- ભીમરાવના લખાણોથી લંડનના શૈક્ષણિક જગતમાં ખળભળાટ મચ્યો
- વધુ અભ્યાસ માટે જર્મનીના બૉન પહોંચી ગયા
- એક્ઝામિનર્સે ભીમરાવને મહાનિબંધ ફરીથી લખવા જણાવ્યું
ભારતના અસ્પૃશ્ય, કચડાયેલા, દબાયેલા વર્ગમાં સંગઠિત થવાની ભાવનાઓની સકારાત્મક ઊર્જા ઉભી થઈ હતી. આ ઊર્જાનું એક કારણ વિશ્વ યુદ્ધ દરમિયાન અને બાદમાં શરૂ થયેલા સામાજિક સુધારણાના વિચારો તથા મિલોમાં મળેલી નોકરીને કારણે આ સમુદાયોની આર્થિક સ્થિતિમાં આવેલા પરિવર્તન પણ હતા. અનેક વર્ષોથી દબાવવા, કચડવામાં આવેલા સમુદાયોમાં જીવનના બબ્બે મોરચે અજવાળુ થાય એવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું હતુ.
આ દરમિયાન બીજી તરફ દબાયેલા, કચડાયેલા અસ્પૃશ્ય ગણાતા વર્ગમાં એક અદ્વિતીય સેનાપતિ, અણનમ યોદ્ધા પોતાના શસ્ત્રાસ્ત્ર મેળવવાની સાધનાના આખરી પડાવ પર પહોચ્યા હતા. પોતાના જ્ઞાનશસ્ત્ર, તર્કશસ્ત્ર, અર્થશસ્ત્ર, વિચારશસ્ત્ર ને ધારદાર બનાવવા અથાક પ્રયત્નો કરી રહેલા આ અદ્વિતીય સેનાપતિ, અણનમ યોદ્ધા ભારતના સૌથી શિક્ષિત પૈકી હરોળમાં અગ્રેસર થવાના હતા.
ભીમરાવ રામજી આંબેડકર જે સમય જતા ડૉ. આંબેડકર, ડૉ. બાબાસાહેબ આંબેડકરના નામે માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ઓળખાવાના હતા.
ભીમરાવ આંબેડકર “પ્રોવિન્શિયલ ડિસેન્ટ્રલાઈઝેશન ઓફ ઈમ્પિરીયલ ફાઈનાન્સ ઈન બ્રિટિશ ઇન્ડિયા” નામનો મહાનિબંધ પ્રસ્તુત કરી ને જુન, 1921 માં માસ્ટર ઓફ સાયન્સ ની ડીગ્રી મેળવી ચુક્યા હતા અને ઑક્ટોબર,1922 માં પોતાના પ્રસિદ્ધ મહાનિબંધ ” ધ પ્રોબ્લેમ ઓફ ધ રૂપી” યુનિવર્સિટી ઓફ લંડનમાં રજૂ કરી દીધો હતો. ભીમરાવ નો અભ્યાસ લગભગ પૂર્ણ થવા ઉપર હતો તે જોતા તેમણે યુરોપના વિશ્વ પ્રસિદ્ધ શિક્ષણના કેન્દ્ર સમાન જર્મનીની બૉન યુનિવર્સિટીમાં મે, 1922 માં એડમિશન મેળવવાની ગોઠવણ કરી. થોડાક સમય બાદ બૉન યુનિવર્સિટીમાં એડમીશન મળી જતા વધુ અભ્યાસ માટે જર્મનીના બૉન પહોંચી ગયા.
આંબેડકરને બૉન યુનિવર્સિટીમાં અભ્યાસ શરૂ કર્યે હજુ માંડ ત્રણેક જ મહિના થયા હશે કે યુનિવર્સિટી ઓફ લંડનના એમના પ્રોફેસર એડવર્ડ કેનને માર્ચ, 1923 માં લંડન પરત બોલાવ્યા. ભીમરાવને લંડન પરત બોલાવવાની પાછળ કારણ એ હતું કે ભીમરાવે ખંતપૂર્વક તૈયાર કરીને રજૂ કરેલા મહાનિબંધમાં બ્રિટિશ સામ્રાજ્યવાદી એક્ઝામિનર્સને કેટલાક ઉલ્લેખ બ્રિટિશ સરકારના દ્રષ્ટીકોણથી યોગ્ય નહોતા જણાયા અને એ એક્ઝામિનર્સે ભીમરાવને મહાનિબંધના નિષ્કર્ષો બદલ્યા વગર ફરીથી લખવા જણાવ્યું હતું.
જોકે, ભીમરાવના લખાણોથી લંડનના શૈક્ષણિક જગતમાં ખળભળાટ મચ્યો હોય એવું પ્રથમ વખત નહોતુ બન્યુ, આ બન્યાના થોડા દિવસ પહેલા જ્યારે ત્યાંના વિદ્યાર્થી સંઘ સમક્ષ પોતાના પેપર જેનું નામ ” રિસ્પોન્સિબિલિટીઝ ઓફ રિસ્પોન્સિબલ ગવર્નન્સ ઈન ઈન્ડિયા” વાંચ્યા ત્યારે પણ ત્યાંના શૈક્ષણિક જગતમાં હલચલ મચી જવા પામી હતી અને ભીમરાવને ભારતીય ક્રાંતિકારી વિચારોના ગણવામાં આવ્યા હતા. એટલું જ નહીં પરંતુ પ્રોફેસર હેરાલ્ડ જે. લસ્કીએ તો ત્યાં સુધી કહ્યું હતુ કે, ” પેપર માં રજૂ થયેલ વિચારો નિ:શંકપણે ક્રાંતિકારી હોવાનો નિર્દેશ કરે છે.”
પરંતુ, ભીમરાવ આંબેડકરની આર્થિક સ્થિતિ એવી નહોતી રહી કે લંડનમાં રહીને પોતાનો મહાનિબંધ ફરી લખી શકે. અહીં ભારતમાં એમના પરિવારની સ્થિતિ પણ લગભગ એવી જ હતી. લંડનમાં કેટલાક પુસ્તકો ખરીદવા માટે કરકસરયુક્ત જીવન અને અભ્યાસથી ભીમરાવ આંબેડકરે કેટલાક રૂપિયા બચાવ્યા હતા.
અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તથા પોતાના મહાનિબંધને ફરીથી લખીને યુનિવર્સિટી માં રજૂ કરવાના નિશ્ચય સાથે ભીમરાવ આંબેડકર એપ્રિલ, 1923 માં બોમ્બે, ભારત પરત ફર્યા.
ક્રમશઃ