Spread the love

વણકર એટલે કોણ ? વણકર નો ઈતિહાસ. ભાગ – 1

વણકર એટલે તાણા અને વાણાનો માનવી એને જોડતા આવડે, એને રચના કરતા આવડે, એને મર્યાદા ઢાંકતા આવડે.વણકર કદી તોડે નહીં, વણકર જોડે, વણકર વિધ્વંસ ના કરે, રચના કરે,વણકર મર્યાદા તોડે નહીં, મર્યાદા ઢાંકે…
વણાટ કામ એ અત્યંત ચીવટ, ખંત, ધીરજ, ઝીણવટ અને કુશળતા વગર શક્ય નથી. વણાટકામ કરતો સમુદાય જેને જાતિ અથવા જ્ઞાતિ તરીકે ભારતીય સમાજમાં ઓળખવામાં આવે છે એ પ્રમાણે “વણકર” કહેવાય છે. વણકરો તેમની ઉત્પત્તિની શરૂઆત થી અલગ અલગ નામે ઓળખાય છે, જેવાં કે તંતુવાયક, અંબરકાર, વિશ્વંબર વગેરે. આજે પણ વણકર સમાજ સમગ્ર ભારતભરના જુદા જુદા સ્થળોએ જુદા જુદા નામે ઓળખાય છે જેવાં કે, જુલાહા, કોઈડર, કબીર પંથી, મેઘવાળ, સાળવી કે સાલવી, વણકર, માયાવંશી, મેઘ વગેરે.
ડૉ. મકવાણા એમના પુસ્તક, “ગુજરાતના વણકરો એક અધ્યયન, પેજ નંબર 4-5, વર્ષ 2004” માં લખે છે કે શ્રી વિનોબા ભાવે એ પોતાના એક ગ્રંથ માં નોંધ કર્યાં અનુસાર, પ્રાચીન ધર્મગ્રંથોમાં મહર્ષિ ગુત્સમદનું નામ પરમ આદરણીય છે. ગુત્સમદ ઋષિએ ભારતમાં સૌપ્રથમ કપાસનો છોડ વાવ્યો અને પોતાના આશ્રમમાં સુતર વણવાની, વણાટકામની શરૂઆત કરી. આમ વણકર સમાજના આદ્ય પુરુષ એટલે ગુત્સમદ ઋષિ એવું કહી શકાય. ગુત્સમદ ઋષિ વણાટકામ ઉપરાંત વિજ્ઞાન અને ગણિતના વિદ્વાન હોવાની સાથે સાથે કૃષિ વિદ્યાના પારંગત સંશોધક હતા. એમના આ ત્રિવિધ જ્ઞાન ને આધારે જ તેમણે કપાસનાં છોડનું વાવેતર, જતન અને સંવર્ધન કર્યું તથા સંશોધન કરીને સૂતર તૈયાર કર્યું.
કહેવાય છે કે વૈદિક કાળમાં વણાટકામ કરનારી કોઈ અલગ ચોક્કસ જ્ઞાતિ નહોતી પરંતુ વણાટકામ સમાજના સર્વેને સિદ્ધ હસ્ત હતું. ઋષિ ગુત્સમદે પોતે વણવાનું કાર્ય શરૂ કર્યું. વણાટ કામની પ્રક્રિયાનો અભ્યાસ તથા ઝીણવટપૂર્વક અવલોકન કર્યું, અને સૂતરના તારને ક્યાં, કેવી રીતે, કેટલી વખત સાંધવાની જરૂર ઊભી થાય છે તેનો હિસાબ રાખીને વણાટકામનું એક આગવુ ગણિત અને આગવા પ્રકારના ઓજારો તૈયાર કર્યા, શાળ ઉપર વણાટકામ શક્ય એટલું સહેલુ બનાવ્યુ. વિશ્વભરમાં વણાટકામ કરતા પ્રત્યેક વ્યક્તિ માટે ગુત્સમદ ઋષિ એક આદર્શ અને પોતાના આદ્ય ઋષિ ગણી શકાય. ગુત્સમદ ઋષિની પરંપરા અને વંશજો એટલે વણાટકામ અને વણકર. (ડૉ. મકવાણા, ગુજરાત નાં વણકરો એક અધ્યયન)
વણકર જે વણાટકામ જેવું સ્વચ્છ, શુદ્ધ અને પવિત્ર કાર્ય કરતો સમાજ હોવા છતા કેવી રીતે અસ્પૃશ્ય ગણવામાં આવ્યો ? તે ઝડપથી સમજી શકાય નહીં તેવું સત્ય છે. આ વિષય ઉપર વિદ્વાનો, સંશોધકો પણ એકબીજા સાથે એકમત ધરાવતા નથી. વણકરો વર્ષોથી ગામ બહાર જ વસવાટ કરતા આવ્યા હતા.
ગુજરાતમાં વણકરો સિદ્ધરાજ જયસિંહના શાસનકાળ સુધી ગામ બહાર જ વસવાટ કરતા હતા, પરંતુ પાટણના સહસ્ત્રલિંગ તળાવ માં પાણી આવે, પાણી સંગ્રહિત રહે અને રાજ્યના સમગ્ર જીવોના જીવનનું રક્ષણ થાય, તરસ છીપાય એ માટે બત્રીસ લક્ષણા વણકર મહાવીર મેઘમાયા એ પોતાના જીવનનું બલિદાન આપ્યુ. બલિદાન આપનારની અંતિમ ઈચ્છા પુરી કરવાના વચને બંધાયેલા રાજા સિદ્ધરાજ જયસિંહ પાસે વીર મેઘમાયા એ પોતાના અંગત સ્વાર્થ, અંગત હિતોને બાજુ પર મૂકીને સમાજ માટે ઉત્કર્ષની માંગણીઓ કરી જેમાં વણકરોને ગામમાં ઉગમણી દિશામાં વસાવવાની માંગણી કરી. રાજા સિદ્ધરાજ જયસિંહ પોતાનું વચન પાળવા વણકરોને ગામમાં વસાવવાની શરૂઆત કરી, એવું કહેવાય છે કે એ વખતે પાટણ નજીક આવેલા દુ:ખવાડા ગામે સૌપ્રથમ વખત વણકરો ગામમાં સ્થાયી રૂપે આવીને સ્થાયી થઈ વસ્યા. આમ જોવા જઈએ તો દુઃખવાડા ગામ વણકરોનો સ્થાયી વસવાટ ધરાવતું પ્રથમ ગામ ગણાય. તેથી ઘણા લોકો તેને “જુનું ગામ” પણ કહે છે. વીરમાયાના બલિદાન બાદ એમના વંશજો એ માયા વંશી તરીકે પોતાની ઓળખ પ્રસ્થાપિત કરી જે આગળ જતાં સમગ્ર વણકર સમાજે સ્વીકારી લીધી.

વણકરોના ઐતિહાસિક તથ્યો, પુરાતત્ત્વીય દસ્તાવેજો – વણકરો પોતાના વ્યવસાયમાં કાપડ વણાટ માટે જે સાધનોનો ઉપયોગ કરતા હતા, આજે પણ કરે છે એવા સાધનો જેવા કે ગરગડીયા, વજનીયા, ફીરકા, કોકડી વગેરે લોથલ ખાતે કરવામાં આવેલાં સંશોધનાત્મક ખોદકામ દરમિયાન મળી આવ્યા છે. આ પુરાતત્ત્વીય પુરાવાઓ એ વાતની નક્કર સાબિતી છે કે વણકરો સિંધુ ખીણની સંસ્કૃતિ અને તેની પૂર્વના સમયમાં આ વિસ્તારમાં પાંગરેલી સંસ્કૃતિ કે સમાજ વ્યવસ્થામાં વણાટકામ કરતા વણકરો બંને અસ્તિત્વ ધરાવતાં હતા. આ ઉપરાંત હડપ્પાના સંશોધનના ખોદકામ દરમિયાન મળી આવેલી પૌરાણિક મૂર્તિઓ અને મુદ્રાઓમાં અંકિત ચિત્રોમાં સ્ત્રી - પુરુષોએ જુદા જુદા વસ્ત્રો પરિધાન કરેલા દેખાય છે આ પણ પુરાતત્ત્વીય પુરાવાઓ ગણાય જે સાબિત કરે છે કે તે સમયકાળ દરમિયાન વણાટકામ અને વણકરો બંનેનું અસ્તિત્વ વિદ્યમાન હતું. આ ઉપરાંત સંશોધકો, ઈતિહાસકારો, પુરાતત્વવિદ્દો વગેરેનું સંશોધન, અવલોકન એવું જણાવે છે કે પ્રાચીન કાળમાં ભારત વિશ્વની અર્થવ્યવસ્થાનું કેન્દ્ર બિંદુ હતું. ભારતમાંથી અનેક પ્રકારના ઉત્પાદનોની નિકાસ વિદેશોમાં થતી હતી જેમાં સૌથી મોટો ભાગ સુતરાઉ, રેશમી, મલમલના કાપડનો હતો એટલે કે વણકરો જ ભારતીય અર્થતંત્રના કેન્દ્ર બિંદુ હતા.કાપડ વણવુ, વણાટકામ કરવું જેવા સ્વચ્છ, ઝીણવટ, કુશળતા, ધીરજ, વ્યવસ્થા, સ્વચ્છ અને સુંદર પવિત્ર એવું કાર્ય કરતાં વણકરો ભારતીય સમાજમાં કેવી રીતે અસ્પૃશ્ય બની ગયા? ભારતના ક્યા ભૂભાગમાંથી વણકરો સાથે અસ્પૃશ્યતાની શરૂઆત થઈ, ક્યારે થઈ, કેવી રીતે થઇ એના કોઈ જ પુરાવા કે ઐતિહાસિક તથ્યો મળતા નથી પરંતુ એ ઐતિહાસિક કરૂણ, દર્દનાક તથ્ય છે કે વણકરો વર્ષોથી અસ્પૃશ્યતાના ભેદભાવ પૂર્ણ વ્યવહારનો ભોગ બન્યા, આજે પણ બની રહ્યા છે. વણકરો ભારતના અસ્પૃશ્ય સમાજ નું એક અંગ છે. એક અંદાજ મુજબ ગુજરાતમાં વણકરોની વસ્તી લગભગ 12-15 લાખ જેટલી છે. અન્ય ભારતીય જાતિઓની જેમ અનુસૂચિત જાતિઓ પણ અનેક પેટા જ્ઞાતિઓ માં વહેંચાયેલી જોવા મળે છે. બધી જ અનુસૂચિત જાતિઓ મુખ્યત્વે "અપવિત્ર" ગણાવાયેલા વ્યવસાયને કારણે જ અસ્પૃશ્યતાનો શિકાર બની રહ્યા છે. ત્યારે વણકરો તો કાપડ વણવાના પવિત્ર અને સ્વચ્છ વ્યવસાય સાથે જોડાયેલા હતા છતાં કેમ અસ્પૃશ્ય ગણાયા ? આ પ્રશ્નનો ઉત્તર આપતાં હોય એમ શ્રી વિદ્યુત જોષી તારીખ 16/04/2008 નાં તેમના દિવ્ય ભાસ્કર દૈનિકમાંના લેખ "સમુદ્ર મંથન" લખે છે કે, " વણકરો કાપડ વણવાના શુદ્ધ અને પવિત્ર વ્યવસાય જોડાયેલા હતા. વણાટકામમાં કાંજી (ખેડ) નો ઉપયોગ થતો આવ્યો છે. ભારતીય માન્યતા પ્રમાણે કાંજી (ખેડ) ને અપવિત્ર ગણવામાં આવતી અને વણકરો આ ખેડ (કાંજી) નો ઉપયોગ કરીને વણાટકામ કરતા હતા તેથી કદાચ આ ખેડ (કાંજી) ના ઉપયોગને કારણે વણકરો અસ્પૃશ્ય સમુદાયમાં ધકેલાઈ ગયા હશે."
આ ઉપરાંત બીજાં કેટલાક કારણો પણ છે જેને કારણે વણકરો અસ્પૃશ્ય ગણવામાં આવ્યાં હશે જેમકે મૃત પશુ ની ચરબીનો ઉપયોગ સુતરપાડુ બનાવવામાં ઉપયોગ તથા મૃત પશુઓના માંસ નું ભક્ષણ કરવું વગેરે.

અપૂર્ણ…


Spread the love

By Devendra Kumar

Devendrakumar Solanki is graduate from Gujarat University with special Economics. He has long experience in working with several multinational companies. He like to learn new things, ways and ideas. He is very good political analyst. His Colman published in two different news web portal. He is poet also he wrote with pen name "Smit". He is very good writer his series named "Dr. Babasaheb Ambedkar : Advitiya Senapati, Ananam Yodhdha" "ડૉ. બાબાસાહેબ આંબેડકર : અદ્વિતીય સેનાપતિ, અણનમ યોદ્ધા" is widely liked by people. His belief in facts is very deep. He is known for his truth and fact based, frank and fearless opinion.

One thought on “Day Special: 1 લી ઑક્ટોબર: વણકર દિવસે વણકરોનો ઈતિહાસ : ભાગ 1”
  1. […] વણકરોનો ગૌરવશાલી ઇતિહાસ ભાગ 1 વણકરોનો ગૌરવશાળી ઇતિહાસ ભાગ 1 વાંચવા અહીં ક્લિક કરોવણકરોની જાહોજલાલીનો સમયગાળો અત્યંત પ્રભાવશાળી છે. વણકરના વ્યવસાય અને વણકરની જાહોજલાલીની પડતીની શરૂઆત લગભગ સોળમી સદીમાં થઈ હશે એવું અનુમાન લગાવી શકાય કારણકે કાપડનું વ્યવસાયિક ઉત્પાદન કરતા વણકરોને સલ્તનત યુગમાંની નિયુક્તિ રાજ પરિવાર તથા રાજ્યના કર્મચારીઓ માટે કાપડ વણવા કરવામાં આવવા માંડી તથા વણાટકામ માટે અલાયદી જગ્યાની વ્યવસ્થા કરવામાં આવી. આ વ્યવસ્થાથી એવું બન્યું હોઈ શકે કે કાપડનું ઉત્પાદન નિયંત્રિત થઈ ગયુ હશે જેનાથી વણકરો ની આવક પણ ઓછી થવા માંડી હશે વિદેશોમાં જે કાપડની નિકાસ થતી હતી એની ઉપર ઓછા ઉત્પાદનથી વિપરીત અસર પડી હશે, જો કે અલાયદી જગ્યા અને કાપડની નિયમિત અને ચોક્કસ માંગને કારણે વણકરો રોજગાર તો ટકાવી શક્યા પરંતુ પોતાના જીવન ધોરણને ટકાવવા માટે સંઘર્ષ કરવો પડ્યો. […]

Comments are closed.