વૃક્ષ માતા તુલસી ગૌડા હવે આપણી વચ્ચે નથી રહ્યા. 86 વર્ષીય તુલસી ગૌડાનું ઉત્તરા કન્નડ જિલ્લાના અંકોલ તાલુકામાં તેમના વતન ગામ હન્નાલી ખાતે અવસાન થયું હતું.
રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સહિત અનેક મહાનુભાવોની સામે ખુલ્લા પગે અને આદિવાસી પોશાકમાં પદ્મશ્રી એવોર્ડ લેવા પહોંચેલા વૃક્ષ માતા તુલસી ગૌડા હવે આપણી વચ્ચે નથી રહ્યા. 86 વર્ષની વયે તુલસી ગૌડાનું નિધન થયું છે. તુલસી ગૌડા હલક્કી સમુદાયમાંથી આવતા હતા. વય-સંબંધિત બિમારીઓની સમસ્યાથી પીડાતા હતા. સોમવારે ઉત્તરા કન્નડ જિલ્લાના અંકોલ તાલુકામાં તેમના ઘરના ગામ હન્નાલી ખાતે તેમનું અવસાન થયું હતું.
તુલસી ગૌડાને વૃક્ષો પ્રત્યેના તેમના અદ્ભુત પ્રેમ અને નિષ્ઠા માટે “વૃક્ષ માતા” તરીકે ઓળખવામાં આવે છે. તેઓ જીવનભર પર્યાવરણની જાળવણી અને વૃક્ષો અને છોડની સંભાળ માટે કાર્યરત રહ્યા. તેમની અસાધારણ મહેનત અને સમર્પણને જોતાં, તેમને 2021 માં પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રતિષ્ઠિત પુરસ્કાર તેમને તેમની જડીબુટ્ટીઓ અને છોડના સંરક્ષણમાં નોંધપાત્ર ભૂમિકાની ધ્યાનમાં લેતા રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સમક્ષ આપવામાં આવ્યો હતો. આ એવોર્ડ પ્રાપ્ત કરવા તેઓ પોતાના પરંપરાગત આદિવાસી પોશાકમાં સજ્જ હતા અને ઉઘાડા પગે પહોંચ્યા હતા. તેમની સાદગીએ લોકોના હૃદયને મોહી લીધા હતા.
તુલસી ગૌડાનો જન્મ કર્ણાટકના હલક્કે જનજાતિના પરિવારમાં થયો હતો. બાળપણમાં તેમના પિતાનું અવસાન થયું અને તેમણે નાની ઉંમરથી જ તેમની માતા અને બહેનો સાથે કામ કરવાનું શરૂ કર્યું. આ કારણે તે શાળાએ જઈ શક્યા નહોતા, ન તો તે વાંચતા-લખતા શીખી શક્યા. માત્ર 11 વર્ષની ઉંમરે તેમના લગ્ન થયા હતા, પરંતુ તેમના પતિ લાંબો સમય તેમની સાથે રહી શક્યા નહીં અને નાની જ વયે મૃત્યુ પામ્યા. પોતાના જીવનમાંથી ઉદાસી અને એકલતા દૂર કરવા માટે તેમણે વૃક્ષો અને છોડની સંભાળ લેવાનું શરૂ કર્યું. છોડના સંરક્ષણમાં તેમની રુચિ વધી અને તેમને રાજ્યની વનીકરણ યોજનામાં કાર્યકર તરીકે સામેલ થયા. વર્ષ 2006માં તેમને વન વિભાગમાં વૃક્ષારોપકની નોકરી મળી. પોતાના 14 વર્ષના કાર્યકાળ બાદ તેઓ 2020માં નિવૃત્ત થયા. આ સમય દરમિયાન તેમણે અસંખ્ય વૃક્ષો વાવ્યા, ઉછેર્યા અને જૈવિક વિવિધતાના સંરક્ષણમાં મહત્વની ભૂમિકા ભજવી. તુલસી ગૌડાને વૃક્ષો અને છોડ વિશે અદ્ભુત જ્ઞાન હતું, જેના કારણે તેમને જંગલનો વિશ્વકોશ પણ કહેવામાં આવે છે. તે તમામ પ્રકારના છોડના ફાયદા વિશે જાણતા હતા. કયા છોડને કેટલું પાણી આપવું, કયા ઝાડ-છોડ કયા પ્રકારની જમીનમાં ઉગે છે, આ બધું તેની આંગળીના ટેરવે હતું.
આવા સન્નિષ્ઠ અને સાદગીની પ્રતિકૃતિ સમાન વૃક્ષમાતા પદ્મશ્રી તુલસી ગૌડા આપણી વચ્ચે નથી રહ્યા.