ખ્યાતિ હોસ્પિટલમાં બે વ્યક્તિના મૃત્યુ બાદ પ્રધાનમંત્રી જનઆયોગ્ય યોજના (PMJAY) યોજનામાં નાણાં પડાવવાના ખેલના આરોપો મુકાઈ રહ્યા છે, ગુજરાતમાં પીએમજેએવાય (PMJAY) માં ગોલમાલ ચાલી રહી છે, પીએમજેએવાય (PMJAY) યોજનામાં નાણાં પડાવવાના આ ખેલમાં ગુજરાતની આશરે 302 હોસ્પિટલો સંકળાયેલી છે, પીએમજેએવાય (PMJAY) યોજનાને લઈ કેગે જે છેલ્લો રિપોર્ટ બહાર પાડયો હતો તેમાં એવો ઘટસ્ફોટ થયો છે કે, હોસ્પિટલોએ કેટલાક દર્દીના મોત પછીયે મૃતદેહની સારવાર કરીને નાણાં ખંખેર્યા છે, 13,860 માનવ શરીર ઉપર એક જ સમયે બે હોસ્પિટલમાં સર્જરી કરાયાનો કેગે દાવો કર્યો છે. આ પ્રકારની ગોલમાલમાં ગુજરાત સમગ્ર દેશમાં પહેલાં નંબરે છે.
ગુજરાતમાં 13,860 દર્દી એવા હતા જે પહેલેથી કોઈ એક હોસ્પિટલમાં દાખલ હતા, અલબત્ત આ જ અરસામાં એ જ દર્દીએ બીજી હોસ્પિટલમાં પણ પ્રવેશ મેળવ્યો હતો, એક જ માનવ શરીર એ જ સમયે અલગ અલગ હોસ્પિટલમાં કઈ રીતે હોઈ શકે? આમ એક જ દર્દીના નામે બીજી હોસ્પિટલે પણ નાણાં ખંખેર્યા છે. આવા કિસ્સામાં સરકારે શું કાર્યવાહી કરી તે જાહેર કરાતું નથી. જુલાઈ 2020ના અરસામાં આયુષ્યમાન યોજનાની સિસ્ટમે હોસ્પિટલમાં જે દર્દી હતા તેને બીજી હોસ્પિટલમાં પ્રવેશ લેતા રોક્યા નહોતા. નેશનલ હેલ્થ ઓથોરિટીએ પણ આ ગોલમાલ સ્વીકારી હતી. સરકારે આ મામલે કેગ સમક્ષ બચાવ કર્યો હતો કે, હોસ્પિટલમાં બાળક જન્મે એવા કેસમાં માતા એ જ હોસ્પિટલમાં હોય પણ નવજાતની સારવાર માટે બીજી હોસ્પિટલમાં દાખલ કરાય તો એ સ્થિતિમાં માતાનો પીએમજેએવાય કાર્ડ વપરાયો હોઈ શકે, ગુજરાતમાં ૪૭ મૃતકોની સારવાર સંબંધિત 51 દાવા રજૂ કરાયા હતા, જેમાં 17.91 લાખથી વધુ રકમ હોસ્પિટલોને ચૂકતે કરાઈ હતી. હોસ્પિટલમાં બેડની સંખ્યા કરતા વધુ પ્રમાણમાં દર્દી હોવાની ધુપ્પલ સામે આવી હતી, જેમ કે પપ બેડની હોસ્પિટલમાં 240 દર્દી હતા. ડેથ સમરી રિપોર્ટ અને મૃત્યુના ઓડિટ રિપોર્ટ વિના પણ હોસ્પિટલોને બારોબાર નાણાંની ચુકવણી કરવામાં આવી હતી. ગુજરાતમાં ૧૫૪૭ મોતના કિસ્સામાં કોઈ પણ પ્રકારના રિપોર્ટ નહોતા.