વિપક્ષી પાર્ટીઓનું ઈન્ડિ ગઠબંધન અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ શેખર કુમાર યાદવ વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહ્યું છે. કોંગ્રેસના સાંસદ વિવેક તન્ખાએ બુધવારે કહ્યું કે અત્યાર સુધી રાજ્યસભાના 30 થી વધુ સભ્યોના હસ્તાક્ષરો એકત્રિત કરવામાં આવ્યા છે અને સંસદના વર્તમાન શિયાળુ સત્રમાં જ આ માટે નોટિસ આપવામાં આવશે. પ્રસ્તાવ સંબંધિત નોટિસ 100 લોકસભા સભ્યો અથવા 50 રાજ્યસભા સભ્યો દ્વારા રજૂ કરવી આવશ્યક છે. જો કે વિપક્ષ પાસે બંને ગૃહોમાં સંખ્યાબળ નથી. ઉપરાંત ઈતિહાસ પણ સાક્ષી છે કે સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં આજ સુધી એક પણ ન્યાયાધીશ સામે મહાભિયોગની પ્રક્રિયા પૂર્ણ થઈ નથી. આ સ્થિતિમાં જસ્ટિસ શેખર યાદવ સામે લાવવામાં આવી રહેલા મહાભિયોગ પ્રસ્તાવનું શું થશે તે જોવું રહ્યું.
જસ્ટિસ યાદવે રવિવારે અલ્હાબાદ હાઈકોર્ટમાં વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના સંમેલનને સંબોધિત કરતી વખતે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. સુપ્રિમ કોર્ટે તેમના નિવેદન પર સુઓ મોટો સંજ્ઞાન લીધું હતું. આ વિષય ઉપર રાજ્યસભાના સભ્ય અને વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે જજ વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવની નોટિસ આપવામાં આવશે. તેમણે મંગળવારે કહ્યું હતું કે, ‘જો કોઈ જજ આવું નિવેદન આપે છે, તો તે પદ ગ્રહણ સમયે લીધેલા શપથનું ઉલ્લંઘન કરે છે. જો તે પદના શપથનું ઉલ્લંઘન કરી રહ્યા હોય તો તેમને તે ખુરશી પર બેસવાનો અધિકાર નથી.
મહાભિયોગ પ્રસ્તાવની પ્રક્રિયા શું છે?
વિપક્ષની નોટિસમાં બંધારણની કલમ 124(4) અને કલમ 124(5) સાથે ન્યાયાધીશ (ઇન્ક્વાયરી) એક્ટની કલમ 3(1)(b) હેઠળ જસ્ટિસ યાદવ સામે મહાભિયોગની કાર્યવાહી શરૂ કરવાની માંગ કરવામાં આવી છે. ન્યાયાધીશ તપાસ અધિનિયમ, 1968 મુજબ, જો કોઈ ન્યાયાધીશ વિરુદ્ધ ફરિયાદ લોકસભામાં રજૂ કરવામાં આવે તો પ્રસ્તાવ પર ઓછામાં ઓછા 100 સાંસદોની સહી હોવી આવશ્યક છે. જો રાજ્યસભામાં પ્રસ્તાવ રજૂ કરવામાં આવે તો નોટિસ પર ઓછામાં ઓછા 50 સભ્યોની સહી હોવી આવશ્યક છે.
સાંસદો નોટિસ સબમિટ કર્યા પછી, ગૃહના પ્રિસાઇડિંગ ઓફિસર તે પ્રસ્તાવને મંજૂર અથવા નામંજૂર કરી શકે છે. જો પ્રસ્તાવ સ્વીકારવામાં આવે છે, તો બે ન્યાયાધીશો અને ન્યાયવિદ્દ સહિત ત્રણ લોકોની તપાસ સમિતિ બનાવવામાં આવે છે. આ સમિતિ ફરિયાદની તપાસ કરીને નિર્ણય લે છે કે કેસ મહાભિયોગ પ્રક્રિયા શરૂ કરવા યોગ્ય છે કે નહીં.
જેમ આ કિસ્સામાં છે તેમ જો ફરિયાદ હાઈકોર્ટના ન્યાયાધીશ વિરુદ્ધ હોય તો સમિતિમાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ અને હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશનો સમાવેશ થાય છે. જો ફરિયાદ કોઈ સીટીંગ સુપ્રીમ કોર્ટના જજ વિરુદ્ધ હોય તો સુપ્રીમ કોર્ટના બે જજને કમિટીમાં સામેલ કરવામાં આવે છે.
જો આ સમિતિને લાગે કે સંબંધિત ન્યાયાધીશ વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવી શકાય તેમ છે તો તેને બંને ગૃહો સમક્ષ મૂકવામાં આવે છે. પ્રસ્તાવને બંને ગૃહોની મંજૂરીની જરૂર છે. બંધારણની કલમ 124 (4) મુજબ મહાભિયોગ માટેની દરખાસ્ત ‘તે ગૃહના કુલ સભ્યપદના બહુમતી દ્વારા અને તે ગૃહના હાજર રહેલા અને મતદાન કરતા સભ્યોના ઓછામાં ઓછા બે તૃતીયાંશ બહુમતીનું સમર્થિત હોવી જોઈએ.’ બંને ગૃહો દ્વારા પ્રસ્તાવ પસાર થયા બાદ રાષ્ટ્રપતિ સંબંધિત જજને હટાવવાનો આદેશ જારી કરે છે.
ન્યાયાધીશો સામે મહાભિયોગ પ્રસ્તાવનો ઈતિહાસ
સ્વતંત્ર ભારતના ન્યાયતંત્રના ઈતિહાસમાં ઘણી વખત એવી ઘટનાઓ બની છે જ્યારે મહાભિયોગ દ્વારા ન્યાયાધીશોને હટાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હોય, પરંતુ એક પણ પ્રક્રિયા પૂર્ણ થઈ શકી નથી.
પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના તત્કાલિન મુખ્ય ન્યાયાધીશ વી.રામાસ્વામી એવા પ્રથમ ન્યાયાધીશ હતા જેમની સામે મહાભિયોગની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. 1991 માં, લોકસભામાં મહાભિયોગ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો, પરંતુ પ્રસ્તાવ જરૂરી બે-તૃતીયાંશ બહુમતી મેળવવામાં નિષ્ફળ ગયો હતો.
2011માં કલકત્તા હાઈકોર્ટના સૌમિત્ર સેન સામે આવેલા મહાભિયોગ પ્રસ્તાવને રાજ્યસભાએ પસાર કર્યો હતો. ઉપલા ગૃહ દ્વારા ગેરવર્તણૂક માટે મહાભિયોગ કરવામાં આવ્યો હોય તેવા તેઓ પ્રથમ ન્યાયાધીશ હતા. જોકે લોકસભામાં મતદાન થાય તે પહેલા જ જજે રાજીનામું આપી દીધું હતું.
2011 માં જ, ગેરવર્તણૂકના આરોપમાં સિક્કિમ હાઈકોર્ટના જસ્ટિસ પીડી ધિનાકરન વિરુદ્ધ શરૂ કરવામાં આવેલી મહાભિયોગ પ્રક્રિયા તપાસ સમિતિની રચના સુધી પહોંચી હતી. જો કે, જસ્ટિસ ધિનાકરનના રાજીનામા પછી, તપાસ સમિતિની નિષ્પક્ષતામાં વિશ્વાસ અને ભરોસાના અભાવને કારણે તેમને દૂર કરવાની પ્રક્રિયા અટકાવી દેવામાં આવી હતી.
2015માં રાજ્યસભાના 58 સભ્યોએ ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ જે.બી.પારડીવાલાની ‘આરક્ષણના મુદ્દા પર વાંધાજનક ટિપ્પણી’ માટે તેમની સામે મહાભિયોગની નોટિસ દાખલ કરવામાં આવી હતી.
2015માં જ મધ્યપ્રદેશ હાઈકોર્ટના જસ્ટિસ એસકે ગંગેલે સામે મહાભિયોગની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જો કે, રાજ્યસભા દ્વારા રચવામાં આવેલી તપાસ સમિતિએ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા અને ન્યાયાધીશને ક્લીનચીટ આપી હતી.
2017માં રાજ્યસભાના સાંસદોએ આંધ્રપ્રદેશ અને તેલંગાણા હાઈકોર્ટના જજ સીવી નાગાર્જુન રેડ્ડી સામે મહાભિયોગની કાર્યવાહી શરૂ કરવાની દરખાસ્ત રજૂ કરી હતી.
માર્ચ 2018 માં, વિરોધ પક્ષોએ તત્કાલિન મુખ્ય ન્યાયાધીશ (CJI) દિપક મિશ્રા સામે મહાભિયોગ પ્રસ્તાવ લાવવા માટેના ડ્રાફ્ટ ઠરાવ પર હસ્તાક્ષર કર્યા હતા.
જસ્ટિસ શેખર કુમાર યાદવનું શું થશે?
લોકસભા અને રાજ્યસભા બંને ગૃહોમાં વિપક્ષ પાસે મહાભિયોગ પ્રસ્તાવ પસાર કરવા માટે પૂરતા સભ્યો નથી. શાસક એનડીએ પાસે બહુમતી છે, તેથી જસ્ટિસ યાદવ સામે મહાભિયોગ પ્રસ્તાવ લાવવામાં આવે તો પણ તે લોકસભા કે રાજ્યસભામાં પસાર થવાની શક્યતા જણાતી નથી.