ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહનું 26 ડિસેમ્બરે રાત્રે 10 વાગ્યે અવસાન થયું.. મનમોહન સિંહ ભારતીય રાજકારણના એવા નેતા છે જેમણે દેશની અર્થવ્યવસ્થાને નવી દિશા આપી.
1991 પહેલા ભારતના અર્થતંત્રમાં નેહરુના સમાજવાદ અને સંરક્ષણવાદની ઝલક જોવા મળતી હતી. મૂડી માત્ર થોડા લોકો પાસે હતી, જે સરકાર દ્વારા નિયંત્રિત હતી. પરંતુ બીજી તરફ સમગ્ર વિશ્વ વૈશ્વિકીકરણ અને ઉદારીકરણના માર્ગે આગળ વધી ગયું હતું એટલું જ નહી નેહરુજી એ જેમના પ્રભાવમાં આવીને હિન્દી-ચીની ભાઈ-ભાઈના નારા લગાવ્યા હતા તે માઓનું ચીન પણ માઓવાદના સિદ્ધાંતોથી છેડો ફાડીને પોતાની અર્થવ્યવસ્થાને બદલી ચુક્યુ હતું.
18મી અને 19મી સદીમાં યુરોપમાં આવેલા ઔદ્યોગિકીકરણના વાવાઝોડામાં ભારતની ક્ષમતા માત્ર કાચો માલ પૂરો પાડનારા દેશની થઈને રહી ગઈ હતી. આશ્ચર્ય એ વાતનું હતું આઝાદી પછી જે નવી વ્યવસ્થા આવી તે વિશ્વ સાથે તાલ મિલાવવા માટે અપૂરતી અને અક્ષમ સાબિત થવાની હતી. તે સમયે પ્રશ્ન એ હતો કે શું મોટી ગરીબ વસ્તીને મૂડીવાદની કઠોર સ્પર્ધામાં છોડી શકાય? આ પ્રશ્નનો જવાબ શોધતી વખતે રશિયાથી આયાત કરેલી વ્યવસ્થા જેવી ભ્રષ્ટ લાઈસન્સરાજની નીતિ અપનાવાઈ જેનાથી ભારત એનકોન્ડાની પકડમાં સપડાયેલા જીવ સમાન જકડાતુ રહ્યું. વિશ્વ બેંક અને અન્ય દેશો પાસેથી લોન લેતી વખતે એ પરત ચુકવવાની સ્થિતિ આવશે એનું ધ્યાન રાખવાનું જ જાણે ચુકાઈ ગયું અને ભારતે સોનું ગીરો રાખવાની પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો. સ્વતંત્રતા બાદ અપનાવાયેલી આર્થિક નીતિઓએ ભારતની બદહાલીનું જે ચિત્ર બનાવ્યું હતું એ ચિત્રમાં 90ના દાયકામાં ભારત પાસે આધુનિક વિશ્વને બતાવવા માટે સચિન તેંડુલકરે ફટકારેલા રનનો ઢગલો હતો અને બેટિંગ કરતા સચિનને જોઈને જેમની પાસે ભવિષ્યના કોઈ સપના નહોતા અને છતાં હરખથી તાળીઓ પાડતા રહેલા યુવાનો જ હતા.
ભારતીય રાજકારણમાં ભ્રષ્ટાચાર સાથે સમાધાન કરનારી સરકારો અને નેતાઓની લાંબી યાદી હતી, દેશના લોકો ગરીબીના કળણમાં ખૂંપેલા હતા અને હજુ ફસાતા જતા હતા પરંતુ આ ગરીબીમાંથી બહાર નીકળવાનો તેમની સામે કોઈ માર્ગ નહોતો. તે જ સમયે એક બ્યુરોક્રેટ, જે ભવિષ્યમાં ‘એક્સીડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’ પણ બનવાના હતા તે સરદાર મનમોહનસિંહ ‘એક્સીડેન્ટલ ફાયનાન્સ મિનિસ્ટર’ બન્યા. 1991માં નાણાપ્રધાન તરીકે મનમોહનસિંહે જે રીતે બજેટ ભાષણની શરૂઆત કરી હતી તેના પરથી કલ્પના કરી શકાય કે ભારતને વર્ષો સુધી ગરીબ રાખવાનું પાપ જેણે કર્યું તે સમાજવાદના દિવાસ્વપ્નમાંથી બહાર આવવું અને ખુલ્લા અર્થતંત્રની તરફ આગળ વધવું તે પણ એક પરિવારની ખુશામત કર્યા વગર કેટલું મુશ્કેલ હતું. વિરોધના સૂરો વચ્ચે મનમોહન સિંહે પોતાના ભાષણની શરૂઆત કરી હતી. તત્કાલિન નાંણાપ્રધાન મનમોહન સિંહે પોતાના પ્રથમ અંદાજપત્રીય ભાષણની શરુઆત કરી….
“‘સર, હું 1991-92નું બજેટ રજૂ કરવા ઉભો થયો છું. જ્યારે હું ઉભો છું, ત્યારે મને એક અજબ પ્રકારની એકલતાનો અનુભવ થાય છે. હું એ સુંદર, હસતો ચહેરો યાદ કરું છું જે બજેટ ભાષણ ધ્યાનથી સાંભળતો હતો. શ્રી રાજીવ ગાંધી હવે આપણી વચ્ચે નથી. પરંતુ તેમનું સ્વપ્ન જીવે છે; તેમનું સ્વપ્ન ભારતને એકવીસમી સદીમાં લઈ જવાનું હતું; મજબૂત, એકીકૃત, તકનીકી રીતે અદ્યતન પરંતુ માનવીય વિચારના ભારતનું સ્વપ્ન. હું આ બજેટ તેમની પ્રેરણાદાયી સ્મૃતિને સમર્પિત કરું છું. માંડ એક મહિના પહેલાં સત્તા સંભાળનાર આ સરકારને ગંભીર કટોકટી ધરાવતું અર્થતંત્ર વારસામાં મળ્યું છે. ચૂકવણીની સંતુલન સ્થિતિ ગંભીર છે. આપણી અર્થવ્યવસ્થામાં આંતરરાષ્ટ્રીય વિશ્વાસ નવેમ્બર 1989 સુધી મજબૂત હતો જ્યારે અમારી પાર્ટી સત્તામાં હતી. જો કે, ત્યારપછીની રાજકીય અસ્થિરતા, નાણાકીય અસંતુલન અને ગલ્ફ કટોકટીના સંયોજનને કારણે આંતરરાષ્ટ્રીય વિશ્વાસમાં તીવ્ર ઘટાડો થયો છે. કોમર્શિયલ બોરોઇંગ અને નોન-રેસિડેન્ટ ડિપોઝિટ દ્વારા મૂડી પ્રવાહમાં તીવ્ર ઘટાડો થયો છે.
પરિણામે, જુલાઈ 1990 અને જાન્યુઆરી 1991માં ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) પાસેથી મોટા પ્રમાણમાં ઋણ લેવા છતાં, આપણા વિદેશી મુદ્રા ભંડારમાં તીવ્ર ઘટાડો થયો છે. આપણે ડિસેમ્બર 1990 થી ખાઈની ધાર ઉપર ઉભા છીએ જે એપ્રિલ 1991 થી વધુ પહોળી થઈ છે.
વિદેશી મુદ્રા કટોકટી વિકાસ પ્રક્રિયાઓના ટકાઉપણા અને આપણા વિકાસ કાર્યક્રમોના વ્યવસ્થિત અમલીકરણ માટે ગંભીર ખતરો છે. અનુકૂળ આંતરિક અને બાહ્ય પરિબળોના સંયોજનને લીધે, 1990 ના દાયકાના મધ્યથી ભાવ સ્તર પર ફુગાવાના દબાણમાં નોંધપાત્ર વધારો થયો છે. ભારતના લોકો બે આંકડા (Double Digit) ની મોંઘવારીનો સામનો કરી રહ્યા છે જેની સૌથી વધુ અસર ગરીબ વર્ગને થઈ રહી છે.
ટૂંકમાં, આર્થિક કટોકટી ગંભીર અને ઊંડી છે. સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં આપણે આવું ક્યારેય જોયું નથી. સમસ્યાના મૂળ સતત અને મોટા મેક્રો-ઈકોનોમિક અસંતુલનો અને રોકાણ સામે નીચી ઉત્પાદકતા, ખાસ કરીને છેલ્લા રોકાણો પરના નબળા વળતર દરોમાં છે.
સરકારી ખર્ચમાં અસ્થિર વધારો થયો છે. બજેટની સબસિડીઓને ચિંતાજનક સામાજિક અને આર્થિક અસરો સાથે ચિંતાજનક હદ સુધી વધવા દેવામાં આવી છે. કર પ્રણાલીમાં હજુ પણ અનેક છિદ્રો છે અને તેમાં પારદર્શિતાના અભાવથી ગ્રસિત છે જેના કારણે વિવિધ સામાજિક અને આર્થિક અસરોનું મૂલ્યાંકન સરળતાથી નથી કરી શકાતું.
જાહેર ક્ષેત્રનું તે રીતે સંચાલન કરવામાં આવ્યું ન હતું કે તે મોટા રોકાણપાત્ર સંભાવનાઓનું સર્જન કરી શકે. ઉદ્યોગને આપવામાં આવેલ અતિશય અને વારંવાર અપાયેલા મનસ્વી સંરક્ષણે ગતિશીલ નિકાસ ક્ષેત્ર વિકસાવવા માટેના પ્રોત્સાહનને નબળું પાડ્યું છે. તેનાથી આવક અને સંપત્તિમાં પણ અસમાનતા વધી રહી છે. આ ગ્રામીણ અર્થતંત્ર માટે હાનિકારક સાબિત થયું છે.
રાજકોષીય વ્યવસ્થાની કટોકટી ગંભીર ચિંતાનો વિષય છે. જે મહેસૂલ આવક અને કુલ ખર્ચ વચ્ચેના તફાવતને માપે છે તે કેન્દ્ર સરકારની રાજકોષીય ખાધ 1990-91માં જીડીપીના 8 ટકાથી વધુ હોવાનો અંદાજ છે.
ચૂકવણીના તુલા સ્થિતિ અત્યંત મુશ્કેલ છે. ચાલુ ખાતાની ખાધ, જે ઘણા વર્ષોથી જીડીપીના 2 ટકાની આસપાસ હતી, તે 1990-91માં જીડીપીના 2.5 ટકાથી વધી જવાનો અંદાજ છે.
મોંઘવારીનો પ્રશ્ન આપણા લોકો માટે ગંભીર ચિંતાનો વિષય બની ગયો છે કારણ કે મોંઘવારી બે આંકડાની સપાટીએ પહોંચી ગઈ છે.
આપણે સમય બગાડવો ન જોઈએ. ન તો સરકાર કે અર્થવ્યવસ્થા દર વર્ષે તેની ક્ષમતાથી વધુ જીવી શકે છે. આપણો ઉદ્દેશ્ય કેન્દ્ર સરકારની રાજકોષીય ખાધને ધીમે ધીમે ઘટાડવાનો હોવો જોઈએ.
આર્થિક વ્યવસ્થાપનમાં આપણા માટે એ આવશ્યક છે કે કેન્દ્ર સરકારની રાજકોષીય ખાધને વ્યવસ્થિત રીતે ઘટાડવી, મહેસૂલી ખાધમાં નોંધપાત્ર ઘટાડો લાવવા અને ચૂકવણીના સંતુલનમાં ચાલુ ખાતાની ખાધ ઘટાડવી.
વિકાસની પ્રક્રિયાને નાણા પુરા પાડવા માટે આપણે આપણા પોતાના સંસાધનો પર વધુ આધાર રાખવો જોઈએ. સંક્રમણના સમયગાળા દરમિયાન, અમારો પ્રયાસ ગરીબો પર સમાયોજનનો બોજ ઘટાડવાનો રહેશે. અમે માનવીય આધાર પર ગોઠવણો કરવા માટે પ્રતિબદ્ધ છીએ.
આપણી બેંકિંગ સિસ્ટમ અને નાણાકીય સંસ્થાઓ અર્થતંત્રના નાણાકીય માળખાના કેન્દ્રમાં છે. આપણે આપણા નાણાકીય ક્ષેત્રને સુધારવાની જરૂર છે જેથી તે અર્થતંત્રની જરૂરિયાતોને વધુ સારી રીતે પૂરી કરી શકે.
માત્ર મેક્રો-ઈકોનોમિક સ્ટેબિલાઈઝેશન અને ફિસ્કલ એડજસ્ટમેન્ટ પૂરતું નથી. તેને આર્થિક નીતિ અને આર્થિક વ્યવસ્થાપનમાં જરૂરી સુધારાઓનું સમર્થન મળવું જોઈએ, જે સમાયોજન પ્રક્રિયાનું અભિન્ન અંગ છે. આ સુધારાઓ બરબાદી અને બિનકાર્યક્ષમતાને દૂર કરવામાં મદદ કરશે અને આપણી અર્થવ્યવસ્થાની વૃદ્ધિ પ્રક્રિયાઓને નવી ગતિ આપશે. સુધારણા પ્રક્રિયાનો મુખ્ય ઉદ્દેશ્ય ઔદ્યોગિક ઉત્પાદનની કાર્યક્ષમતા અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાત્મકતા વધારવાનો રહેશે.
રોકાણની ઉત્પાદકતા વધી શકે તે માટે આપણે વિદેશી રોકાણ અને વિદેશી ટેકનોલોજીનો પહેલા કરતા વધુ ઉપયોગ કરવો પડશે. આપણે સુનિશ્ચિત કરવું જોઈએ કે ભારતનું નાણાકીય ક્ષેત્ર ઝડપથી આધુનિક બને અને જાહેર ક્ષેત્રની કામગીરી સુધરે, જેથી આપણા અર્થતંત્રના મુખ્ય ક્ષેત્રો ઝડપથી બદલાતી વૈશ્વિક અર્થવ્યવસ્થામાં વાજબી તકનીકી અને સ્પર્ધાત્મકતા મેળવી શકે.
મને વિશ્વાસ છે કે સ્થિરીકરણના પગલાં અને જરૂરી માળખાકીય અને નીતિગત સુધારાઓના સફળ અમલીકરણને પગલે, આપણું અર્થતંત્ર ઉચ્ચ ટકાઉ વૃદ્ધિ તરફ પાછું આવશે જેથી ઉચિત મૂલ્ય સ્થિરતા અને સામાજિક સમાનતા આવશે.
પંડિત જવાહરલાલ નેહરુ, ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીના પ્રયાસોને કારણે આપણે વૈવિધ્યસભર ઔદ્યોગિક માળખું વિકસાવ્યું છે. આ એક મોટી સંપત્તિ છે કારણ કે આપણે વિવિધ માળખાકીય સુધારાઓ અમલમાં મૂકવાનું શરૂ કરી રહ્યા છીએ.
જો કે, ઉદ્યોગ સ્થાપવા માટેના અવરોધો અને કંપનીઓના કદ પરની મર્યાદાઓ ઘણીવાર લાઇસન્સ અને એકાધિકારની શરતોમાં વધારા તરફ દોરી જાય છે. જેનાથી ભારતીય ઉદ્યોગના અમુક વિભાગો પર અંકુશ આવી ગયો છે અને તે ઉત્પાદકોના હિતોને સંભાળે છે પરંતુ ગ્રાહકોના હિતોની અવગણના કરે છે.
ખર્ચ ઘટાડવા, ટેક્નોલોજી અપગ્રેડ કરવા અને ગુણવત્તાના ધોરણો સુધારવા પર પૂરતું ધ્યાન આપવામાં આવ્યું નથી. સ્થાનિક બજારમાં કંપનીઓ વચ્ચે સ્પર્ધા વધારવી જરૂરી છે જેથી ઉત્પાદકતા વધારવા, કાર્યક્ષમતામાં સુધારો કરવા અને ખર્ચ ઘટાડવા માટે પૂરતું પ્રોત્સાહન મળી રહે. આ ઉદ્દેશ્ય હાંસલ કરવા માટે, અમે ઔદ્યોગિક નીતિમાં મહત્વપૂર્ણ ફેરફારોની જાહેરાત કરી છે, જે ઘરેલુ ક્ષેત્રમાં નોંધપાત્ર રાહતો લાવશે, જે અમારા સામાજિક ઉદ્દેશ્યો સાથે સુસંગત છે અને ચૂકવણીના સંતુલન પર બાધ્ય સીમાઓને અનુરુપ છે.
ઔદ્યોગિક વિકાસ નીતિઓ વેપાર નીતિઓ સાથે ગાઢ રીતે જોડાયેલી છે. એમાં કોઈ શંકા નથી કે આપણા ઔદ્યોગિક વિકાસના પ્રારંભિક તબક્કામાં સુરક્ષા જરૂરી હતી, જેથી કરીને આપણે કોઈપણ વિક્ષેપ વિના શીખવાની અવધિમાંથી પસાર થઈ શકીએ.
છેલ્લા ચાર દાયકામાં આયાત અવેજીકરણ જોવા મળ્યું છે, જે હંમેશા કાર્યક્ષમ નથી અને કેટલીક વખત મનસ્વી પણ રહ્યું છે. હવે સમય આવી ગયો છે કે ભારતીય ઉદ્યોગોને વિદેશી સ્પર્ધાનો સામનો કરવાની છૂટ આપવી જોઈએ.
આ દિશામાં પહેલું પગલું ભરતાં સરકારે આયાત-નિકાસ નીતિમાં ફેરફારો કર્યા છે, જેનો હેતુ આયાત લાયસન્સ ઘટાડવા, નિકાસને પ્રોત્સાહન આપવા અને આયાતને અનુકૂલિત બનાવવાનો છે. 1 અને 3 જુલાઈ 1991ના રોજ વિનિમય દરોમાં થયેલા ફેરફારો અને ફરી ભરપાઈ લાયસન્સ પ્રણાલીનું વિસ્તરણ અને ઉદારીકરણ એ વેપાર નીતિ સુધારણા તરફના બે મુખ્ય પ્રારંભિક પગલાં છે. જે માત્રાત્મક પ્રતિબંધોના શાસનમાંથી કિંમત-આધારિત પદ્ધતિમાં સંક્રમણની શરૂઆતનું પ્રતિનિધિત્વ કરે છે.
ઔદ્યોગિકીકરણના ચાર દાયકાના આયોજન બાદ હવે આપણે વિકાસના એવા તબક્કામાં પહોંચી ગયા છીએ જ્યાં આપણે વિદેશી રોકાણને ડર્યા વગર આવકારવું જોઈએ. આપણા ઉદ્યોગ સાહસિકો કોઈથી ઓછા નથી. આપણા ઉદ્યોગ હવે પરિપક્વ છે. વિદેશી પ્રત્યક્ષ રોકાણથી મૂડી, ટેકનોલોજી અને બજારોમાં પ્રવેશ પ્રાપ્ત થશે. આ આપણા ઔદ્યોગિક ક્ષેત્રને ધીમે ધીમે વિદેશી સ્પર્ધાનો સામનો કરવાની તક આપશે. ખર્ચ, કાર્યક્ષમતા અને ગુણવત્તા પર હવે ધ્યાન આપવાની જરૂર પડશે. તેથી, અમે FDI માટેની નીતિને નિમ્નલિખિત રીતે ઉદાર બનાવવાનું નક્કી કર્યું છે:
પ્રથમ, ઉચ્ચ અગ્રતા ધરાવતા ઉદ્યોગોમાં જો ઈક્વિટી પ્રવાહ કેપિટલ ગુડ્સની આયાતને ધિરાણ કરવા માટે પર્યાપ્ત હોય અને જો ડિવિડન્ડ સમયાંતરે નિકાસની કમાણી દ્વારા સંતુલિત હોય તો એફડીઆઈને વિદેશી ઈક્વિટી મર્યાદા 51 ટકા સુધી વધારીને ઝડપી મંજૂરી આપવામાં આવશે. બીજું, નિકાસ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી બિઝનેસ કંપનીઓ માટે 51 ટકા સુધીની વિદેશી ઇક્વિટીની મંજૂરી આપવામાં આવશે. ત્રીજું, એક વિશેષ બોર્ડની સ્થાપના કરવામાં આવશે જે ઘણી મોટી આંતરરાષ્ટ્રીય કંપનીઓ સાથે વાટાઘાટ કરશે અને પસંદ કરેલા ક્ષેત્રોમાં સીધા વિદેશી રોકાણને મંજૂરી આપશે; ઉચ્ચ ટેક્નોલોજી અને વિશ્વ બજારોમાં પ્રવેશ પૂરો પાડતા મોટા રોકાણોને આકર્ષવા માટે આ એક વિશેષ વ્યવસ્થા હશે.
આપણા પ્રજાસત્તાકના સ્થાપક પિતાઓ માટે ગતિશીલ, આધુનિક, સ્પર્ધાત્મક હતું અને મોટા સરપ્લસ પેદા કરી શકે એવું જાહેર ક્ષેત્ર વિકાસ વ્યૂહરચનાનું એક મહત્વપૂર્ણ તત્વ હતું.
જાહેર ક્ષેત્રે આપણા ઔદ્યોગિક અર્થતંત્રના વૈવિધ્યકરણમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. પરંતુ તેમાં ઘણી ખામીઓ રહી છે. ખાસ કરીને, જાહેર ક્ષેત્ર મોટા પાયે આંતરિક સરપ્લસ પેદા કરવામાં અસમર્થ રહ્યું છે. આ નિર્ણાયક તબક્કે, તેને વિકાસનું એન્જિન બનાવવા અને યોગ્ય લાભ વિના રાષ્ટ્રીય બચતને શોષી ન શકાય તે માટે અસરકારક પગલાં લેવા જરૂરી બની ગયા છે. આને વ્યાપકપણે સ્વીકારવામાં આવ્યું છે, પરંતુ આ સંબંધમાં વિચાર અને કાર્યવાહી હજુ ઘણી દૂર છે.
આ તફાવતને પૂરો કરવા માટે, જાહેર ક્ષેત્રના રોકાણ પોર્ટફોલિયોની સમીક્ષા કરવામાં આવશે જેથી ભવિષ્યમાં જાહેર ક્ષેત્રની પ્રવૃત્તિઓ એવા ક્ષેત્રો પર કેન્દ્રિત હોય જે રાષ્ટ્ર માટે વ્યૂહાત્મક છે, અર્થતંત્ર માટે ઉચ્ચ તકનીકની આવશ્યકતા હોય છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે જરૂરી છે.
સંસાધનોને એકત્ર કરવા, વ્યાપક જાહેર ભાગીદારીને પ્રોત્સાહિત કરવા અને વધુ જવાબદારી વધારવા માટે, પસંદ કરેલ જાહેર ક્ષેત્રના ઉપક્રમોમાં સરકારની 20 ટકા ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ અને જાહેર ક્ષેત્રની રોકાણ સંસ્થાઓ અને આ કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓને આપવામાં આવશે. જાહેર સાહસો કે જેઓ લાંબા સમયથી બિમાર છે અને તેઓને ચાલુ કરી શકાતા નથી તેમને બોર્ડ ફોર ઇન્ડસ્ટ્રીયલ એન્ડ ફાઇનાન્શિયલ રિકન્સ્ટ્રક્શન (BIFR) અથવા સમાન ઉચ્ચ સત્તા ધરાવતી સંસ્થાને મોકલવામાં આવશે જેથી પુનરુત્થાન અથવા પુનર્વસન યોજનાઓ બનાવી શકાય; BIFR પુનર્વસન પેકેજથી પ્રભાવિત શ્રમિકોના હિતોનું સંપૂર્ણ રક્ષણ કરવા માટે સામાજિક સુરક્ષા મિકેનિઝમ બનાવશે. મેનેજમેન્ટ અને સંબંધિત જવાબદારીમાં સ્વાયત્તતા સરકાર અને જાહેર ક્ષેત્રના સાહસો વચ્ચેના સમજૂતી કરાર (એમઓયુ) દ્વારા પ્રદાન કરવામાં આવશે.
આપણી બેંકિંગ સિસ્ટમ અને નાણાકીય સંસ્થાઓ અર્થતંત્રના નાણાકીય માળખાનો મૂળભૂત ભાગ છે. આપણી નાણાકીય પ્રણાલીના વિસ્તાર અને ઊંડાણ થકી સંસ્થાકીય ધિરાણને વ્યાપક ક્ષેત્રે ફેલાવ્યું છે અને આપણા બચત દરમાં, ખાસ કરીને નાણાકીય બચતમાં વધારો કરવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.
આપણો દેશ જે ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે તેના માટે સરકાર તરફથી કડક પગલાંની જરૂર છે. અમે આ ભૂમિકા માટે સંપૂર્ણ રીતે તૈયાર છીએ. અમારી પાર્ટી દેશને અસરકારક સરકાર આપશે. આપણા લોકો અમારા માલિક છે. અમે માનીએ છીએ કે અમારી સરકારની ભૂમિકા આપણા લોકોને તેમની સંપૂર્ણ ક્ષમતાનો પરિચય કરવા સક્ષમ બનાવવાની છે. આ બજેટ એક વ્યાપક વિઝન, સારી રીતે વિચારેલી વ્યૂહરચના અને ભારતને ફરી આગળ લઈ જવાના હેતુથી અસરકારક કાર્યક્રમનો એક મહત્વપૂર્ણ ભાગ છે.
સર, આ લાંબી અને મુશ્કેલ સફર જે આપણે શરૂ કરી છે તે દરમિયાન આપણી સામે રહેલી મુશ્કેલીઓને હું ઓછી નથી આંકતો. પરંતુ વિક્ટર હ્યુગોએ કહ્યું તેમ, “પૃથ્વી પરની કોઈ શક્તિ એ વિચારને રોકી નહીં શકે જેનો સમય આવી ગયો છે.” હું આ સન્માનીય ગૃહને સૂચન કરું છું કે ભારત એક મોટી આર્થિક શક્તિ તરીકે ઉભરે એ આવો જ એક વિચાર છે. આખી દુનિયાએ આ વાત મોટેથી સાંભળવી જોઈએ. ભારત હવે જાગી ગયું છે. આપણે વિજયી થઈશું. આપણે સફળ થઈશું.
આ શબ્દો સાથે, હું આ માનનીય ગૃહને બજેટની ભલામણ કરું છું.
(1991ના બજેટ ભાષણના આ કેટલાક અંશો છે; આ મૂળ ભાષણ 31 પાનાનું છે)