વિશ્વ આજે યુદ્ધના મેદાનની વચ્ચે ઉભુ છે. એક તરફ યુક્રેન અને રશિયા વચ્ચે તો બીજી તરફ ઈઝરાયેલ હમાસ, હિઝબુલ્લાહ, હુતી, ઈરાન એમ એક કરતા વધુ મોરચા પર યુદ્ધ લડી રહ્યું. આમ જોતા યુદ્ધ બે ભૂમિ પર લડાઈ રહ્યું છે પરંતુ સમસ્ત વિશ્વ યુદ્ધગ્રસ્ત હોય એવી સ્થિતિ છે.
આજે લડાઈ રહેલા યુદધે એ દર્શાવ્યુ છે કે સેના મોકલ્યા વિના પણ યુદ્ધના મેદાનમાં વિનાશ થઈ શકે છે. વર્તમાન યુદ્ધ નીતિમાં ડ્રોન ખુબ જ મહત્વપૂર્ણ શસ્ત્ર સાબિત થઈ રહ્યા છે. વિશ્વના ઘણા દેશો પાસે આવા ઘાતક ડ્રોન છે, જે તેમના દુશ્મનોની ઊંઘ હરામ કરવા માટે પૂરતા છે. ઘણા સમયથી વિશ્વના દેશો ડ્રોનનો સામનો કેવી રીતે કરવો તેના સંશોધનોમાં વ્યસ્ત હતા કારણ કે ડ્રોનનો સામનો કરવો ઘણો અઘરો થઈ ગયો હતો અને ડ્રોન ઘાતક સાબિત થઈ રહ્યા હતા. પરંતુ હવે આ ડ્રોનનો સામનો કરવા માટે હથિયારો આવી ગયા છે. વિશ્વનાં ગણ્યા ગાંઠ્યા દેશો પાસે એન્ટી ડ્રોન શસ્ત્ર છે હવે એ શ્રેણીમાં ભારત પણ જોડાઈ ગયું છે. ચેન્નાઈના બિગ બેંગ બૂમ સોલ્યુશન્સ દ્વારા વજ્ર શોટ નામની એન્ટી ડ્રોન ગન બનાવવામાં આવી છે. આ એન્ટી ડ્રોન ગન વજ્ર શોટ ને તાજેતરમાં નવી દિલ્હીના ભારત મંડપમમાં યોજાયેલા પ્રદર્શનમાં પ્રદર્શિત કરવામાં આવી હતી જેને ભારતીય નૌકાદળના વડા એડમિરલ દિનેશકુમાર ત્રિપાઠીએ ધ્યાનપૂર્વક નિહાળી અને એના વિશે વિશેષ માહીતીની પૃચ્છા કરી હતી. જુઓ વિડીઓ
વજ્ર શોટ ગન હાથથી સંચાલિત એન્ટી-ડ્રોન ગન છે, તે અત્યંત હળવી લગભગ 3.5 કિલો વજન ધરાવે છે. તે રડાર સિસ્ટમથી સજ્જ છે, જે 4 કિલોમીટર દૂરથી ડ્રોનને શોધી શકે છે. તેને એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે સૈનિકો તેનો યુદ્ધના મેદાનમાં સરળતાથી ઉપયોગ કરી શકે. એકવાર દુશ્મન ડ્રોનને ટ્રેસ કર્યા બાદ વજ્ર શોટ શત્રુ ડ્રોનની કોમ્યુનિકેશન ફ્રિક્વન્સીને જામ કરી દે છે, જેના કારણે ડ્રોન ઓપરેટર અને ડ્રોન વચ્ચેનો સંપર્ક તુટતા ડ્રોન નિયંત્રણ ગુમાવી દે છે અને ક્રેશ થઈ જાય છે. ડ્રોન ડિટેક્શન સાઇટ તેની રીઅલ-ટાઇમ અસરકારકતા મજબુત કરે છે.
વજ્ર શોટ અત્યંત હળવી અને હાથથી સંચાલિત એન્ટી-ડ્રોન ગન છે, જે 4 કિલોમીટર સુધી હુમલો કરી શકે છે તેમજ તેને જામ કરી શકે છે. તેને ભારતીય સેના અને વાયુસેનામાં તૈનાત કરવામાં આવી છે. આ માહિતી કંપનીના પ્રતિનિધિ રવિ કુમારે આપી હતી. તેણે કહ્યું કે તેને અત્યાર સુધીમાં 25 મિલિયન ડોલરના ઓર્ડર મળ્યા છે.
વિશ્વના કયા દેશો પાસે છે એન્ટી ડ્રોન ગન? ભારતનું વજ્ર શોટ કેટલું અસરકારક?
અમેરિકા : અમેરિકાએ ડ્રોન ડિફેન્ડર અને કોયોટ યુએવી જેવી ઘણી અદ્યતન એન્ટિ-ડ્રોન સિસ્ટમ તૈયાર કરી છે. ડ્રોન ડિફેન્ડર ડ્રોન કોમ્યુનિકેશનને અટકાવવા માટે રેડિયો ફ્રીક્વન્સી જામિંગનો ઉપયોગ કરે છે જ્યારે રેથિયોન દ્વારા બનાવવામાં આવેલ કોયોટ યુએવી, દુશ્મનના ડ્રોનને અટકાવવા અને નાશ કરવા માટે રડાર-નિર્દેશિત મિસાઇલોનો ઉપયોગ કરે છે. આ સિસ્ટમો ઉચ્ચ તકનીકી ઉકેલો પ્રદાન કરે છે પરંતુ તેમનું વજન વજ્ર-શોટ કરતાં ભારે અને હેન્ડલ કરવું વધુ મુશ્કેલ છે.
ચીન : ચીનની એન્ટી ડ્રોન ટેકનોલોજીમાં સ્કાય નેટ અને ડ્રોન કિલર સિસ્ટમનો સમાવેશ થાય છે. સ્કાય નેટ સિસ્ટમ ડ્રોનને શોધવા અને બેઅસર કરવા માટે રડાર અને ઇલેક્ટ્રોનિક જામિંગને એકીકૃત કરે છે, જ્યારે ડ્રોન કિલર શ્રેણીના હથિયાર હેન્ડહેલ્ડ છે જેને હાથથી સંચાલિત કરી શકાય છે. આ બન્ને સિસ્ટમ રેડિયો ફ્રીક્વન્સીમાં દખલ કરીને ડ્રોન સિગ્નલને અવરોધે છે. આ સિસ્ટમો અદ્યતન છે પરંતુ વજ્ર-શોટની સરળ ડિઝાઇન કરતાં વધુ ખર્ચાળ છે.
ઈઝરાયેલ : અદ્યતન એન્ટી-ડ્રોન ટેક્નોલોજી બાબતે ઈઝરાયેલનો કોઈ પર્યાય નથી. ઉદાહરણ તરીકે, તેની ડ્રોન ડોમ સિસ્ટમ દુશ્મનના ડ્રોનને તુરંત નીચે ઉતારવા માટે રડાર અને ઉચ્ચ ચોકસાઈવાળા લેસરોનો ઉપયોગ કરે છે. આ સિસ્ટમની ચોકસાઈ અને ત્વરિત પગલાં લેવાની ક્ષમતા તેને વધુ અસરકારક બનાવે છે. જો કે તે વજ્ર-શૉટ કરતાં વધુ ખર્ચાળ અને વાપરવામાં સરળ નથી.
રશિયા : રશિયાએ ડ્રોનને તોડી પાડવા માટે એન્ટી ડ્રોન ટેક્નોલોજી REX-1 વિકસાવી છે. આ હાથથી પકડીને ચલાવી શકાય તેવું હથિયાર છે, જેમાં દુશ્મનના ડ્રોનનો નાશ કરવા રેડિયો ફ્રીક્વન્સી ઈન્ટરફેન્સ અને ઈલેક્ટ્રોમેગ્નેટિક પલ્સનો ઉપયોગ કરવામાં આવે છે. REX-1 પણ વજ્ર શોટ જેવું જ છે, પરંતુ વધુ વજન ધરાવે છે અને તેની ઓપરેશનલ લવચીકતા ઓછી છે.