મધ્ય પ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં ચુંટણીના પડઘમ વાગી રહ્યાછે, પ્રચારના બ્યુગલ ફૂંકાઈ ચુક્યા છે. સમગ્ર દેશમાં પાંચ રાજ્યોની ચૂંટણીમાં કોણ જીતશે તેની ચર્ચા ચાલી રહી છે. રાજકીય વિશ્લેષકો આ ચૂંટણીઓને આવતા વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણીઓની સેમીફાઈનલ ગણાવી રહ્યા છે.
મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણી માટે 17 નવેમ્બરે મતદાન થવાનું છે જો કે ચૂંટણીને લઈને ઓપિનિયન પોલની ૠતુ બરાબર જામી છે. મધ્યપ્રદેશમાં થયેલા ઓપિનિયન પોલ મુજબ રાજ્યમાં બે પાર્ટી વચ્ચે જ સીધો જંગ છે. તે બંને પક્ષ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કસોકસની લડાઈ છે. મધ્યપ્રદેશ ભાજપ માટે મહત્વપૂર્ણ રાજ્ય છે જ્યાં શિવરાજસિંહ ચૌહાણના નેતૃત્વમાં ભાજપની સરકાર છે જ્યારે કૉંગ્રેસ 2018માં બનેલી સરકાર અને જ્યોતિરાદિત્ય સિંધિયાના બળવા બાદ હાથથી ગયેલી સત્તા પરત મેળવવા માંગે છે. હાલમાં મધ્યપ્રદેશમાં દરેક પક્ષના દિગ્ગજ નેતાઓ પ્રચાર સભાઓ ગજવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ, પ્રિયંકા ગાંધી, રાહુલ ગાંધી સહિત બધા પક્ષોના નેતાઓ ચૂંટણીપ્રચાર કરી રહેલા જોવા મળી રહ્યા છે. ભાજપ અને કૉંગ્રેસ બંને પક્ષો એવો દાવો કરી રહ્યા છે કે સરકાર તેમની જ બનશે.
મધ્યપ્રદેશનો ચુંટણી ઈતિહાસ
મધ્ય પ્રદેશમાં 1952માં પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ હતી ત્યારથી રાજ્યમાં અત્યાર સુધી 15 વિધાનસભાની ચૂંટણીઓ થઈ ચૂકી છે. 2013 સુધીનો ઈતિહાસ દર્શાવે છે કે મધ્યપ્રદેશની જનતાએ કોઈ એક પક્ષને સ્પષ્ટ બહુમતી આપી છે. સરકાર કોઈ પણ પક્ષની બની હોય પરંતુ એકપણ વખત ત્રિશંકુ વિધાનસભા બને તેવા પરિણામ આવ્યા હોય એવું બન્યું નહોતું. 71 વર્ષમાં 40 વર્ષ કોંગ્રેસ પક્ષ સત્તામાં રહ્યો છે, જ્યારે ભાજપની સત્તા આશરે 21 વર્ષ સુધીની રહી છે. આ બે પક્ષો સિવાય મધ્યપ્રદેશમાં 1977થી 1980 સુધીનો સમયગાળો એવો હતો જ્યારે જનતા પાર્ટીનું શાસન હતું. 2013 સુધી સતત મધ્યપ્રદેશની જનતાએ એક જ પક્ષને બહુમતી આપી છે પરંતુ 2018 માં મધ્યપ્રદેશની જનતાએ મુડ બદલ્યો હતો અને એક પણ પાર્ટીને બહુમતી નહોતી આપી.
2018 ની ચૂંટણીમાં જનતાએ બદલ્યો મુડ
2018માં રાજકીય પાર્ટીઓને મધ્યપ્રદેશની જનતાનો બદલાયેલો મુડ જોવા મળ્યો. છેલ્લે 2018 ની ચુંટણીમાં આવેલા પરિણામોએ રાજકીય સ્થિતિ બદલી દીધી કોંગ્રેસનો પનો ટૂંકો પડ્યો હતો અને બહુમતીથી માત્ર બે સીટનું છેટું રહી ગયું હતું જ્યારે ભાજપને મળેલા મતોની ટકાવારી વધુ હતી. જોકે કૉંગ્રેસે કમલનાથના મુખ્યપ્રધાન પદ હેઠળ સરકાર બનાવી હતી. પરંતુ કૉંગ્રેસનો આંતરિક કલહ ચરમસીમાએ પહોંચ્યો અને જ્યોતિરાદિત્ય સિંધિયાની આગેવાનીમાં બળવો ફૂંકાયો. જ્યોતિરાદિત્ય સિંધિયા પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાઈ જતા કૉંગ્રેસે બહુમતી ગુમાવી દીધી હતી અને રાજ્યમાં ભાજપના શિવરાજ સિંહ ચૌહાણના મુખ્યપ્રધાન પદ હેઠળ સરકાર બની હતી જે આજે પણ છે.
2023 ની ચૂંટણીઓમાં કોની બનશે સરકાર?
આ વર્ષના અંતે થનારી વિધાનસભાની ચૂંટણીઓમાં કૉંગ્રેસ 2018માં કોંગ્રેસના મુખ્યમંત્રી રહેલા કમલનાથની આગેવાનીમાં ચૂંટણી લડી રહી છે, જ્યારે ભાજપની સરકાર હોવા છતાં ભાજપે મુખ્યમંત્રી પદના ઉમેદવારનું નામ જાહેર કરવાનું ટાળીને સસ્પેન્સ ઉભુ કર્યું છે. જોકે ભાજપે રાજકીય આશ્ચર્ય સર્જીને સાત સાંસદોને મેદાનમાં ઉતાર્યા છે, ત્યારે રાજકીય પંડિતો પણ માથુ ખંજવાળી રહ્યા છે કે શિવરાજ સિંહ ચૌહાણ 2005થી મુખ્ય પ્રધાન છે ત્યારે ભાજપ કોને મુખ્યમંત્રી બનાવશે. રાજ્યમાં કયા પક્ષની સરકાર બનશે તેનો ચુકાદો 3 જી ડિસેમ્બરના રોજ પરિણામ આવશે ત્યારે જ ખબર પડશે. જોકે વર્તમાન રાજકીય પ્રવાહો જોતા કૉંગ્રેસ અને ભાજપ વચ્ચે કસોકસની ટક્કર થવાની છે એ દેખાઈ રહ્યું છે. 3 જી ડિસેમ્બરે એ પણ જાણી શકાશે કે મધ્યપ્રદેશની જનતાનો 2018 વાળો મુડ જળવાઈ રહ્યો છે કે 2013 પહેલાના મુડમાં પરત ફરી છે.