વિશ્વના અનેક દેશોના વધતા જતા જાહેર દેવા અંગે ચિંતા વ્યક્ત કરતા ભારતીય રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર અને વિખ્યાત અર્થશાસ્ત્ર રઘુરામ રાજને ચેતવણી આપતા કહ્યું કે આગામી મહામારી અથવા નાણાકીય કટોકટી દરમિયાન દેશોની અર્થવ્યવસ્થા સંવેદનશીલ બનાવી શકે છે. તેમણે બહુપક્ષીય સંસ્થાઓના સુધારા અને નવા વેપાર ક્ષેત્રોના વિકાસની હિમાયત કરી છે.
પ્રખ્યાત અર્થશાસ્ત્રી અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને અમેરિકા સહિત તમામ દેશોને જેનું પાલન ન કરવામાં આવે તો ભવિષ્યમાં ગંભીર જોખમો સર્જાઈ શકે છે એવી સલાહ આપી છે. તેમણે વૈશ્વિક સ્તરે વધી રહેલા જાહેર દેવા અંગે ચિંતા વ્યક્ત કરી છે. રાજને જે દેશો જંગી લોન લઈને પોતાની અર્થવ્યવસ્થા ચલાવી રહ્યા છે તેમને ચેતવણી આપતા કહ્યું કે, સતત વધતું દેવું આગામી ઈમરજન્સીના સમયમાં દુનિયાને ખૂબ જ નબળી બનાવી શકે છે. આમાં મુખ્યત્વે અમેરિકા અને ચીન સામેલ છે. પરંતુ, જેમનો વેપાર અમેરિકા અને ચીન જેવા દેશો સાથે ચાલે છે તેવા ભારત જેવા દેશો ઉપર પણ ખતરો મંડરાશે. ઉલ્લેખનીય છે કે અમેરિકામાં થતી દરેક પ્રવૃત્તિને અસર ભારતને થતી જોવા મળે છે, જ્યારે ચીન ભારતનો સૌથી મોટો વ્યાપારિક ભાગીદાર દેશ છે.
રઘુરામ રાજને જેઓ ‘દેવું લઈને ઘી પી રહ્યા છે’ એવા દેશોને કરી તેમના વધી રહેલા જાહેર દેવા પર દ્રષ્ટિ કરવાની વિનંતી કરી છે. વિશ્વમાં મહામારી ફેલાવાના વધતા જતા ભય વચ્ચે કોઈ મોટા અર્થશાસ્ત્રીનું આ મુજબનું વક્તવ્ય ગંભીરતાપૂર્વક લેવા જેવું છે. રાજને કહ્યું, “આપણે વૈશ્વિક નાણાકીય કટોકટી અને ભયાનક મહામારીને જોઈ ચુક્યા છીએ. ભવિષ્યમાં આવી ગંભીર મહામારી નિયમિત બની શકે છે. તેથી, દેવાના વધતા સ્તરને અવગણવું જોખમી છે.”
રાજને રોમમાં વાર્ષિક બેન્કોર પ્રાઈઝ (Bancor Prize) સમારોહ દરમિયાન આપેલા ભાષણમાં ઘણી મહત્વપૂર્ણ બાબતોનો ઉલ્લેખ કર્યો હતો. પોતાના ભાષણમાં, તેમણે કહ્યું કે, વિશ્વને વિભાજન (fragmentation) થી બચાવવા માટે બહુપક્ષીય સંસ્થાઓ (multilateral institutions) માં સુધારા કરવાની તાતી જરૂર છે. તેમણે એવું પણ સૂચન કર્યું હતું કે સેવાઓના વેપાર (Service Trade), જલવાયુ પરિવર્તન અંગે કાર્યો (Climate Action) અને અન્ય નવા ક્ષેત્રોમાં વેપાર માર્ગો ખોલીને સમસ્યાઓ ઉકેલી શકાય છે.
પોતાના ભાષણ બાદ રઘુરામ રાજને પત્રકારો સાથે વાત કરતા અમેરિકાનો ઉલ્લેખ કરતા કહ્યું કે ત્યાંનું જાહેર દેવું ઝડપથી વધી રહ્યું છે, જે તેને આર્થિક રીતે અસુરક્ષિત બનાવી રહ્યું છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) ના તાજેતરના અંદાજો અનુસાર, અમેરિકાનું દેવું સતત વધવા તરફ ગતિમાન છે. તેમણે ચેતવણી આપી હતી કે આ માત્ર અમેરિકાની સમસ્યા નથી, પરંતુ વિશ્વના અન્ય ઘણા દેશોનું વધતુ વૈશ્વિક દેવાનું ચિત્ર આઘાતજનક છે.
IMF ના અંદાજ મુજબ વૈશ્વિક જાહેર દેવું 2024 ના અંત સુધીમાં લગભગ $100 ટ્રિલિયન સુધી પહોંચવાની અપેક્ષા છે, જે વૈશ્વિક ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) ના 93% હિસ્સો ધરાવે છે જેમાં અમેરિકા અને ચીન જેવા દેશોનો મોટો ફાળો હશે. રાજને એમ પણ કહ્યું કે ઘટતો ફુગાવો અને ઘટતા વ્યાજદર દેશો માટે નાણાકીય સ્થિતિ સુધારવાની ફહુ મોટી તક છે. પરંતુ, આમ છતાં મોટાભાગની સરકારો આ અંગે કોઈ તૈયારી બતાવી રહી નથી.
રાજને ભારપૂર્વક જણાવ્યું હતું કે ભવિષ્યમાં કોઈપણ કટોકટી માટે સેફ્ટી કુશન બનાવી શકાય તે માટે દેવું ઘટાડવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમણે એમ પણ કહ્યું કે વધુ પડતું દેવું ધરાવતા દેશો એકબીજાને મદદ કરવામાં અસમર્થ બની જશે જે વિશ્વ માટે વધુ એક ખતરો બની શકે છે.
ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) ના તાજેતરના ડેટા અનુસાર, અમેરિકા તેના જીડીપીના 121 ટકા દેવું ધરાવે છે. અર્થાત અમેરિકા દેવામાં માત્ર ગળાડૂબ જ નથી પરંતુ પાણી તેના માથાથી ઉપર પહોંચી ગયું છે. જે તેના જીડીપીના 106 ટકા દેવા સાથે કેનેડા બીજા સ્થાને છે, ચીને તેની જીડીપીની સરખામણીમાં 90.1 ટકા દેવું લીધું છે. ભારતમાં આ ટકાવારી 83.1 ટકા છે. પોતાની જીડીપીની તુલનામાં 344.4 ટકા દેવા સાથે સુદાન સૌથી વધુ દેવું ધરાવતો દેશ છે. ફ્રાન્સ, સ્પેન અને ઈંગ્લેન્ડ પણ જીડીપીના 100 ટકાથી વધુ દેવું ધરાવે છે.