- આંબેડકર લંડનથી ભારત પર ફર્યા
- પોતાનો મહાનિબંધ ચતુરાઈપૂર્વક પૂર્ણ કર્યો
- સહમત નહોતાં છતાં પ્રાધ્યાપક એડવર્ડ કેનને ડૉ. આંબેડકરને સન્માન આપ્યું
“લોખંડી મનોબળ, વિજિગીષુ બૌદ્ધિક ક્ષમતા અને અથક પરિશ્રમ આખરે પ્રચંડ વિજય ની પ્રાપ્તિ કરાવે જ છે.”
એપ્રિલ, 1923 માં પોતાનો મહાનિબંધ ફરીથી લખીને યુનિવર્સિટી ઓફ લંડનમાં રજૂ કરવાનાં દ્રઢ નિર્ધાર સાથે ભીમરાવ આંબેડકર લંડન થી ભારત પર ફર્યા.
એક વખત નિશ્ચિત કર્યાં બાદ કાર્યને તેના લક્ષ્ય સુધી પહોંચાડવાનો જન્મગત સ્વભાવ ધરાવતા ભીમરાવ આંબેડકરે ભારત આવતાવેંત પોતાના મહાનિબંધ “ધ પ્રોબ્લેમ ઓફ ધ રૂપી” ફરીથી લખવાનો પરિશ્રમ આરંભી દીધો. પોતાના મહાનિબંધને ફરીથી લખતાં ભીમરાવ આંબેડકરે ખુબ જ ચતુરાઈ અને બૌદ્ધિક ક્ષમતાના દર્શન કરાવ્યા કે જે બ્રિટિશ સામ્રાજ્યવાદી એક્ઝામિનર્સે પહેલા ફરીથી લખવાનું કહી ભીમરાવ આંબેડકરને હતોત્સાહ કરવાનો પ્રયાસ કર્યો હતો તે એક્ઝામિનર્સે મહાનિબંધ સ્વીકાર કર્યો અને લંડન યુનિવર્સિટીએ ભીમરાવ આંબેડકરને ‘ડૉક્ટર ઓફ સાયન્સ’ ની ડીગ્રી એનાયત કરી.
જીવનનો આ એવો પડાવ હતો, આ એવી સફળતા પ્રાપ્ત થઈ હતી જેનાથી ભીમરાવ આંબેડકર વિશ્વ પ્રસિદ્ધ થવાના હતા. હવેથી ભીમરાવ આંબેડકર માત્ર ભીમરાવ આંબેડકર નહોતા પરંતુ ડૉ. ભીમરાવ રામજી આંબેડકર હતા.
લંડનના શૈક્ષણિક જગતમાં ડૉ. આંબેડકરના મહાનિબંધનો પ્રસાર ત્યારે સુંદર રીતે થયો જ્યારે ડિસેમ્બર, 1923માં મેસર્સ પી. એસ. કિંગ્સ એન્ડ સન્સ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો. આ પુસ્તક લોકો સમક્ષ રજુ કરવાનું કાર્ય ડૉ. આંબેડકરના પ્રબુદ્ધ શિક્ષક પ્રા. એડવર્ડ કેનને કર્યું. પ્રાધ્યાપક એડવર્ડ કેનન ડૉ. આંબેડકરના મહાનિબંધમાં કરવામાં આવેલી ઘણી ટીપ્પણી, આલોચનાઓથી સહમત નહોતા છતા પ્રાધ્યાપક એડવર્ડ કેનને ડૉ. આંબેડકરને “અર્થશાસ્ત્રની દુનિયામાં તેમના વિચારપ્રેરક, તાજગીસભર વિચારો અને કારણોના ઉદ્ગાતા” તરીકે સન્માન આપ્યું. ભારતીય સંસ્કાર અને સંસ્કૃતિથી સજ્જ ડૉ. ભીમરાવ આંબેડકરે પોતાનું આ પુસ્તક પોતાના માતા-ભીમાબાઈ અને પિતા- રામજી સકપાલને અર્પણ કર્યું.
એ સાચુ જ હતું કે ઉદ્યોગોમાં થઈ રહેલાં યાંત્રીકરણને કારણે ભારતમાં જ નહીં પરંતુ સમસ્ત વિશ્વમાં દબાયેલા કચડાયેલા વર્ગમાં આર્થિક સ્થિતિ અને સામાજિક સુધારણાનો દોર ચાલુ થયો હતો. ભારતમાં પણ ખાસ કરીને કાપડની મિલોમાં નોકરી મળવાને કારણે ભારતનાં દબાયેલા, કચડાયેલા, અસ્પૃશ્ય વર્ગની આર્થિક સ્થિતિમાં સકારાત્મક પરિવર્તનનો પવન ફૂંકાયો હતો સાથે સાથે એકતા, સંગઠન અને નવા વિચારોની લહેર પ્રસરી હતી. બીજી બાજુ એક વરવી વાસ્તવિકતા એ પણ હતી કે ભારતમાં દબાયેલા, કચડાયેલા, અસ્પૃશ્ય વર્ગની તકલીફો, મુસિબતો ઓછી થવાનું નામ જ નહોતી લઈ રહી. ડગલે ને પગલે અપમાન, અવહેલના, ગુલામ જેવો વ્યવહાર, પ્રતાડન, સ્વમાનનું હનન, જેવા વ્યવહાર તેમનું સ્વાગત કરવા તત્પર ઊભા રહેલાં જોવા મળતા હતા.
ક્રમશઃ