આજે આપણે આપણા દેશના બંધારણ ઉપર ગર્વ અનુભવીએ છીએ તેમાં ડો. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરના સક્ષમ નેતૃત્વ અને વિચારોની અમીટ છાપ છે. બંધારણ ઘડતી વખતે તેમણે સુનિશ્ચિત કર્યું કે સમાજના છેવાડાના લોકો પણ રાષ્ટ્રના વિકાસમાં પોતાનું યોગદાન આપી શકે. જો બંધારણને સરળ ભાષામાં સમજાવીએ તો તે ‘ભારતીયોનું ગૌરવ અને ભારતની એકતા’ના બે મૂળભૂત મંત્રોનું સાકારિત સ્વરૂપ છે.
બંધારણનો મુસદ્દો તૈયાર કરવા માટે ડૉ. આંબેડકરે કેટલી મહેનત કરી અને તેને કેવી રીતે પૂર્ણ કર્યું, તેમને બંધારણના ઘડવૈયા શા માટે કહેવામાં આવે છે તે જાણવા માટે બંધારણનો ડ્રાફ્ટ તૈયાર કરવા માટે નિમાયેલી મુસદ્દા સમિતિના સભ્ય ટી.ટી. કૃષ્ણમાચારીએ બંધારણ સભામાં 5 નવેમ્બર, 1948ના રોજ આપેલું ભાષણ વાંચવું પડે. ગૃહનું ધ્યાન દોરતા કૃષ્ણમ્માચારીએ કહ્યું, ‘ગૃહને કદાચ જાણ થઈ હશે કે આપના દ્વારા ચુંટવામાં આવેલા સાત સભ્યોમાંથી એકે રાજીનામું આપ્યું છે, તેમનું સ્થાન જગ્યા ખાલી રહ્યું છે. એક સભ્યનું અવસાન થયું, તેમનું સ્થાન પણ ખાલી રહ્યું. એક સભ્ય અમેરિકા ચાલ્યા ગયા, આથી તેમનું સ્થાન પણ ખાલી જ રહ્યું હતુ.. ચોથા સભ્ય રજવાડાઓને લગતા કામમાં વ્યસ્ત હતા, તેથી સભ્ય હોવા છતાં ન હોવા બરાબર હતા, બે સભ્યો દિલ્હીથી દૂર હત અને તેઓ પણ તેમની તબિયત બગડવાના કારણે હાજર રહી શક્યા ન હતા. આખરે એવું થયું કે બંધારણ બનાવવાનો સમગ્ર બોજ એકલા ડૉ. આંબેડકર પર આવી પડ્યો. આ સ્થિતિમાં તેમણે જે રીતે આ કાર્ય પૂર્ણ કર્યું છે તેને માટે તેઓ નિઃસંદેહ આદરને પાત્ર છે. હું આપને નિશ્ચિતરૂપે કહેવા ઈચ્છું છું કે ડૉ. આંબેડકરે અનેક કઠિન સ્થિતિઓમાં રસ્તા કાઢીને આ કાર્ય પૂર્ણ કર્યું છે. તેને માટે આપણે સદૈવ એમના ૠણી રહીશું. (સંવિધાન સભાની ચર્ચા- ભાગ 7, પૃષ્ઠ- 231)
બંધારણની પૃષ્ઠભૂમિમાં ભારતીય વિચારો અને મૂલ્યોનો પાયો છે. આપણું બંધારણ રાષ્ટ્રની અભિવ્યક્તિ છે. તેની પ્રસ્તાવના ખરેખર ભારતીયતાનો આત્મા છે. આપણે આપણા પ્રજાસત્તાકનો ઉદ્દેશ્ય સમાજમાં ન્યાય, સ્વતંત્રતા અને સમાનતા સ્થાપિત કરવાનો જાહેર કર્યો છે. આ ત્રણ મંત્રો વાસ્તવમાં ભારતીયતાના ઉદાહરણો છે. ‘બંધુત્વને પ્રોત્સાહન આપવું’ એ ભારતીયતા છે. ડો. આંબેડકરે કહ્યું કે આપણે માત્ર સમાનતાની વાત નથી કરી. આપણે જે કહ્યું તે પરસ્પર કરુણા, આત્મીયતા, સંવેદનશીલતા છે અને એકબીજાને પોતાના ગણવા એ આપણી વિશેષતા છે.
ભારતના બંધારણની બીજી વિશેષતા ‘વંચિત વર્ગ માટે હકારાત્મક કાર્ય’ છે. આ અનન્ય છે, આ ભારતીયતા છે, જે વિશ્વમાં બીજે ક્યાંય નથી. આપણે બંધારણમાં દરેક માટે સમાન અધિકારની વાત કરી છે અને સાથે સાથે જેઓ કોઈ કારણસર વંચિત કે પછાત છે તેમના માટે સકારાત્મક પ્રયાસોની જોગવાઈઓ પણ કરી છે.
સર્વે પ્રકારની વિવિધતા ધરાવતા આપણા દેશને બળથી એક રાખી શકાશે નહી, આ માટે સૌને એક સમાન સૂત્રમાં બાંધવા જોઈએ. તે સમાન સૂત્રો શું છે? ડૉ. બાબાસાહેબે લખેલા બંધારણની પ્રસ્તાવનામાં સૌને સાથે રાખવાના સિદ્ધાંતોનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. તેમાં સામાજિક-આર્થિક-રાજકીય ન્યાય, અભિવ્યક્તિની સ્વતંત્રતા, આસ્થા-પૂજાની સ્વતંત્રતા, સ્તર અને તકોની સમાનતા તથા રાષ્ટ્રની એકતા અને અખંડિતતાની ખાતરી આપતા બંધુત્વનો સમાવેશ થાય છે. એક વંશ હોવાથી, એક સંસ્કૃતિ હોવાથી, એક જમીન હોવાથી રાષ્ટ્રની રચના થાય છે એવું નથી. રાષ્ટ્રનો અર્થ દેશમાં રહેતા તમામ લોકો એકબીજા સાથે ભાવનાત્મક ઘનિષ્ઠ રીતે જોડાયેલા હોય. બંધુત્વ આ પ્રકારે ભાવનાત્મક એકતાનું નિર્માણ કરે છે. આ સૂત્રોમાં એટલી શક્તિ છે કે જો ભારતીય રાજનેતાઓ, ચિંતકો, મીડિયા, વિદ્વાનો અને કલાકારો તેને પ્રામાણિકતાથી અમલમાં મૂકે, તો વિશ્વની કોઈ શક્તિ ભારતને મહાન બનતા રોકી શકે નહીં.
ભારતનું બંધારણ એ ભારતીય લોકશાહીનો આત્મા છે. જ્યારે દેશ ગુલામીની સાંકળોમાંથી મુક્ત થઈ રહ્યો હતો ત્યારે આ કપરું કામ શાણપણ અને દૂરંદેશીથી જ સંભવ બન્યું છે. આ સંવિધાનની નિશ્રામાં, બંધારણની રચના કરનાર મહાપુરુષોના વિચારોના દિવ્ય પ્રકાશમાં નૂતન ભારતનું નિર્માણ કરવાની જવાબદારી આપણા સૌની છે.