ભારત વૈશ્વિક માળખાકીય સુવિધાઓ સાથે તાલ મિલાવવા સજ્જ બની રહ્યું છે. આ ક્ષેત્રે કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) માલિકો માટે એક નવી યોજના લઈને આવ્યા છે. આ નવી યોજનાથી ઇલેક્ટ્રિક વાહનો ધરાવતા અને દિલ્હીથી જયપુર અથવા જયપુરથી દિલ્હી આવતા જતા લોકોને થશે.
એક ટીવી ચેનલ દ્વારા આયોજિત કાર્યક્રમમાં બોલતા નીતિન ગડકરીએ જણાવ્યું કે, સરકાર દિલ્હીથી જયપુર સુધી ઇલેક્ટ્રિક હાઇવે બનાવવાની યોજના બનાવી રહી છે. આગામી 7 વર્ષમાં આ પ્રોજેક્ટ શરૂ કરવાની યોજના છે. આ ઇલેક્ટ્રિક હાઇવે ગ્રીન એનર્જીથી સંચાલિત ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધાથી સજ્જ હશે. આ પ્રોજેક્ટનો હેતુ દેશમાં ઇલેક્ટ્રિક મોબિલિટીને અપનાવવા પ્રોત્સાહન આપવાનો તથા દેશભરમાં ઇલેક્ટ્રિક બસો સુવિધા વધારવાનો છે.
ઈલેક્ટ્રિક હાઈવે એવા હાઇવેનું એક નેટવર્ક હોય છે જેને ખાસ ઈલેક્ટ્રિક વાહનો (EV) માટે ડિઝાઇન કરાયેલા ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી સજ્જ કરવામાં આવેલું છે. જે ઈલેક્ટ્રિક વાહનો લાંબા અંતરની મુસાફરી કરતા હોય તેને માટે આવા હાઈવે પર ચાર્જિંગ સ્ટેશનો તેમને સરળતાથી ઉપલબ્ધ થાય છે. વર્તમાન સમયમાં જ્યાં ઈલેક્ટ્રીક વાહનોનો ઉપયોગ દેશમાં વધી રહ્યો છે ત્યારે ઈલેક્ટ્રીક વાહનોને હાઈવે પર ચાર્જિંગની સુવિધા સરળતાથી ઉપલબ્ધ થાય તો ઈલેક્ટ્રિક વાહનોને રસ્તામાં કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી.
તાજેતરમાં એક મીડિયામાં પ્રકાશિત થયેલા એક સમાચારમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે સરકાર ઇન્ટરસિટી પબ્લિક ટ્રાન્સપોર્ટના ઇલેક્ટ્રિફિકેશન દ્વારા ઇંધણના વપરાશ અને વાહનો દ્વારા થતા કાર્બન ઉત્સર્જનને ઘટાડવાના પ્રયાસમાં ગોલ્ડન ચતુર્ભુજ સાથે ઇલેક્ટ્રિક હાઇવે વિકસાવવાની યોજના પર કામ કરી રહી છે. ઈ-હાઈવેમાં ગ્રીન એનર્જી પર ચાલતા ચાર્જીંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધા હશે. કેન્દ્ર સરકારન 6000 કિલોમીટરની લંબાઈનો ઈલેક્ટ્રિક હાઇવે બનાવવાનું લક્ષ્ય ધરાવે છે. સરકારની યોજના મુજબ ઈલેક્ટ્રીક હાઇવેથી દેશમાં ઈલેક્ટ્રીક ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસને વેગ મળવાની અપેક્ષા છે. સાથે સાથે લોકોને પોતાની રોજિંદી મુસાફરી કરવા માટે ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરવા અને ખરીદવા માટે પ્રોત્સાહન મળશે. આ પહેલ 2030-PM પબ્લિક ટ્રાન્સપોર્ટ સર્વિસ પ્રોગ્રામનો એક ભાગ છે.
ઇલેક્ટ્રિક કારના વેચાણમાં તેજી જોવા મળી રહી છે. વર્ષે એક લાખ ઈલેક્ટ્રીક કારના વેચાણનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે ત્યારે વર્ષ 2022માં ઇલેક્ટ્રિક કારનું માત્ર 37,792 યુનિટ્સનું વેચાણ થયું હતું જ્યારે ગત વર્ષે ઇલેક્ટ્રિક કારનું વેચાણ બમણા કરતા વધુ એટલે કે 83 હજાર યુનિટ સુધી પહોંચ્યું હતું. જોકે દેશમાં રેન્જ અને અપૂરતું ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવાના કારણે લોકો ઇલેક્ટ્રિક કાર ખરીદવામાં ઓછો રસ દાખવી રહ્યા હોય તેવું ચિત્ર ઉભુ થઈ રહ્યું છે. ઈલેક્ટ્રીક હાઈવેના નિર્માણથી ચાર્જીંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો થવાથી ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં પણ તેજી આવશે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.