- અન્ના હજારેના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનથી આવ્યા લાઈમ લાઇટમાં
- રાજકારણમાં નહી આવવાનું કહી રાજકારણમાં આવ્યા
- બંગલો અને સુવિધા નહી લેવાનું કહ્યું બાદમાં લીધું
દિલ્હી શરાબ આબકારી નીતિ કેસમાં આમ આદમી પાર્ટીના સંજય સિંહથી લઈ નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયા પણ ભેરવાયેલા છે. દિલ્હી શરાબ આબકારી નીતિ કેસમાં જેમ જેમ તપાસ આગળ વધતી જાય છે તેમ તેમ જે જે નેતાઓની ફરતે ગાળિયો કસાઈ રહ્યો છે તેમની છુટવાની વાત તો દુર હવે આમ આદમી પાર્ટીના સર્વે સર્વા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જ તપાસના સાણસામાં આવી ગયા છે. શરાબ નીતિ કૌભાંડમાં હજુ કેટલા પડ ખુલશે તે કહી શકાય નહી. ઈમાનદારીના બણગા ફુંકીને સત્તા પર આવેલી, અને જે પાર્ટીના નેતાઓ જાતે જ પોતાને કટ્ટર ઈમાનદારના ખિતાબો આપતા ફરતા હતા તેમના નામ હવે ભ્રષ્ટાચારના કેસમાં આવી રહ્યા છે.
2જી નવેમ્બરના રોજ ઈડી દ્વારા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વિનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને તપાસ ટીમ સામે હાજર થવા માટે સમન્સ પઠવવામાં આવ્યું હતું જોકે અર્વિંદ કેજરીવાલ મધ્યપ્રદેશમાં ચુંટણી પ્રચાર કરવા પહોંચી ગયા છે અને ઇડીની તપાસ ટીમ સમક્ષ ઉપસ્થિત થવાનું ટાળ્યું છે. અરવિંદ કેજરીવાલના આ પગલા સામે ભાજપ ખુબ આક્રમક જોવા મળ્યું હતુ. ઉલ્લેખનીય છે કે આ પહેલા સીબીઆઈ કેજરીવાલને આ મુદ્દે સમન્સ પાઠવી ચુકી છે અને 9 કલાક કરતા વધારે સમય સુધી પુછપરછ પણ કરી ચુકી છે. શરાબ નીતિ કૌભાંડમાં સંજયસિંહ અને મનિષ સિસોદિયા જેલમાં છે બન્નેને જામીન પણ મળ્યા નથી. મનિષ સિસોદિયા ઘણા મહિનાથી જેલમાં છે. હવે એવા આરોપ લગાવાઈ રહ્યા છે કે દારૂ કાંડ કેજરીવાલ જ મુખ્ય વ્યક્તિ છે. જોકે અરવિંદ કેજરીવાલ પ્રથમ વખત સવાલોના સકંજામાં આવ્યા હોય તેવી આ પ્રથમ ઘટના નથી આ પહેલા પણ તેઓ વિપક્ષ પ્રશ્નોથી તેમને પડકારી ચુક્યો છે જેમાં ડીટીસી બસ ખરીદીમાં કૌભાંડ, ફીડબેક યુનિટ દ્વારા નેતાઓની જાસુસી, મુખ્યમંત્રીના આવાસના સમારકામ પાછળ કરોડોનો ખર્ચ જેવા કેસ મુખ્ય છે.
ફીડબેક યુનિટ દ્વારા નેતાઓની જાસુસી
દિલ્હીના ભૂતપૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ દિલ્હી સરકાર હેઠળ કામ કરતા કર્મચારીઓ તથા ભ્રષ્ટાચાર ઉપર નજર રાખવા માટે 2016માં ફીડબેક યુનિટ (FBU).ની રચના કરી હતી. જોકે આ યુનિટને 29 સપ્ટેમ્બર 2015 ના રોજ કેજરીવાલ સરકારની કેબિનેટ દ્વારા તેને પ્રથમ મંજૂરી આપવામાં આવી હતી. જોકે આશ્ચર્યની વાત એ છે કે આ યુનિટની રચના માટે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરની પરવાનગી લેવામાં જ નહોતી આવી. FBUની રચનાથી તે શંકાના ઘેરામાં આવી ગયું હતુ. FBU ઉપર ફેબ્રુઆરી 2016થી સપ્ટેમ્બર 2016 વચ્ચે FBUએ રાજકીય વિરોધીઓની જાસૂસી કરી હતી તેવા આરોપો મુકવામાં આવ્યા હતા. આરોપો એવા પણ લાગ્યા કે FBUની મદદથી માત્ર ભારતીય જનતા પાર્ટીના નેતાઓની જ નહી પરંતુ આમ આદમી પાર્ટીના નેતાઓની પણ જાસૂસી કરવામાં આવી હતી. સીબીઆઈએ 14 માર્ચે જ આ અંગે એફઆઈઆર નોંધી હતી. સીબીઆઈ દ્વારા મનીષ સિસોદિયા ઉપરાંત 6 લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે.
ડીટીસી બસ ખરીદીમાં કૌભાંડમાં આરોપો
આમ આદમી પાર્ટી સરકાર પર 1000 ડીટીસી બસોની ખરીદી અને તેની જાળવણીમાં અનિયમિતતાનો આરોપ છે. એલજી વીકે સક્સેનાને મોકલવામાં આવેલી ફરિયાદમાં એવું કહેવામાં આવ્યું છે કે જુલાઈ 2019માં 1000 લો ફ્લોર BS-4 અને BS-6 બસોની ખરીદીની બિડ અને લો ફ્લોર BS-6 બસોની ખરીદી અને જાળવણી માટેના કોન્ટ્રાક્ટની માર્ચ 2020ની બીજી બિડમાં મોટી ગેરરીતિઓ થઈ છે. 22 જુલાઈના રોજ આ કથિત ભ્રષ્ટાચાર અંગેની ફરિયાદ પર દિલ્હી સરકારના વિભાગોની પ્રતિક્રિયાઓ મુખ્ય સચિવને મોકલવામાં આવી હતી. મુખ્ય સચિવે 19 ઓગસ્ટના રોજ એલજીને રિપોર્ટ સોંપ્યો હતો, ત્યારબાદ દિલ્હી એલજીએ સીબીઆઈને ફરિયાદ સોંપી હતી. આ કેસમાં પણ અરવિંદ કેજરીવાલ શંકાના ઘેરામાં આવ્યા હતા. જોકે હજુ તપાસ ચાલુ છે ત્યારે આગળ કેવા વળાંકો આવશે તે કહી શકાય નહી.
શાળાના વર્ગખંડો બનાવવામાં ગોટાળો
એપ્રિલ 2015માં, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે PWDને દિલ્હીની 193 સરકારી શાળાઓમાં 2405 વધારાના વર્ગખંડો બનાવવાનો નિર્દેશ આપ્યો હતો. વિજિલન્સે વર્ગખંડો બનાવવાની જરૂરિયાત જાણવા માટે એક સર્વે હાથ ધર્યો હતો અને તેના આધારે તેણે 194 શાળાઓમાં 7180 સમકક્ષ વર્ગખંડો (ECR) બનાવવાનો અંદાજ મૂક્યો હતો, જે 2405 વર્ગોની સરખામણીએ ત્રણ ગણો હતો.
CVC સેન્ટ્રલ વિજિલન્સ કમિશનને 25 ઓગસ્ટ 2019 ના રોજ વર્ગખંડના બાંધકામમાં ભ્રષ્ટાચાર અને ખર્ચમાં વધારો કરવા અંગે ફરિયાદ મળી હતી. વધુ સારી સુવિધાઓના નામે બાંધકામ ખર્ચમાં 90%નો વધારો કરવામાં આવ્યો હતો. દિલ્હી સરકારે પણ વગર ટેન્ડરે રૂ. 500 કરોડનો વધારો મંજૂર કર્યો હતો. સાથે સાથે GFR અને CPWD વર્ક્સ મેન્યુઅલનું ઘોર ઉલ્લંઘન કરીને નબળી ગુણવત્તાનું અધૂરું કામ કરવામાં આવ્યું હોવાનું પણ જણાવાયું હતું.
આ પ્રોજેક્ટ માટે રૂ. 989.26 કરોડ ફાળવવામાં આવ્યા હતા. ટેન્ડરની કિંમત 860.63 કરોડ રૂપિયા હતી જ્યારે પ્રોજેક્ટ પાછળ કુલ રૂ. 1315.57 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. કોઈપણ નવા ટેન્ડર આપ્યા વગર વધારાની કામગીરી કરવામાં આવી રહી હતી જેનાથી રૂ. 326.25 કરોડ વધારાનો ખર્ચ થયો હતો. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે 194 શાળાઓમાં 160 શૌચાલય બનાવવાના હતા, પરંતુ 37 કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચ કરીને 1214 શૌચાલય બનાવવામાં આવ્યા. દિલ્હી સરકારે આ શૌચાલયોને વર્ગખંડો ગણાવ્યા અને 141 શાળાઓમાં માત્ર 4027 વર્ગખંડો બનાવાયા.
મુખ્યમંત્રી આવાસ પાછળ કરોડો રુપિયા ખર્ચ કરવામાં આવ્યો
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના સંયોજક અરવિંદ કેજરીવાલ દ્વારા કોરોના સમયગાળા દરમિયાન રાષ્ટ્રીય રાજધાનીમાં પોતાના સરકારી બંગલાનું બ્યુટીફિકેશન (તૈયાર મકાનનું નવીનીકરણ કરવા અથવા તેને ચમકાવવા માટે 44 કરોડ 78 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલાનો પર્દાફાશ હિંદી ન્યુઝ ચેનલ ટાઈમ્સ નાઉ નવભારત દ્વારા કરવામાં આવ્યો હતો.
સમગ્ર મામલો હિંદી ન્યુઝ ચેનલ ટાઇમ્સ નાઉ નવભારત દ્વારા ‘ઓપરેશન શીશમહલ” નામ હેઠળ બહાર લવાયો હતો. ઓપરેશન દરમિયાન તપાસ દરમિયાન જે દસ્તાવેજો સામે આવ્યા હતા તેના પરથી સીએમ આવાસમાં 8 -8 લાખ રૂપિયાની કિંમતનો એક એવા પડદા લગાવાયા હોવાનું જાણવા મળ્યું હતું. સીએમ આવાસમાંના પડદા પાછળ કુલ એક કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. કુલ 23 પડદાઓનો ઓર્ડર આપવામાં આવ્યો હતો જેમાંથી કેટલાક લગાવાયા હતા અને કેટલાક લગાવવાના બાકી હતા. શરૂઆતમાં (2021-22માં) આઠ પડદા લગાવવામાં આવ્યા હતા, જે
આ માટે 45 લાખનો ખર્ચ કરવામાં આવ્યો હતો અને બીજા તબક્કામાં 15 પડદાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો અને જેની કિંમત અંદાજે 51 લાખ રૂપિયા હતી. દસ્તાવેજો પરથી એ પણ બહાર આવ્યું છે કે કેજરીવાલના સત્તાવાર નિવાસસ્થાનમાં વપરાયેલ માર્બલ ખાસ વિયેતનામથી આયાત કરવામાં આવ્યો હતો. સુપિરિયર ક્લાસ ડિયોર પર્લ માર્બલની કિંમત 1 કરોડ 15 લાખ રૂપિયા હતી, જેનું ફિટિંગ પણ અલગ અને ખાસ રીતે કરવામાં આવ્યું હતું.
હિંદી ન્યુઝ ચેનલ ટાઈમ્સ નાઉ નવભારતના જણાવ્યા મુજબ કેટલીક ચીજોની કિંમતો નીચે મુજબ હતી.
- 23 પડદા માટે ઓર્ડર – કિં મત એક કરોડથી વધુ
- વિયેતનામના ડિયોર માર્બલ – કિંમત લગભગ 3 કરોડ રૂપિયા
- વોર્ડરોબ (કબાટ) – કિંમત આશરે 40 લાખ રુપિયા
- આંતરિક સુશોભન (ઇંટીરીરિયર ડેકોરેશન) – કિંમત આશરે. રૂ. 11.30 કરોડ
- સુપિરિયર કન્સલ્ટન્સી – કિંમત એક કરોડ રુપિયા
- દિવાલોની સજાવટ – ચાર કરોડ રુપિયાથી વધુ
- ઘરના પિલરોની સજાવટ – રુપિયા 21 લાખથી વધુનો ખર્ચ
- બે રસોડા પાછળ ખર્ચ – 63 લાખ 75 હજાર ગ્રાઉંડ ફ્લોર પરના રસોડા માટે 31 લાખ રુપિયા, પહેલા માળે 32 લાખ રુપિયાથી વધુનો ખર્ચ
- હાથથી વણેલા ઊનની છ કાર્પેટ બિછાવાઈ – કિંમત આશરે 20 લાખ રૂપિયા