પાંચ રાજ્યોમાં તાજેતરમાં ચુંટણીઓ યોજાઈ રહી છે, દરેક પક્ષ જનતાને વચનોની લ્હાણી કરીને મતોના સુંડલા ભરવામાં એક બીજાની હરિફાઈ કરી રહ્યો છે ત્યારે જે વચન દ્વારા ઓછામાં ઓછા 80 કરોડ લોકોને ફાયદો થશે અને ભાજપ માત્ર પાંચ રાજ્યોની વિધાનસભાની ચુંટણીઓમાં જ નહી પરંતુ લોકસભા ચૂંટણી પ્રચારમાં પણ પોતે કલ્યાણકારી રાજનીતિને વરેલી પાર્ટી છે તે પ્રસ્થાપિત કરવા ઉપયોગ કરે તેવી શક્યતા છે ત્યારે ખાદ્ય સુરક્ષા કાયદો શું છે ? PM-GKAY શું છે? તેની પાછળ થતા ખર્ચની અસરો શું છે? તે આંકડાઓ દ્વારા સમજવાનો પ્રયાસ કરવો જોઈએ.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સપ્તાહના અંતે મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ચૂંટણી રેલીઓમાં રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (NFSA), 2013 હેઠળ કેન્દ્ર સરકારની મફત અનાજ યોજનાને “આગામી પાંચ વર્ષ માટે” લંબાવવાની જાહેરાત કરી છે.
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PM-GKAY), જે વૈશ્વિક કોરોના મહામારી દરમિયાન જનતાને રાહત યોજના હેઠળ એપ્રિલ 2020 થી NFSA ના તમામ લાભાર્થીઓને વધારાનું 5 કિલો અનાજ મફતમાં પૂરું પાડવામાં આવતુ હતું, જે 1 જાન્યુઆરી, 2023 થી બંધ કરવામાં આવ્યું હતું. જો કે, NFSA હેઠળ મફત પૂરા પાડવામાં આવતા સબસિડાઇઝ્ડ અનાજની યોજના 2023ના અંત સુધી ચાલુ રાખવામાં આવી હતી.
વડા પ્રધાને હવે વચન આપ્યુ છે કે મફત અનાજની આ યોજના હજુ આગામી પાંચ વર્ષ સુધી ચાલુ રહેશે. આ યોજનાથી ઓછામાં ઓછા 80 કરોડ લોકોને ફાયદો થશે. રજકીય પંડિતો એવી શક્યતા દર્શાવી રહ્યા છે કે આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપ દ્વારા આ યોજનાનો પોતાની ગરીબ અને વંચિત જનતા પ્રત્યેની પ્રતિબદ્ધતા તરીકે ઉપયોગ કરવામાં આવી શકે છે.
શું છે PM-GKAY યોજના ?
સમગ્ર વિશ્વ જ્યારે કોવિડ-19 મહામારીથી અસરગ્રસ્ત હતી, આર્થિક ગતિવિધિઓ અટકી ગઈ હતી તે વખતે એપ્રિલ 2020 માં ભારતમાં PM-GKAY યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ, NFSA ના તમામ લાભાર્થીઓને 5 કિલો અનાજ મફત આપવામાં આવતુ હતું. આ રાહત NFSA હેઠળ મળતા 5 કિલો અનાજ ઉપરાંત આપવામાં આવેલી હતી.
દેશ રાષ્ટ્રીય લોકડાઉનમાં લાગુ કરવામાં આવ્યાના બે દિવસ બાદ 26 માર્ચ, 2020 ના રોજ નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા જાહેર કરાયેલ સરકારના રૂ. 1.7 લાખ કરોડના કોવિડ રાહત પેકેજના એક ઘટક તરીકે આ યોજના શરૂ કરવામાં આવી હતી.
શરૂઆતમાં આ યોજના એપ્રિલ, મે અને જૂન 2020 એમ ત્રણ મહિના માટે જાહેર કરવામાં આવી હતી. જો કે, 8 જુલાઈ, 2020 ના રોજ, તેને વધુ પાંચ મહિના માટે, નવેમ્બર 2020 સુધી લંબાવવામાં આવી હતી. એપ્રિલ 2021માં કોવિડ મહામારીના બીજા (ડેલ્ટા) વેવ બાદ સરકારે PM-GKAY પુનઃશરૂ કરતા મે અને જૂન 2021 માટે યોજનાના ત્રીજા તબક્કાને મંજૂરી આપી હતી.
ત્યારબાદ, સ્કીમને નવેમ્બર 2021 સુધી લંબાવવામાં આવી હતી ત્યાં સુધીમાં કોવિડ-19 ના બીજા વેવની અસરો ઓછી થઈ ગઈ હતી, જોકે એક વેવ ફરીથી આવશે એવી આશંકાઓ નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરવામાં આવતી હતી. 24 નવેમ્બર, 2021 ના રોજ સરકારે PM-GKAY ના પાંચમા તબક્કાની જાહેરાત કરી જેમાં યોજના માર્ચ 2022 સુધી લંબાવવામાં આવી. આ નિર્ણયને ઉત્તર પ્રદેશ અને પંજાબમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણીમાં મતદાતાઓને રીઝવવાના પ્રયાસ તરીકે વ્યાપકપણે જોવામાં આવ્યો હતો. જોકે ચૂંટણી પરિણામો માર્ચ 2022 માં જાહેર કરવામાં આવ્યા પરંતુ સરકારે સપ્ટેમ્બર 2022 સુધી લંબાવતા યોજનાના છઠ્ઠા તબક્કાને મંજૂરી આપી હતી. એક તરફ યોજનાનો અંત આવતો હતો અને બીજી તરફ ગુજરાત અને હિમાચલપ્રદેશમાં વિધાનસભા ચુંટણીઓ પણ આવતી હતી સરકારે PM-GKAY યોજનાના સાતમા તબક્કાને મંજુરી આપી અને યોજના ડિસેમ્બર 2022 સુધી લંબાવી દીધી. છેવટે, 24 ડિસેમ્બર, 2022ના રોજ કેબિનેટે PM-GKAY યોજનાને બંધ કરવાની જાહેરાત કરી અને NFSA હેઠળ લાયક લાભાર્થીઓને 2023 માટે મફત અનાજ આપવાનો નિર્ણય લીધો.
હવે જોઈએ NFSA શું છે?
NFSA (National Food Security Act) યુપીએ-2 સરકાર દ્વારા ઘડવામાં આવ્યો હતો અને તે 5 જુલાઈ, 2013 ના રોજ અમલમાં આવ્યો હતો. આ કાયદો લક્ષિત જાહેર વિતરણ પ્રણાલી (ટીપીડીએસ) હેઠળ 50% શહેરી અને દેશની 75% ગ્રામીણ વસ્તીને “પોષણક્ષમ ભાવે ગુણવત્તાયુક્ત ખોરાકના પર્યાપ્ત જથ્થાની ઉપ્લબ્ધી” ની ખાતરી આપે છે. NFSA નું એકંદર રાષ્ટ્રીય કવરેજ લગભગ 67.5% વસ્તી સુધી છે.
આ કાયદા હેઠળ, રાજ્યના ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં આવરી લેવામાં આવનારી વ્યક્તિઓની સંખ્યા વસ્તી ગણતરીના આધારે ગણવામાં આવવાના હતા, જેના સંબંધિત આંકડા પ્રકાશિત કરવામાં આવ્યા છે. છેલ્લે પ્રકાશિત થયેલ વસ્તી ગણતરીના આંકડા 2011 ના છે – અને તેના આધારે, લગભગ 81.35 કરોડ લોકોને NFSA દ્વારા આવરી લેવામાં આવે છે.
સબસિડી સહિત અનાજની કિંમતો એનએફએસએના શેડ્યૂલ-1માં નિર્દિષ્ટ કરવામાં આવી છે, જેને સરકાર એક્ઝિક્યુટિવ ઓર્ડર દ્વારા બદલી શકે છે. 2022 ના અંત સુધી, NFSA લાભાર્થીઓએ અનુક્રમે ચોખા, ઘઉં અને પોષક-અનાજ (બાજરી) દીઠ કિલો દીઠ રૂ. 3, રૂ. 2 અને રૂ 1 ચૂકવ્યા હતા. અનાજની કિંમત અને ખાદ્ય સબસિડી બિલમાં સતત વધારો થયો હોવા છતાં આ ભાવ વર્ષોથી બદલાયા ન હતા. આ વર્ષથી રાશન સંપૂર્ણપણે મફત કરવામાં આવ્યું હતું. લાભાર્થી જેટલા અનાજના જથ્થા માટે હકદાર છે તે પણ કાયદામાં નિર્ધારિત કરવામાં આવ્યું છે જેને સંસદની મંજૂરી વિના બદલી શકાતો નથી.
NFSA હેઠળ લાભાર્થી પરિવારોની બે શ્રેણીઓ નિર્ધારિત કરવામાં આવી છે – અંત્યોદય અન્ન યોજના (AAY) પરિવારો, અને પ્રાથમિકતા પરિવારો (PHs). દરેક AAY પરિવાર ઘરના સભ્યોની સંખ્યાને ધ્યાનમાં લીધા વિના દર મહિને 35 કિલો અનાજ મેળવવા માટે હકદાર છે. જ્યારે PHs પરિવાર પરિવારના સભ્યોની સંખ્યા મુજબ અનાજ મેળવવા માટે હકદાર છે. PH પરિવાર ના દરેક સભ્ય NFSA હેઠળ દર મહિને 5 કિલો અનાજ મેળવવા માટે હકદાર છે. તેથી, PH પરિવાર જેટલો મોટો તેટલો વધુ અનાજનો જથ્થો તેને મળે છે.
આ ખાદ્ય સુરક્ષા કાર્યક્રમોનો કેટલો ખર્ચ આવે છે?
અનાજની કિંમતમાં ચાર મુખ્ય ઘટકો હોય છે – અનાજની સંકલિત કિંમત, આકસ્મિક ખરીદ કિંમત, સંપાદન ખર્ચ અને વિતરણ ખર્ચ, આ બધા જ ખર્ચા વર્ષો વર્ષ વધતા રહ્યા છે. ચોખાની કિંમત 2013-14માં 2,615.51 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતી જે 2022-23માં વધીને 3,670.04 રૂપિયા થઈ ગઈ હતી. ઘઉંની કિંમત 2013-14માં પ્રતિ ક્વિન્ટલ રૂ. 1,908.32 થી વધીને 2022-23માં રૂ. 2,588.70 થઈ હતી.
વધતી કિંમતોને કારણે સરકારના ફૂડ સબસિડી બિલમાં પણ એ મુજબ ઝડપથી વધારો થયો છે. જે સૌથી વધુ 2020-21માં રૂ. 5,41,330.14 કરોડની ટોચે પહોંચી હતી. જે 2021-22માં ઘટીને રૂ. 2,86,469.11 કરોડ થઈ હતી. સરકારે વર્ષ2 022-23 માટે રૂ. 2,06,831.09 કરોડનું સબસિડી બિલનો અંદાઝ બજેટમાં લગાવ્યો હતો અને કહ્યું હતું કે NFSA હેઠળ મફત અનાજના વિતરણનો ખર્ચ આશરે રૂ. 2 લાખ કરોડ થશે.
PM-GKAY પર સરકારનો ખર્ચ આ કેલેન્ડર વર્ષની શરૂઆત સુધી દર મહિને લગભગ 15,000 કરોડ રૂપિયા હતો. યોજનાના સાતમા તબક્કાના અંત સુધી ખર્ચ લગભગ 3.91 લાખ કરોડ રૂપિયા હતો. સરકારના 24 ડિસેમ્બર, 2022ના NFSA હેઠળ મફતમાં અનાજ આપવાના નિર્ણયથી સરકારી તિજોરી પર રૂ. 13,900 કરોડનો વધારાનો નાણાકીય બોજ પડવાની અપેક્ષા હતી અને 2023 કેલેન્ડર વર્ષ માટે કુલ ખાદ્ય સુરક્ષા બિલ આશરે રૂ. 2 લાખ કરોડ હોવાનો અંદાજ હતો.
NFSA લાભાર્થીઓને કેટલી બચત થઈ?
જેઓ દર મહિને 35 કિલો અનાજ મેળવવાના હકદાર છે તેવા અંત્યોદય અન્ન યોજના (AAY) પરિવારો માટે સરકારે નાણાકીય વર્ષ 2022-23 માટે 99.75 લાખ ટન (71.07 લાખ ટન ચોખા અને 28.68 લાખ ટન ઘઉં) ફાળવ્યા હતા. આનો અર્થ એ થયો કે AAY પરિવારોએ સમગ્ર વર્ષ દરમિયાન અંદાજીત કુલ રૂ. 2,705 કરોડની બચત થવાનો અંદાજ મુકવામાં આવ્યો હતો.
તેવી જ રીતે, PHH લાભાર્થીઓ માટે સરકારે 423.86 લાખ ટન અનાજ (272.8 લાખ ટન ચોખા, 144.76 લાખ ટન ઘઉં અને 6.3 લાખ ટન પોષક-અનાજ)ની ફાળવણી કરી હતી, જે મળીને વર્ષમાં લાભાર્થીઓને કુલ લગભગ રૂ. 11,142 કરોડની બચત થવાનો અંદાજ છે.
NFSA એ સંસદના કાયદા હેઠળ આપવામાં આવેલા અધિકાર-આધારિત યોજના છે, જ્યારે PM-GKAY એ NFSA હેઠળ આવરી લેવામાં આવેલા લાભાર્થીઓના હક ઉપરાંત આપવામાં આવનાર લાભની જાહેર કરવામાં આવેલી યોજના હતી.
મફત અનાજની યોજનાથી ભાજપને ચૂંટણીમાં ફાયદો થશે?
વડાપ્રધાનને PM-GKAY યોજનાને લંબાવવાની જાહેરાત ચૂંટણી રેલીમાં કરી હતી તેથી તેને રાજકીય રીતે ફાયદો મેળવવાની જાહેરાત તરીકે જોવામાં આવી હતી. આ મહિને છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને તેલંગાણા રાજ્યોમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે અને ત્યાં પહેલાથી જ ગરીબો માટે અન્ય ખાદ્ય સુરક્ષા યોજનાઓ છે તેથી આ જાહેરાતથી ભાજપને કેટલો ફાયદો થશે તે પ્રશ્ન છે પરંતુ આ જાહેરાત આગામી લોકસભા અને દેશભરની અન્ય ચૂંટણીઓ માટે ભાજપના કલ્યાણકારી રાજકારણના સંકેત તરીકે જોવામાં આવે છે.
PM-GKAYના વિસ્તરણથી ભાજપને યુપી અને ઉત્તરાખંડની વિધાનસભા ચૂંટણીમાં મદદ મળી હોવાનું માનવામાં આવે છે, ત્યારપછી ભાજપે ગુજરાતમાં પણ રેકોર્ડ બ્રેકિંગ દેખાવ કર્યો હતો, પરંતુ હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસે આપેલા વચનો ગણીએ કે એન્ટી ઈન્કમ્બસી ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો.