કિશોર મકવાણા
– ભારતના ભાગલા કેવી રીતે થયા ?
– ભાગલા માટે કોણ જવાબદાર ?
– કોણે કોણે વિલનની ભૂમિકા ભજવી ?
સ્વતંત્રતા આંદોલન અને ભારતને ભાગલા તરફ દોરી ગયેલી ઘટનાઓનો ઇતિહાસ આપ દર સોમવાર, બુધવાર અને શુક્રવારે devlipinews.con પર વાંચો…
ડૉ. બાબાસાહેબ આંબેડકર, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ અને હો. વે. શેષાદ્રિ જેવાની સમર્થ કલમે લખાયેલા અધિકૃત પુસ્તકોનો આધાર લઈને શ્રી કિશોરભાઈ મકવાણાની કસાયેલી કલમે રસાળ શૈલીમાં શરુ થયેલી આ ઐતિહાસિક લેખમાળા આપ જરુર વાંચો જેથી ઇતિહાસની સાચી હકિકતો જાણી શકશો…
વાંચો લેખમાળાનું પ્રકરણ – 113
સેક્યુલારિઝમે દેશના ભાગલા કરવામાં મહત્વની ભૂમિકા ભજવી
– સેક્યુલારિઝમની જૂઠી આડમાં હિન્દુઓ પર જ બધો દોષનો ટોપલો ઢોળી દેવામાં આવ્યો. છતાં આ દેશ હિન્દુઓનો પોતાનો હતો એટલે એ આ દેશને વિદેશીઓની દાસતામાંથી પોતાના દેશને મુક્ત કરવા માટે સંઘર્ષ કરતા રહ્યા. પ્રસિદ્ધ નવલકથાકાર શરદચંદ્ર ચેટરજીએ લખ્યું છે કે સ્વાધીનતા – સંગ્રામમાં હિન્દુઓની ભૂમિકા કેવી હોવી જોઈએ ?
– અંગ્રેજો અને ભાગલાવાદી મુસલમાનો- બંનેના પડકારોનો સામનો કરવા માટે હિન્દુઓમાં પૌરુષ, શૌર્ય, સંગઠન અને શક્તિ જેવા ગુણોને જગાડવાની જરૂર હતી. કૉંગ્રેસ રાષ્ટ્રીય શક્તિના આ મૂળ મંત્રને ઓળખવામાં તો થાપ ખાઈ જ ગઈ, સાથે – સાથે તે મુસ્લિમ – સમર્થનના મૃગજળ પાછળ ભટકતી રહી. તેણે માત્ર સાચી રાષ્ટ્રીય શક્તિની સંપૂર્ણ ઉપેક્ષા જ ન કરી, પરંતુ તેના પર કુઠારાઘાત પણ કર્યા.
કૉંગ્રેસ સેક્યુલારિઝમના નામે મુસ્લિમ અલગતાવાદને ખાતર પાણી આપતી રહી. સેક્યુલર એને જ કહેવાય જે મુસ્લિમોનું તુષ્ટિકરણ કરે ! પરિણામે કૉંગ્રેસ ‘હિન્દુ – મુસ્લિમ એક્તા’ની ખતરનાક ભ્રામક કલ્પના પાછળ ભાગતી રહી. તેના લીધે દેશે ભારે કિંમત ચૂકવવી પડી. ‘હિન્દુ’ શબ્દ પર કોમવાદનો સિક્કો લગાવી દેવામાં આવ્યો. તેની ગૌરવપૂર્ણ ઐતિહાસિક સ્મૃતિઓને અંધારા ખૂણામાં ફેંકી દેવામાં આવી. ભગવા રાષ્ટ્રધ્વજને બદનામ કરી દેવામાં આવ્યો. પરિણામે તેનું સ્થાન તિરંગાએ લીધું. ‘વંદે માતરમ્’ કોઇપણ સાચા ભારતીયના અંતરમનને ઝંકૃત કરતું હતું. આથી આ ગીતની છટણી કરી નાખી તેને ખંડિત કરી નાખ્યું. રાષ્ટ્રભાષા હિન્દીની પણ એવી જ દુર્દશા થઈ. તોફાનો સમયે પણ આ જ સ્થિતિ રહી. એક તરફ મુસલમાનો ‘જેહાદ’ની ઘોષણા કરી ભયાનક અત્યાચાર કરતા હતા ત્યારે અંગ્રેજ સરકાર તમાશો જોઈ રહી હતી. બીજી તરફ હિન્દુઓ હતા. કૉંગ્રેસના નેતા તેમને અહિંસાના પાઠ ભણાવતા રહ્યા અને આત્મરક્ષણના તેમના પ્રયત્નોની પણ ટીકા કરતા હતા. આમ, સ્વતંત્રતા સંઘર્ષના કેન્દ્ર સમાન હિન્દુઓને અંગ્રેજો, મુસલમાનો અને કૉંગ્રેસના નેતાઓ ડગલે ને પગલે અપમાનિત કરતા રહ્યા, એમના પર થતા અત્યાચારો સમયે મૌન રહ્યા અથવા જેહાદી મુસ્લિમોને છાવરતા રહ્યા, એટલું જ નહીં સેક્યુલારિઝમની જૂઠી આડમાં હિન્દુઓ પર જ બધો દોષનો ટોપલો ઢોળી દેવામાં આવ્યો. છતાં આ દેશ હિન્દુઓનો પોતાનો હતો એટલે એ આ દેશને વિદેશીઓની દાસતામાંથી પોતાના દેશને મુક્ત કરવા માટે સંઘર્ષ કરતા રહ્યા.
પ્રસિદ્ધ નવલકથાકાર શરદચંદ્ર ચેટરજીએ લખ્યું છે કે સ્વાધીનતા – સંગ્રામમાં હિન્દુઓની ભૂમિકા કેવી હોવી જોઈએ ? તેમણે કહ્યું છે : ‘હિન્દુસ્થાન હિન્દુઓનો દેશ છે. આથી તેને વિદેશી દાસતાના બંધનમાંથી મુક્ત કરાવવાની જવાબદારી પણ તેની જ છે. અહીંના મુસલમાનોએ તો તેમનું મોં આરબ અને તુર્કી તરફ ફેરવી લીધું છે. તેમનું મન હિન્દુસ્થાન સાથે ક્યારેય રહ્યું નથી. આંસુ વહેવડાવવાથી કોઈ લાભ થવાનો નથી… મુસલમાનોની વસ્તીથી આપણે નિરાશ થવાની જરૂર નથી. આ સંસારમાં સંખ્યા જ પરમ સત્ય હોતી નથી… કોઈ પણ દેશના સ્વતંત્રતા – સંગ્રામમાં તે દેશના બધા લોકો ઝઝૂમે છે ? …અમેરિકનો તેમના સ્વતંત્રતા – સંગ્રામમાં કૂદી પડ્યા ત્યારે ત્યાં અડધાથી વધારે લોકો અંગ્રેજોની સાથે હતા. આયરલેન્ડના સ્વતંત્રતા – સંગ્રામમાં કેટલા લોકોએ ખરેખર ભોગ લીધો હતો ? યોગ્ય અને અયોગ્યનો નિર્ણય તો તપસ્યાની તીવ્રતા અથવા એકનિષ્ઠ લગનથી થાય છે.’ અંતમાં એમણે કહ્યું : ‘હિન્દુઓ સામે સમસ્યા કૃત્રિમ એક્તાની પ્રાપ્તિ માટે સાધન અને ઉપાય શોધવાની નથી. તેમની સામે સમસ્યા કઈ રીતે પોતે સંગઠિત થાય તે છે.’ (કે. આર. મલકાણી : ધ આર. આર. એસ. સ્ટોરી, પૃષ્ઠ: 188-189)
ઉપરાંત, ‘હિન્દુ – મુસ્લિમ એક્તા વગર સ્વરાજ્ય નહીં’ નો નારો સ્વતંત્રતા – પ્રેમી હિન્દુઓનું અપમાન નથી ? હિન્દુઓએ તો છેલ્લાં હજારો વર્ષોમાં અનેક આક્રમણકારીઓ સામે સંઘર્ષ કર્યો હતો, તેમને ધૂળ ચાટતા કરી નાખ્યા હતા, આવા હિન્દુઓના પૌરુષને કલંકિત કરવામાં આવ્યું. હિન્દુઓ મુસલમાનોના સહકાર વગર સ્વરાજ્ય મેળવી શકે તેમ નથી એવો ભ્રામક પ્રચાર કરી હિન્દુઓને પણ વારંવાર આવી જ ઘૂટ્ટી પીવરાવવામાં આવી.
ખરેખર તો મુસલમાનોનો સદ્દભાવ મેળવવાના પ્રયત્નોની સાથે –સાથે હિન્દુઓના મનમાં માતૃભૂમિ પ્રત્યે તીવ્ર પ્રેમભાવ જાગૃત કરવાની જરૂર હતી. તેમને પોતાની સાંસ્કૃતિક મહાનતા પર ગર્વ કરતાં શીખવવાની જરૂર હતી. અંગ્રેજો અને મુસલમાનો બંનેના પડકારોનો સામનો કરવા માટે હિન્દુઓમાં પૌરુષ, શૌર્ય, સંગઠન અને શક્તિ જેવા ગુણોને જગાડવાની જરૂર હતી. કૉંગ્રેસ રાષ્ટ્રીય શક્તિના આ મૂળ મંત્રને ઓળખવામાં તો થાપ ખાઈ જ ગઈ, સાથે – સાથે તે મુસ્લિમ – સમર્થનના મૃગજળ પાછળ ભટકતી રહી. તેણે માત્ર સાચી રાષ્ટ્રીય શક્તિની સંપૂર્ણ ઉપેક્ષા જ ન કરી, પરંતુ તેના પર કુઠારાઘા પણ કર્યા. તેના પરિણામે મુસ્લિમ લીગે અંતિમ તબક્કામાં કૉંગ્રેસની સામે હિંસા અને લોહિયાળ આતંક મચાવ્યો ત્યારે તે તદ્દન પાંગળી – અશક્ત બની ગઈ અને તેણે પાકિસ્તાનની માગણી આગળ ઘૂંટણ ટેકવી દીધા.
ગાંધીજીએ અદ્દભુત કાર્ય કર્યું હતું. તેમાં શંકાને સ્થાન નથી. તેમણે સ્વાધીનતાની તરફેણમાં લોકમત તૈયાર કર્યો. લોકમાનસને જગાડ્યું. તેમણે વિદેશી શાસનના વિરોધનો નારો લગાવ્યો. રાષ્ટ્ર-હિત માટે બલિદાન આપવા આહવાન કર્યું. લાખો-કરોડો લોકોએ તેમના આ આહવાનનું પ્રચંડ સ્વાગત કર્યું. તેમને સંઘર્ષના બીજા અને ત્રીજા તબક્કામાં પણ આંદોલન કરવામાં અને લોકોને એકઠા કરી ગતિશીલ કરવામાં સફળતા મળી, પરંતુ તે ઉત્સાહ થોડાક અઠવાડિયા અથવા થોડાક મહિના સુધી જ ટક્યો. લોકોની સમગ્ર ભાવનાઓ અને ઉત્સાહ આંદોલનમાં જ સમાપ્ત થઈ ગયો. આથી નિર્ણાયક તબક્કામાં લોકભાવનાઓ અને શક્તિને રચનાત્મક વળાંક આપવાની જરૂર હતી, તેમાં યોગ્ય પ્રકારના રાષ્ટ્રીય આદર્શો જગાડવાની જરૂર હતી, પરંતુ આ મહત્વનું કાર્ય થયું જ નહીં. આ એક ગંભીર ભૂલ હતી. તેના કારણે આંદોલન ઝડપથી ઠંડું પડી ગયું. પરિણામ સ્વરૂપ ભયંકર રીતે શૂન્યાવકાશ સર્જાયો. આ ગંભીર ત્રુટિના કારણે 1942 નું આંદોલન બહુ ખરાબ રીતે નિષ્ફળ ગયુ. ગાંધીજીએ અંગ્રેજોને હાંકી કાઢવા માટે તેને પોતાનું અંતિમ શસ્ત્ર બનાવ્યું, પરંતુ તે નિષ્ફળ રહ્યા.
મહાન રાષ્ટ્રીય આંદોલન અને તેનું નેતૃત્વ – રાષ્ટ્રભક્તથી છલોછલ, માતૃભૂમિ પ્રત્યે પ્રગાઢ આસ્થા, દ્રઢ ઇચ્છા શક્તિ, અનુશાસનબદ્ધ અને નિ:સ્વાર્થ હોય એ જરુરી છે અને તો જ કોઇપણ આંદોલન સફળ થઇ શકે છે. કોન્ગ્રેસમાં આવા તમામ ગુણોનો અભાવ હતો. એક બીજું પણ કારણ હતું. અંગ્રેજો અહીંથી જાય એ પહેલાં જ રાષ્ટ્રીય નેતાઓ અશક્ત, માનસિક રીતે માયકાંગલા અને બેચેન બની ગયા હતા. અંતિમ સમયે આ લોકો ભાગલા માટે રઘવાયા બની ગયા.
ડૉ. રામમનોહર લોહિયાના આ પીડા આવી રીતે વ્યક્ત કરે છે : ‘તોફાનગ્રસ્ત સ્થિતિમાં કામ કરનારા એક જર્જરિત નેતૃત્વે ભાગલાને જન્મ આપ્યો – આ સીધી સાદી વાતમાં જરાય શંકાને સ્થાન નથી. ધ્યેયવાદી અને તરુણ લોકો ભારત અને પાકિસ્તાન તરીકેના હિન્દુસ્થાનના ભાગલાને રોકી શક્યા હોત.’ (રામમનોહર લોહિયા : ધ ગિલ્ટી મેન ઓફ ઈન્ડિયાઝ પાર્ટીશન, પૃષ્ઠ: 37)
રામમનોહર લોહિયાએ એ વાતનો પણ ખેદ વ્યક્ત કર્યો છે કે આ નિર્ણાયક ઘડીમાં બધા વેરવિખેર રહ્યા. તેમણે કહ્યું છે : ‘આજે મને એ વાતે ખૂબ ઊંડું દુઃખ થઈ રહ્યું છે કે – આપણા મહાન દેશના ભાગલા થયા છતાં પણ કોઈ વ્યક્તિએ પોતાના પ્રાણનું બલિદાન ન આપ્યું કે ન તો કોઈ જેલમાં ગયું. ભારતના ભાગલા થયા છતાં મેં પોતે પણ જેલમાં જવાની જરાય ચેષ્ટા કરી નહીં એનું મને ખૂબ દુઃખ છે. હિન્દુ – મુસ્લિમ બળવાની ભયાનકતાની જુઠ્ઠી આશંકાએ મને આંધળો બનાવી નાખ્યો. તેને કારણે હું મારા જીવનની અને દેશના વર્તમાન ઈતિહાસની અત્યંત નિર્ણાયક ઘડીમાં આપણી આસ્થાનો સાક્ષી પણ બની શક્યો નહીં. બીજાની હાલત પણ આવી જ થઈ. નેતાઓની તો આનાથી પણ ખરાબ અધોગતિ થઈ. તે લાલચના ગાળિયામાં ફસાઈ ગયા.’ (રામમનોહર લોહિયા : ધ ગિલ્ટી મેન ઓફ ઈન્ડિયાઝ પાર્ટીશન, પૃષ્ઠ: 36) કૉંગ્રેસના નેતા પં. નહેરુએ પણ આવી જ હતાશા વ્યક્ત કરી છે.
|ક્રમશઃ|
– © કિશોર મકવાણા