– એર ઇન્ડિયા માટે સૌથી મોટી બોલી ટાટા ગ્રુપે લગાવી
– એર ઇન્ડિયા ભારેખમ ઋણ હેઠળ દબાયેલી હતી
– મેનેજમેન્ટ કંટ્રોલ સાથે 100% હિસ્સો વેચવા સરકારે નિર્ણય કર્યો હતો
એર ઇન્ડિયા ટાટા ગ્રુપની થઈ શકે છે
સરકાર દ્વારા ભારેખમ દેવા હેઠળ દબાયેલી એર ઇન્ડિયાને મેનેજમેન્ટ કંટ્રોલ સહિત 100% હિસ્સાનું ડિસઇન્વેસ્ટમેન્ટ નિર્ણય કરીને ટેન્ડર મંગાવ્યા હતા. એર ઇન્ડિયાના ડિસઇન્વેસ્ટમેન્ટ માટે બનેલી કમિટીમાં નાણાં મંત્રી નિર્મલા સીતારમણ, કોમર્સ મંત્રી પિયૂષ ગોયલ અને ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એર ઈન્ડિયાની રિઝર્વ પ્રાઈસ 15થી 20 હજાર કરોડ રૂપિયા સુધી નક્કી કરવામાં આવી હતી. આ ડીલમાં એર ઈન્ડિયાની મુંબઈમાં આવેલી હેડ ઓફિસ અને દિલ્હીમાં આવેલા એરલાઈન્સ હાઉસનો પણ સમાવેશ થાય છે. મુંબઈની હેડ ઓફિસની માર્કેટ વેલ્યુ લગભગ 1500 કરોડ રૂપિયાથી વધુ છે. ટાટા ગ્રુપ એર ઇન્ડિયાની બોલી જીતી લેશે એવા સંકેત મળી રહ્યા છે. સરકાર દ્વારા ટાટા સન્સની બોલીનો સ્વીકાર કરવામાં આવ્યો છે. આમ 68 વર્ષ બાદ એર ઇન્ડિયા તેના અસલી સ્થાપક પાસે પરત પહોંચી શકે છે.
ભૂતકાળમાં એર ઇન્ડિયાના ડિસઇન્વેસ્ટમેન્ટ માટે પ્રયાસ થયો હતો
એર ઈન્ડિયામાંના સરકારી હિસ્સાનું ડિસઇન્વેસ્ટમેન્ટ કરવાનો સૌથી પહેલા નિર્ણય 2000માં અટલબિહારી વાજપેયીના નેતૃત્વ હેઠળની એનડીએ સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો. ડિસઇન્વેસ્ટમેન્ટ મંત્રી અરૂણ શૌરી હતા ત્યારે 27 મે 2000ના રોજ સરકારે એર ઈન્ડિયામાં 40 ટકા હિસ્સો વેચવાનો નિર્ણય કર્યો હતો. આ સિવાય સરકારે 10 ટકા હિસ્સો કર્મચારીઓને શેર તરીકે તથા 10 ટકા હિસ્સો ઘરેલુ નાણાંકીય સંસ્થાઓને આપવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ સરકારનો હિસ્સો એર ઈન્ડિયામાં ઘટીને 40 ટકા રહ્યો. જોકે ત્યારથી લઈને છેલ્લા 21 વર્ષમાં એર ઈન્ડિયાને વેચવાની એક કરતાં વધુ વખત કોશિશ થઈ પરંતુ કોઈને કોઈ કારણે આ મામલામાં રૂકાવટ આવી જતી હતી. ઉલ્લેખનીય છે કે એર ઇન્ડિયા વર્તમાનમાં દેશમાં 4400 અને વિદેશોમાં 1800 લેન્ડિંગ અને પાર્કિંગ સ્લોટને કન્ટ્રોલ કરે છે.
ટાટા એરલાઇન્સ થી એર ઇન્ડિયા બનવાનો ઈતિહાસ
વિશ્વ વિખ્યાત ભારતીય ઉદ્યોગપતિ અને ભારતના સૌપ્રથમ કોમર્શિયલ પાયલોટ એવા ભારતરત્નથી સન્માનિત જહાંગીર રતનજી દાદાભોય ટાટા જે જેઆરડી ટાટાના હુલામણા નામે ઓળખાય છે તેમણે 1932 માં કરી હતી. આ એરલાઈન્સનું નામ ટાટા એરલાઈન્સ રાખવામાં આવ્યું હતું અને સ્વયં જેઆરડી ટાટા સિંગલ એન્જિન વિમાન ડી હેવીલાન્ડ પુસ મોથમાં ઉડાન ભરી કરાંચીના ડ્રીઘ રોડ એરોડ્રામ થી મુંબઈના જુહુ એરોડ્રામ પર ઉતરાણ કર્યું હતું. બીજા વિશ્વયુદ્ધ બાદ પબ્લિક લિમિટેડ કંપની બની હતી. 1953માં ભારત સરકારે એર કોર્પોરેશન્સ એક્ટ પસાર કર્યો અને ટાટા સન્સ પાસેથી કેરિયરમાં બહુમતી હિસ્સો ખરીદ્યો જોકે તેના સ્થાપક જેઆરડી ટાટા 1977 સુધી ચેરમેન તરીકે ચાલુ રહ્યા. કંપનીનું નામ એર ઇન્ડિયા ઇન્ટરનેશનલ લિમિટેડ રાખવામાં આવ્યું. અને પુનર્ગઠનના ભાગરૂપે સ્થાનિક સેવાઓને ભારતીય એરલાઇન્સમાં તબદીલ કરવામાં આવી હતી.
મીડિયા રિપોર્ટ સરકારે નકાર્યા
ટાટા સન્સની બીડનો સ્વીકાર થવાના સંકેત હોવાના મિડિયા રિપોર્ટને સરકારે નકારી કાઢ્યા છે. સેક્રેટરી દિપમ (Department of Investment and Public Asset Management) દ્વારા મિડિયા રિપોર્ટ સાચા નથી એમ બપોરે 1:13 મિનિટે ટ્વીટ કરીને જણાવવામાં આવ્યું છે