સમાજિક જીવનમાં એકત્વ, બંધુત્વની ભાવના નિર્માણ થવાની સંભાવનામાં સૌથી મોટી સમસ્યા, અડચણ ઉભી કરતું તત્વ હતું તો તે જાતિ-જ્ઞાતિઓ વચ્ચેનો અમાનવીય વર્તન દર્શાવતો ભેદભાવ જેનું આત્યંતિક અને જધન્ય સ્વરૂપ એટલે અસ્પૃશ્યતા. જાતિ-જ્ઞાતિઓ વચ્ચેના ભેદભાવથી સદીઓથી ઘર કરી ગયેલી અસ્પૃશ્યતા જ અસ્પૃશ્યોની દરિદ્રતા અને દુઃખો માટે કારણભૂત છે. તેમાં પણ સમાન તકોને જરાક પણ અસ્તિત્વ નથી દેખાતુ. અસ્પૃશ્યોના મનમાં ઘર કરી ગયેલી અસ્પૃશ્યતાની લઘુતાગ્રંથિ તથા સવર્ણોએ સ્વયં માની લીધેલી તથા અસ્પૃશ્યો પર ઠોકી બેસાડેલી તેમની અભિમાની ઉચ્ચતા, શઠતાપૂર્ણ શ્રેષ્ઠતા તથા ઘમંડી ગુરુતા મહાન ભારતીય સંસ્કૃતિના કલંક જેવી અસ્પૃશ્યતાને નાબુદ કરવા માટે અવરોધરૂપ બનતા હતા. ડૉ. આંબેડકર અસ્પૃશ્યોમાં રહેલી લઘુતાગ્રંથિને તેમનામાં રહેલાં આત્મસન્માનની ભાવનાને જાગૃત કરીને દૂર કરી રહ્યા હતા. તો બીજી તરફ સવર્ણ વર્ગો તરફથી એવા જ સકારાત્મક પ્રતિભાવની અપેક્ષા ફળીભૂત થતી દેખાતી નહોતી છતા આશા ચોક્કસ અમર છે.
ડૉ. આંબેડકરના જીવનનું સૌથી ઉમદા કાર્ય, ઉમદા મિશન હતું જેનો ઉદ્દેશ એવા લાખો લોકોને જે પોતાની આંખોમા ભૂખ અને તરસ ભરીને ગંદા ગોબરા વિસ્તારોની ધૂળમાં પોતાના તુટેલા ફુટેલા ઘરોમાં બધા જ અભાવોમાં જ પોતાનું સતત અપમાનિત કરાતુ જીવન પુરું કરવા મજબુર છે તેમને તેમની આ દારૂણ સ્થિતિમાંથી બહાર કાઢીને દેશની શકિત, તંદુરસ્તી, સંપત્તિ, સન્માન અને સંસ્કૃતિના માનમાં વધારો કરવાનું જ હતું. શું આ ઉમદા મિશન હિંદુત્વનો ભેદભાવ મુક્ત કરી કાયાકલ્પ કરીને તેનાં ભવિષ્યને ઉજ્જવળ કરવાનો, તેને ગ્રહણમુક્ત કરવાનો તથા છેલ્લાં અઢી હજાર વર્ષથી જે ડાઘથી એના ઈતિહાસના પાના દૂષિત થયા હતા તે ડાઘને દૂર કરવાનો ઉમદા હેતુ નહોતો ?
ડૉ. આંબેડકરના આ ઉદ્દાત હેતુઓ જે આખરે દેશહિત તરફ જ લક્ષ્ય ધરાવતા હતા. ડૉ. આંબેડકર પોતાના આ મિશનને કાર્યાન્વિત કરવાના આયોજનમાં વ્યસ્ત બની ગયા હતા. જ્યારે બીજી તરફ શ્રી. એસ. કે. બોલેના પ્રસ્તાવને સ્વીકૃતિ મળી તથા સરકાર તે પ્રસ્તાવના ઠરાવોનું પાલન કરાવવા માટે આદેશો આપીને મથામણો કરી રહી હતી.
અસ્પૃશ્યોના માનવીય અધિકારોના સ્થાપન માટે સરકારના પ્રયાસો ચાલુ હતા, ડૉ. આંબેડકર સામાજિક સ્તરે અસ્પૃશ્યોના માનસને હિંમત, આત્મવિશ્વાસ અને સાહસ આપવાના કાર્યમાં લાગી ગયા હતા ત્યારે એક ત્રીજુ પરિમાણ હતુ રાજકીય પરિમાણ અને ભારતના રાજકીય વિશ્વમાં 1923 ના વર્ષાંતે જ એક નોંધપાત્ર ઘટના આકાર લઈ રહી હતી. પોતાના “બીનસાંપ્રદાયિક” વિચારોને પ્રદર્શિત કરતા ભારતના અસ્પૃશ્યો, કચડાયેલા, દબાયેલા વર્ગોને સરખે હિસ્સે હિંદુ અને મુસ્લિમમાં વહેંચી દેવા જોઈએ એવું જાહેરમાં બયાન કરનારા મૌલાના મોહમ્મદ અલી તત્કાલીન ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ બનવાનું નક્કી થયુ હતું. મદ્રાસમાં યાકુબ હુસૈને તો ગાંધીજીની હાજરીમાં એવું કહ્યું કે, કચડાયેલા, દબાયેલા, અસ્પૃશ્ય વર્ગોને ઈસ્લામ ધર્મમાં ધર્માંતરણ કરાવવાની ભારતીય મુસ્લિમોની ફરજ છે.
સમયનું ચક્ર અટક્યા વગર ઘટનાઓને પોતાના પટલમાં લેતુ ફર્યાં જ કરતુ હતુ. સરકારી પક્ષની મથામણો, સામાજિક સ્તરે ડૉ. આંબેડકરના આયોજન તથા રાજકીય સ્તરે અસ્પૃશ્યો, દબાયેલા, કચડાયેલા વર્ગોની પાસે રહેલા એકમાત્ર અધિકાર એવા ધર્મનું પાલન કરવાના અધિકારને પણ છીનવી લેવાની ચેષ્ટા કરતા નિવેદન આપતા વ્યક્તિનો ભારતીય રાજકારણના સૌથી મોટી રાજકીય પાર્ટીના અધ્યક્ષ બનવા તરફ પ્રયાણ અસ્પૃશ્યોને ત્રિભેટે આવીને ઊભા હોય એવુ ચિત્ર ઊભુ કરતુ હતું.
કઈ તરફ જતા દબાયેલા, કચડાયેલા, અસ્પૃશ્ય વર્ગોને તેમના માનવીય અધિકારોનું સ્થાપન કરી શકાય એનુ ઝીણવટભરી દ્રષ્ટિએ આકલન કરી ડૉ. આંબેડકરે પોતાના આયોજન તૈયાર કરીને અસ્પૃશ્યોના ઉત્થાન માટેની સામાજિક ચળવળને સંગઠિત સ્વરૂપે ગતિમાન કરવા, પોતાના જીવનના સૌથી ઉમદા મિશન અને હેતુઓ રજૂ કરવાની નેમ સાથે 9મી માર્ચ 1924માં બોમ્બેના દામોદર હૉલમાં એક મીટીંગ બોલાવી.
ક્રમશ: