દેશમાં લોકસભા ચૂંટણી 2024ની તારીખોની જાહેરાત ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી ચૂકી છે, કુલ મળીને 7 તબક્કામાં લોકસભા ચૂંટણીઑ યોજાશે ત્યારે રાજકીય પક્ષો ચૂંટણીની રણનીતિ, ગઠબંધન, ઉમેદવારોની જાહેરાત, પ્રચારની રણનીતિ જેવી પોતાની તૈયારીઓને અંતિમ જામા પહેરાવી રહ્યા છે. જોકે હજુ સુધી એક પણ પાર્ટીએ પોતાના બધા ઉમેદવારોની જાહેરાત કરી નથી. બધી પાર્ટીઓમાં સૌથી વધુ ઉમેદવારો ભાજપે જાહેર કર્યા છે, કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષો હજુ તેમના ઉમેદવારોની યાદી તૈયાર કરવામાં પડ્યા છે.
દેશમાં સામાન્ય ચૂંટણીનો ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવતી આવી છે. સ્વાધિનતા બાદ દેશમાં પ્રથમ સામાન્ય ચૂંટણીઓ વર્ષ 1951માં યોજાઈ હતી. આ ચૂંટણીમાં વર્ષ 1951માં 17.32 કરોડ મતદારો હતા અને 10.5 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. વર્ષ 2019માં મતદારોની સંખ્યા 91.2 કરોડ નોંધાઈ હતી જે વધીને આ સામાન્ય ચૂંટણીમાં 98 કરોડ મતદારો તેમના મતનો ઉપયોગ કરશે એમ ચૂંટણી પંચના જણાવ્યુ છે. 2014માં સામાન્ય ચૂંટણી કરાવવામાં 3870 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
વર્ષ 2019 ની લોકસભા ચુંટણી ભારતની અત્યાર સુધીની સૌથી ખર્ચાળ ચુંટણી હતી. CMS એનાલિસિસ એન્ડ એસ્ટીમેશન રીપોર્ટ અનુસાર 2019 ની ચુંટૅણીમાં અંદાજે 60,000 કરોડ રુપિયાનો ખર્ચ થયો હતો. જેમાં અંદાજે 10,000 રુપિયાનો ખર્ચ સરકાર અને ચુંટણી પંચ દ્વારા કરવામાં આવ્યો હતો જ્યારે આશરે 20,000 કરોડ રુપિયાનો ખર્ચ રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવ્યો હોવાનો અંદાજ લગાવાયો હતો. આ ઉપરાંત લગભગ 24,000 કરોડ રુપિયા જેટલો ખર્ચ ચુંટણી લડતા ઉમેદવારો દ્વારા કરવામાં આવ્યો હતો. રુપિયા 3,000 કરોડ જેટલો ખર્ચ મીડિયા અને સ્પોન્સર્સ દ્વારા કરાયો હોવાનો અને રુપિયા 3,000 કરોડ જેટલો ખર્ચ અન્ય ઈન્ડસ્ટ્રીઝ દ્વારા કરાયો હતો.
હવે આ વર્ષે યોજાનારા લોકશાહીના સૌથી મોટા ઉત્સવ સમાન સામાન્ય ચુંટણીમાં કેટલો ખર્ચ થવાનો અંદાજ લગાવાઈ રહ્યો છે તે જોવાનું રહ્યું. સરકાર દ્વારા વચગાળાના બજેટ 2024માં નાણાં પ્રધાન નિર્મલા સીતારામને ચૂંટણી ખર્ચ માટે રૂપિયા 2,442.85 કરોડ ફાળવ્યા છે. જેમાં લોકસભાની ચૂંટણીમાં 1000 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. ઈવીએમ માટે બજેટમાં 34.84 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. વર્ષ 2014માં ચૂંટણી પંચે 3.82 લાખ બેલેટ પેપર અને 2.5 લાખ મશીન ખરીદ્યા હતા EVMનું આયુષ્ય લગભગ 15 વર્ષ અંદાજવામાં આવેલું છે. વર્ષ 2018 અને 2013માં ચૂંટણી પંચે 13 લાખ બેલેટ યુનિટ અને 10 લાખ કંટ્રોલ યુનિટ ખરીદ્યા હતા.
વચગાળાના બજેટમાં ચૂંટણી કરાવવા માટે ચૂંટણી પંચને 321.89 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. જેમાં ચૂંટણી માટે રૂપિયા 306.6 કરોડ અને જાહેર કામો અને વહીવટી સેવાઓ માટે રૂપિયા 2.01 કરોડ ફાળવવામાં આવ્યા છે જ્યારે રૂપિયા 13.82 કરોડ ફાળવવામાં આવ્યા છે. વાસ્તવમાં ચૂંટણી સંબંધિત ખર્ચ ચૂંટણી પંચ અને કાયદા મંત્રાલય બંનેને આપવામાં આવે છે. ઈવીએમ મશીનની ખરીદી જેવા ચૂંટણી ખર્ચ કાયદા મંત્રાલયના બજેટમાં આવે છે. ચૂંટણી પંચે 2019ની લોકસભાની ચૂંટણી માટે ખર્ચવામાં આવેલી રકમ જાહેર કરી નથી.