શ્રી એસ. કે. બોલેના પ્રસ્તાવનો સ્વીકાર કર્યા બાદ બોમ્બે પ્રાંત સરકારે જે આદેશ બહાર પાડ્યો એમાં દરેક સરકારી વિભાગો ના હેડને એવો નિર્દેશ આપવામાં આવ્યો હતો કે, ”બોમ્બે લેજીસ્લેટીવ કાઉન્સિલના ઠરાવના સ્વીકારના અનુસંધાનમાં બોમ્બે સરકાર દરેક ઓફિસના હેડને એવો નિર્દેશ આપે છે કે જે જાહેર સ્થળો અને સંસ્થાઓનો સંબંધ સરકાર સાથે છે અથવા સરકાર દ્વારા ચલાવવામાં આવી રહી છે તે દરેક જગ્યાએ આ ઠરાવનો અમલ કરાવવો.” આ ઉપરાંત બધા જ કલેક્ટર્સને વિનંતી કરવામાં આવે છે કે તે તેમના અધિકાર ક્ષેત્રમાં આવતી બધી જ સ્થાનિક જાહેર સંસ્થાઓને જણાવે કે તેમને જ્યાં પણ સંબંધિત છે ત્યાં આ ઠરાવનો અમલ કરાવડાવે જે અનિવાર્ય અને ઈચ્છનીય છે. બોમ્બે ઈમ્પ્રુવમેન્ટ ટ્રસ્ટના અધ્યક્ષ અને બોમ્બે મ્યુનિસિપલ કમિશનરને પણ તેમના નિયંત્રણ હેઠળની સંસ્થાઓમાં આ ઠરાવના પ્રાવધાનોનો અમલ કરાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો.
ડૉ. આંબેડકર એવું વિચારતા હતા કે સ્વ-પ્રયત્ન વગર અસ્પૃશ્યો સ્વમાન ક્યારેય મેળવી શકશે નહીં. કચડાયેલા, દબાયેલા, અસ્પૃશ્ય વર્ગોએ પોતાનાં ઉત્થાન અને માનવીય અધિકારો માટે સ્વબળે જ આગળ આવવુ પડશે. શ્રી એસ. કે. બોલેના પ્રસ્તાવ નાં અમલના આદેશ બાદની સ્થિતિ ઉપર ડૉ. આંબેડકર સતત ધ્યાન રાખતા હતા.
ડૉ. આંબેડકરના મત મુજબ પુનર્લગ્ન, વિધવા વિવાહ, મહિલાઓનો મિલકતમાં હિસ્સો, મહિલાઓમાં શિક્ષણનો પ્રસાર, બાળવિવાહ નાબુદી તથા અન્ય સામાજિક બદીઓ સામે જેવી રીતે સામાજિક સુધારણાની ચળવળ જેમ રાનડે અને એમની સોશ્યલ કોન્ફરન્સે ચલાવી હતી એવી જ રીતે જાતિપ્રથા નાબુદ કરવા તથા સમાનતાના પાયા પર હિંદુ સમાજનું પુનર્ગઠન થાય એ માટે ચળવળ ચલાવવી જોઈએ.
ડૉ. આંબેડકરે અસ્પૃશ્યતાના રોગનું નિદાન સચોટ રીતે કર્યું હતુ. તેઓ એ કુદરતી સિદ્ધાંત પર અખુટ વિશ્વાસ ધરાવતા હતા કે સ્વ-પ્રયત્ન, સ્વ-સહાય એ જ સૌથી શ્રેષ્ઠ સહાય છે. તેઓ એ સત્યને સૂપેરે જાણતા હતા કે જ્યાં સુધી પીડિત પોતાની સાથે થતા અન્યાયને સ્વયં જ હિંમત અને મહેનતથી દૂર ના કરે ત્યાં સુધી દૂર થતો નથી જ. જ્યાં સુધી ગુલામ પોતાની અંત:ચેતના ના જગાવે, ઘૃણાના અહેસાસને ઘૃણાથી ભસ્મીભૂત નહીં કરે ત્યાં સુધી તેની મુક્તિની કોઈ જ આશા નથી હોતી.
ડૉ. આંબેડકરે અસ્પૃશ્યોને તેમના પોતાના ઉત્થાન અને ઉન્નતિ માટેના માત્ર જાગૃત કર્યાં પરંતુ સાથે સાથે લડવા માટે પણ તૈયાર અને પ્રોત્સાહિત કર્યાં. સ્વ-સહાય, સ્વ-ઉન્નતિ, સ્વ-ઉત્થાન અને આત્મસન્માન એ જ ઉન્નત સામાજિકના પ્રતિકો છે. સ્વ-સહાય, સ્વ-ઉત્થાન અને આત્મસન્માન માટેની જાગૃતિ એ ડૉ. આંબેડકરનું એવુ ત્રિશૂળ હતુ જેના દ્વારા તેમણે અસ્પૃશ્યોને આગળ આવીને હિંમતપૂર્વક સામનો કરવા પ્રોત્સાહિત કર્યાં.
ગેરીબાલ્ડી એ પોતાના અનુયાયીઓને કહ્યું હતું કે, ”I do not promise you ease, I do not promise you comfort but I do promise you these : hardship weariness, and suffering, and with them, I promise victory.”
ડૉ. આંબેડકર અનોખી રીતે પોતાના કાર્યકર્તાઓ તથા અનુયાયીઓને માનસિક રીતે મજબૂત બનાવવાના પ્રયત્નો કરતા. ક્યારેક સમજાવટથી, ક્યારેક સમજીને, હંમેશા સાંભળીને અને સંભાળીને બધાનું મનોબળ, સાહસ સ્થિર થાય એનું ધ્યાન રાખતા.
અહીં ડૉ. આંબેડકરે આપેલું પ્રસિદ્ધ, ઐતિહાસિક અને બહુપારિમાણીક તથા ક્રાંતિકારી સૂત્રને યાદ કરવું જોઈએ જે હંમેશા પ્રસ્તુત છે. ”ગુલામને જણાવી દો કે તે ગુલામ છે અને તે ક્રાંતિ કરી ઉઠશે.”
ક્રમશ: