના વિકાસની ગતિને વધારનારા નિર્ણયો લીધા હતા. સામાન્ય જનતાને લાભ આપતી યોજનાઓ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં આમૂલ પરિવારતન અને રોકાણોને પ્રોત્સાહન આપવ સહિતના સાહસિક નિર્ણયો નરેન્દ્ર મોદી સરકારેએ લીધા છે.
સરકારની સ્વીકૃતિમાં વધારો
આ 9 વર્ષમાં ભારતના વિકાસની ગતિ ઝડપી બની એટલું જ નહી ભારતની અર્થવ્યવસ્થા વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે. કોરોના મહામારી બાદ જ્યાં વિશ્વના અનેક દેશોની આર્થિક નબળી પડી છે ત્યારે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતની અર્થવ્યવસ્થા વિશ્વ માટે દીવાદાંડી બની રહી છે. મોદી સરકારે પોતાના 9 વર્ષના શાસન દરમિયાન અનેક આમૂલ પરિવર્તનો કર્યા છે, વ્યવસ્થામાં અનેક બદલાવ લાવ્યા છે.
9 વર્ષમાં આ 9 મોટી યોજનાઓ લોકો સુધી પહોંચી
પીએમ મોદીના કાર્યકાળ દરમિયાન ભારતમાં મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતી 2 જી ઓક્ટોબર 2019ના દિવસે સ્વચ્છ ભારત અભિયાન શરૂ કરવામાં આવ્યું જે અંતર્ગત ગામડાઓ અને શહેરોમાં લગભગ 12 કરોડ જેટલા શૌચાલય બનાવવામાં આવ્યા હતા. અનેક ગામ/જીલ્લા ખુલ્લામાં શૌચથી મુક્ત થયા. શૌચાલય નિર્માણ દ્વારા લાખો લોકોને રોજગારી મળી એ પણ ખરું.
જનધન યોજના
નરેન્દ્ર મોદી સરકારના અત્યાર સુધીના સમયગાળામાં વિશ્વ બઁક જેને જબરદસ્ત ફાઈનાન્શિયલ ઈન્કલુઝન કહી વખાણતા થાકથી નથી એવી જનધન યોજના અમલમાં આવી. જનધન યોજના દ્વારા ઝીરો બેલેન્સ એકાઉન્ટ ખોલવામાં આવ્યા. 9મી ઓગસ્ટ 2023 સુધીમાં આ જનધન યોજના દ્વારા ખોલવામાં આવેલા બેન્ક ખાતાની સંખ્યા 50 કરોડને પાર પહોંચી હોવાનો અંદાજ છે. આ યોજનાની સૌથી મોટી ઉપલબ્ધિ એ છે કે કુલ જનધન એકાઉન્ટના 56% ખાતા મહિલાઓના છે અને 67% જેટલા ખાતા ગ્રામીણ ક્ષેત્રના લોકોના ખૂલ્યા છે.
પીએમ મોદીની મુદ્રા યોજના હેઠળ લોકોને ગેરંટી વિના સસ્તી લોન આપવામાં આવી રહી છે જેની ઘોષણા 14 મે 2020ના રોજ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 40.82 કરોડ લોકોને 23.2 લાખ કરોડની લોન આપવામાં આવી હતી. આ યોજનામાં શિશુ જેમાં 50,000 રૂપિયા સુધી, કિશોર જેમાં 50,000 થી 5 લાખ રૂપિયા સુધી અને તરુણ જેમાં 5 લાખ થી વધુ અને 10 લાખ રૂપિયા સુધી, એમ ત્રણ શ્રેણીમાં લોન આપવામાં આવે છે. મુદ્રા યોજના અંતર્ગત મહિલાઓના આવેદનમાંથી 68% લોનને સ્વીકૃત કરવામાં આવી છે, 22% લોન નવા ઉદ્યમીઓને આપવામાં આવી છે. કુલ મુદ્રા લોનની સ્વીકૃતિમાં 51% ઉદ્યમીઓ એસસી, એસટી અને ઓબીસી સમુદાયમાંથી આવે છે. જેમાં 23% લોન એસસી/એસટી જ્યારે 28% લોન ઓબીસી સમુદાયને આપવામાં આવી છે. 11% લોન અલ્પસંખ્યક સમુદાયના લોકોને આપવામાં આવી છે. શ્રેણી મુજબ જોઈએ તો કુલ આપવામાં આવેલી લોનમાં શિશુ શ્રેણી માં 86%, તરુણ શ્રેણીમાં 12% અને તરુણ શ્રેણીમાં 2% લોન આપવામાં આવી છે.
પીએમ આવાસ યોજના
પ્રધાનમંત્રી આવાસ યોજનાની શરૂઆત 1 જૂન 2015 ના રોજ કરવામાં આવી છે. યોજનાનું લક્ષ્ય સૌને માટે પોતાનું પાકું ઘર હોય એ છે. યોજના અંતર્ગત પાત્ર લાભાર્થીઓ માટે 3.45 કરોડ મકાનો બનાવવામાં આવ્યા છે.
ઉજ્જવલા યોજના
1 મે 2016ના દિવસે માતાઓ અને બહેનોને ધુમાડાથી મુક્તિ અપાવવાના ઉદ્દેશ્ય સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશના બલિયામાં ઉજ્જવલા યોજનાની જાહેરાત કરી હતી. આ યોજના હેઠળ 9.59 કરોડ ઘરોને એલપીજી કનેક્શન આપવામાં આવ્યા છે. આ યોજના માટે કેન્દ્ર સરકાર દ્વારા 2 ફેબ્રુઆરી 2023ના રોજ સંસદમાં આપેલા જવાબ મુજબ વર્ષ 2019-20માં ભારતમાં ગેસ સિલિન્ડરનો વાર્ષિક વપરાશ પ્રતિ વ્યક્તિ 3.01 સિલિન્ડર હતી જે 2021-22 માં વધીને 3.68 સિલિન્ડર પ્રતિ વ્યક્તિ થયો છે.
આયુષ્યમાન ભારત યોજના
યુનિવર્સલ હેલ્થ કવરેજની દ્રષ્ટિ સાથે શરૂ કરવામાં આવેલી પ્રમુખ યોજના છે. આયુષ્યમાન ભારત યોજનાની શરૂઆત રાષ્ટ્રીય સ્વાસ્થ્ય નીતિ અંતર્ગત 23મી સપ્ટેમ્બર 2018ના દિવસે શરૂ કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY) વિશ્વની સરકાર દ્વારા સંપૂર્ણ રીતે નાણાકીય સહાયતા પ્રાપ્ત એક માત્ર સૌથી મોટી યોજના છે. આ યોજનામાં પ્રત્યેક પરિવારને વાર્ષિક રૂપિયા 5 લાખ સુધી આરોગ્ય વીમો આપવામાં આવે છે. અર્થાત રૂપિયા 5 લાખ સુધીની સારવાર લાભાર્થી પરિવાર એક વર્ષમાં મફતમાં મેળવી શકે છે. આયુષ્યમાન ભારત યોજનાના વખાણ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન WHO દ્વારા પણ કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારની જન આરોગ્ય યોજના હેઠળ 4.5 કરોડ લોકોની સારવાર કરવામાં આવી. આ યોજનાની સૌથી મોટી ખાસિયત એ છે કે તે સંપૂર્ણપણે કેશલેસ સુવિધા આપે છે.
કિસાન સન્માન નિધિ યોજના
મોદી સરકારની કિસાન સન્માન નિધિ યોજનાની શરૂઆત 1 ફેબ્રુઆરી 2019ના રોજ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ, દેશભરના 12 કરોડ ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયાની સહાય રકમ આપવામાં આવી હતી. આ યોજના અંતર્ગત ખેડૂતના ખાતામાં ડાયરેકટ બેનિફિટ ટ્રાન્સફર કરવામાં આવે છે. કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જુલાઈ 2023માં કુલ 9,53,58,300 ખેડૂતોના ખાતામાં પ્રતિ ખેડૂત રૂપિયા 2000ની રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી.
હર ઘર જલ યોજના
મોદી સરકારની હર ઘર જલ યોજના જલ જીવન મિશનનો એક ભાગ છે. આ યોજના જલશક્તિ મંત્રાલય દ્વારા લોન્ચ કરવામાં આવી છે જેનું લક્ષ્ય દેશના પ્રત્યેક ઘરને સ્વચ્છ પાણી નળ કનેક્શન દ્વારા પહોંચાડવાનું છે. હેઠળ અત્યાર સુધીમાં 11.66 કરોડ પરિવારોને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવામાં આવ્યું છે. એક અનુમાન છે કે એપ્રિલ 2024 સુધીમાં 75% ગ્રામીણ ઘરોમાં હર ઘર જલ યોજના અંતર્ગત પાઈપ લાઈન કનેક્શન દ્વારા પાણી પૂરું પાડવામાં આવશે.
2021 માં કોરોના સામે રક્ષણ આપવા માટે, મોદી સરકારે સ્વદેશી રસી દ્વારા રસીકરણ અભિયાન શરૂ કર્યું. 220.67 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. કોરોના વેક્સિનનું અભિયાન વિશ્વના સૌથી મોટા અભિયાનમાંનું એક હતું. આ અભિયાન અંતર્ગત ભારત સરકાર દ્વારા પ્રત્યેક ભારતીયને મફત વેક્સિન આપવામાં આવી.
નરેન્દ્ર મોદી સરકાર દ્વારા બીજી ટર્મમાં ચૂંટાયા બાદ લેવાયેલો સૌથી મોટો નિર્ણય એટલે જમ્મુ કાશ્મીરમાં તત્કાલિન સમયે અસ્થાયી રૂપે લાગુ કરવામાં આવેલી કલમ 370ને નિરસ્ત કરવાનો નિર્ણય. 2019માં મોદી સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો નિર્ણય લીધો હતો. જ્યારે જયારે કલમ 370 દૂર કરવાની વાત આવતી ત્યારે પ્રબળ વિરોધ થતો હતો, સરકારો પણ પાણીમાં બેસી જતી હતી, મહેબૂબા મુફ્તી જેવા નેતાએ તો ત્યાં સુધી કહી દીધું હતું કે કલમ 370 હટશે કાશ્મીરમાં તિરંગો ઉઠાવનારું કોઈ નહીં હોય, કેટલાક લોકો કહેતા કે કલમ 370 હટાવાશે તો કાશ્મીરમાં લોહીની નદીઓ વહેશે પરંતુ નરેન્દ્ર મોદી સરકારે એટલી કુનેહ અને તકેદારી સાથે કલમ 370 હટાવી કે લોહીની નદીઓ તો દૂર રહી પરંતુ લોહીનું એક બુંદ પણ ન વહ્યું. આજે જમ્મુ કાશ્મીર વિકાસના રાહ પર અગ્રેસર બની રહ્યું છે.
શ્રી રામ જન્મભૂમિ પર ભવ્ય ભગવાન શ્રીરામ મંદિર
રામ મંદિર અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ 2020માં મોદી સરકારે રામ મંદિરના નિર્માણ માટે ટ્રસ્ટની રચના કરી. ભગવાન શ્રીરામ મંદિરના ભવ્ય નિર્માણનું કાર્ય ધમધોકાર ચાલી રહ્યું છે આવનારા વર્ષે શ્રદ્ધાળુઑ ભગવાન શ્રીરામ મંદિરમાં ભગવાનના દર્શન કરી શકશે.
2014 થી 2023 સુધીમાં દેશ કેટલો બદલાયો છે?
2014માં દેશમાં મેડિકલ કોલેજોની સંખ્યા 387 હતી જે હવે વધીને 692 થઈ ગઈ છે. AIIMSની સંખ્યા 2023માં વધીને 24 થઈ ગઈ છે, જે 2014માં માત્ર 6 હતી. 2014 સુધીમાં દેશમાં 723 યુનિવર્સિટીઓ હતી, જે 2023માં વધીને 1472 થઈ ગઈ છે. 2014 સુધી દેશમાં 16 IIT સંસ્થાઓ હતી, જે 2023માં વધીને 23 થઈ જશે. 2014 સુધી દેશમાં 13 આઈઆઈએમ હતા, જે હવે 20 થઈ ગયા છે.
2014માં ભારતની વીજ ઉત્પાદન ક્ષમતા 2.34 લાખ મેગાવોટ હતી, જે વધીને 2023માં 4.17 લાખ મેગાવોટ થશે. 2014 સુધી દેશમાં 13 કરોડ ગેસ કનેક્શન હતા, જે 2023 સુધીમાં વધીને 31 કરોડ થઈ જશે.
2014 સુધી દેશમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોની પહોંચ 91,287 કિમી હતી, જે 2023માં વધીને 1.44 લાખથી વધુ થઈ જશે. 2014 સુધી દેશમાં એરપોર્ટની સંખ્યા 74 હતી જે 2023માં વધીને 148 થઈ જશે.
2014 સુધી, દેશમાં માત્ર 21,614 કિલોમીટરના રેલ્વે માર્ગો ઈલેક્ટ્રીક લાઈનોથી જોડાયેલા હતા. 2023માં તે વધીને 58,812 કિમી થયા છે.
તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારતે G20 ની અધ્યક્ષતા કરી, જેની નોંધ સમગ્ર વિશ્વમાં લેવાઈ. આ સમિટમાં ભાગ લેવા વિશ્વના અનેક દેશોના વડાઓ આવ્યા હતા.
નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ છેલ્લા દસ વર્ષ દરમિયાન ભારતનો દબદબો વૈશ્વિક સ્તરે વધ્યો છે તે સ્પષ્ટ રૂપે જોઈ શકાય છે તેની લઘુ આવૃત્તિ એટલે G20 ના અધ્યક્ષ પદ હેઠળ યોજાયેલી તાજેતરની સમિટ છે. આજે વૈશ્વિક સ્તરે સૌથી વધુ ઝડપી અર્થતંત્ર ભારતનું છે. નરેન્દ્ર મોદી આવનારા વર્ષોમાં ભારતને વિશ્વનો ત્રીજા નંબર નો સૌથી મોટું અર્થતંત્ર ધરાવતો દેશ બનાવવાનો લક્ષ્યાંક રાખે છે. આ ઉપરાંત ભારતની સ્વાધિનતાના શતાબ્દી વર્ષ 2047 સુધીમાં ભારત એક વિકસિત દેશ બને એ તરફ નીતિઓનું ઘડતર કરી રહ્યા છે.