પાટણના પટોળા, જામનગરની બાંધણી, ઢાકાની મલમલ, ઉપરાંત ભારતનાં લગભગ દરેક રાજ્યમાં પોતાના વણાટકામથી અલગ ઓળખ ઊભી કરનાર અને એ દરેક કલા કારીગરીના શ્રેષ્ઠ નમુનાની વૈશ્વિક ઓળખ ઊભી કરનાર એટલે જ વણકર. વણકરની ગૌરવશાળી સિદ્ધિઓ, સંસ્કાર, પ્રભાવ અને જાહોજલાલીના ઐતિહાસિક અને દસ્તાવેજી પુરાવા ઉપલબ્ધ છે.
ભારતના વણકરોએ એમની વણાટકલા દ્વારા સદીઓથી સમગ્ર વિશ્વમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. મહર્ષિ ગુત્સમદે વણાટકામની ગાણિતિક પદ્ધતિની સમજણ ઉભી કર્યાં બાદ વણકરોએ પોતાની આગવી કોઠાસૂઝ તથા ઝીણવટપૂર્વક અભ્યાસ તથા ધીરજથી સ્વબળે વણાટકામની પરંપરાને ભવ્યતાથી આગળ વધારી છે એટલું જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધિ મેળવી ભારત ની ઓળખાણ વિશ્વ ને કરાવી છે. ભારતનાં વણકરો નાં વણાટકામ ની સુગંધ મેસેપોટેમિયા આજનું ઈરાક, ગ્રીસ, જેવી પુરાતન કાળની પ્રગત અને આગળ પડતી સંસ્કૃતિઓ સુધી ફેલાયેલી હતી. ઈ.સ. પૂર્વે 800 થી 300ના ગાળામાં વણાટકામની ભવ્યતાનો પાયો નંખાયો હશે એવુ માનવુ વધુ પડતુ નહી જ ગણાય. અગાઉના સમયમાં વણાટકામ લગભગ દરેકને સાધ્ય હતું દરેક પોતાની જરૂરિયાત પુરતુ કાપડ વણવા સક્ષમ હતા ત્યારે ઈ.સ. પૂર્વે 800 થી 300ના એ નૂતન પાષાણ યુગના સમયગાળા દરમિયાન વણકરોએ પોતાના પુરતુ જ કે પોતાના ગામ કે ગ્રાહક પુરતુ કાપડ વણવાની પરંપરાથી આગળ વધીને કાપડનો વ્યવસાયિક ઉપયોગ કરી વધુ ઉત્પાદન કરવાનો નિર્ણય કર્યો હોવો જોઈએ. આ વાત એટલે જ સાચી માનવી જોઈએ કારણ કે મૌર્યકાળમાં ભારત આવેલાં ગ્રીક ઈતિહાસકાર મેગસ્થનિસ પોતાના ગ્રંથ ” ધ ઈન્ડિકા” માં ભારતીય વણકરોનો, એમની કાપડ વણવાની કલા તથા ઝીણવટપૂર્વક ની કારીગરીનો ઉલ્લેખ કર્યો છે. ગ્રીક ઈતિહાસકાર મેગસ્થનિસ પોતાના ગ્રંથમાં નોંધે છે કે એ વખતે વણકરોના “સંઘ” હતા અર્થાત્ એ વખતે વણકરો સંગઠિત અને એકજૂટ થઈને રહેતાં હતા. વણકરોના આ સંઘોનું તત્કાલીન સમાજમાં ઘણું પ્રભૂત્વ પણ જોવા મળતુ હતુ. મૌર્ય કાળના વિશ્વપ્રસિદ્ધ અર્થશાસ્ત્રી કૌટિલ્ય વણકરો ને “તંતુવાયકો” તરીકે ઉલ્લેખ તથા સંબોધન કરે છે. કૌટિલ્ય એ લખ્યું છે કે તંતુવાયકો એ 40 તોલા સુતર લઈને તેના ઉપર કાંજી (ખેડ) ચઢાવીને કાપડ વણી આપવું, વણેલુ કાપડ 44 તોલા થવું જોઈએ, જો નક્કી કરવામાં આવેલા પ્રમાણ કરતા કાપડ વણવામાં ઘટ પડે તો ઘટના પ્રમાણ થી બમણો દંડ કરવામાં આવતો. વણકરોને વણાટકામ કરાવવા માટે કેટલું શુલ્ક આપવું જોઈએ એ વિશે કૌટિલ્ય સ્પષ્ટતાથી વર્ણન કરે છે કે વણાટકામની મજુરી સુતરની કિંમત જેટલી આપવાની રહેશે. વણકરને જેટલું કાપડ વણવા માટે આપવામાં આવે તેટલું જ વણવાનુ રહેતુ એના કરતા ઓછું કાપડ વણાયુ હોય તો તેટલા પ્રમાણમાં ઓછી મજુરી આપવામાં આવતી તથા આગળ જણાવ્યું તેમ દંડ કરવામાં આવતો. વણાયેલું કાપડ વજનમાં ઓછુ થાય અથવા સુતર બદલી લઈને, આપેલા સુતર કરતા ઉતરતી ગુણવત્તાનું સુતર ઉપયોગ કરી કાપડ વણી આપવામાં આવે એટલે કે અસલ સુતરની ઉચાપત કરે, ગ્રાહક સાથે છેતરપિંડી કરે, સુતર બીજા કોઈને વેચી દે અથવા કાચુ સુતર લઈને કાપડ આપ્યા વગર ફરાર થઈ જાય તો એવા ગુનેગારનો અંગુઠો કાપવો એવા દંડની જોગવાઇ કરવામાં આવી હતી. આ પ્રકારની દંડની જોગવાઇ હોવા છતા ક્યારેય દંડ કરવામાં આવ્યો હોય એવો કોઈ જ બનાવ ઇતિહાસના પૃષ્ઠો પર અંકિત નથી દેખાતો એ પરથી એવું ચોક્કસ માનવાનું કારણ છે કે વણકરના ગૌરવવંતા સંસ્કાર પ્રામાણિકતાના છે. આગળ જોયુ તેમ વણકરોના સંઘો હતા અને હમણા જોયુ કે વણકરને સજા થઈ હોય એવો પ્રસંગ ઈતિહાસમાં નથી આ તથ્ય એ બાબતની ગવાહી આપે છે કે વણકરોનો ઈતિહાસ એટલે વણકર પ્રાચીન કાળથી જ એક અને નેક હતાં.
વણકરોમાં પણ વણાટકામની આવડત, ગુણવત્તાને આધારે વર્ણન કરાતુ જેમકે પ્રાચીન કાળમાં કાચુ કાપડ વણનારા વણકરો ની ઓળખાણ માટે “કાચુ” શબ્દ વપરાતો તથા ઝીણી કારીગરી સાથે ઝીણુ વણનારા વણકરોને “શિલ્પી” તરીકે ઓળખવામાં આવતા હતાં પરંતુ “કાચુ” અને “શિલ્પી” વચ્ચે કોઈ જ જુદાપણુ નહોતુ. વણાટકામની શરૂઆતની તાલીમ હોય એટલે કાચુ વણાટકામ આવડે છે એવુ ગણાય જે ધીમે ધીમે પોતાની આવડતને વધારતાં વધારતા શિલ્પી કહેવાતાં.
મૌર્ય વંશ બાદ ભારતીય ઈતિહાસના મહત્વના ગણાતો સમયગાળો એટલે અનુગુપ્ત સમયગાળો. અનુગુપ્ત સમયગાળા દરમિયાન વણકરો તથા એમના વ્યવસાય અંગેની નોંધો અંકિત છે. જેમકે ઈ.સ. 1017 માં જ્યારે ભારત ઉપર મહંમદ ગઝની ચઢી આવ્યો ત્યારે એની સાથે આવેલા અલ બુરુની એ તેની નોંધપોથીમાં વણકરોને ઉત્તમ સંસ્કાર ધરાવતા સમૂહ તરીકે ઓળખાવ્યા છે. ગુપ્ત વંશ શાસનકાળ બાદ સલ્તનત યુગમાં પણ વણકરો ની જાહોજલાલી અકબંધ જળવાઈ રહી હોય એવું લાગે છે પરંતુ ગૌરવનો હ્રાસ થયો હોય એવું સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. લગભગ ઈ.સ. 1206 થી ઈ.સ. 1526 માં રાજ પરિવારની જરૂરિયાત પુરી પાડવા માટે વણકરોની નિમણુંક કરવામાં આવતી અને વણકરો જરૂરી કાપડ વણીને રાજ પરિવારને પુરૂં પાડતા. આ વ્યવસ્થાથી વણકરોને સ્વતંત્ર વ્યવસાયિક તરીકેની ઓળખાણ નષ્ટ થવાની શરૂઆત થઇ હશે અને વણકર ને “નોકર” બનાવવા નું શરુ થયું હશે.
અપૂર્ણ..