Spread the love

ડિજિટલ યુગમાં પૈસાની લેવડદેવડ એક તરફ ખૂબ સરળ બની ગઈ છે બીજી તરફ જો સાવધાની રાખવામાં ન આવે તો ક્યારેક મોટી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. વ્યક્તિ જ્યારે પોતાની ભૂલને કારણે સમસ્યાનો સામનો કરે ત્યારે સમજ્યા પરંતુ જ્યારે બેન્કની ભૂલને કારણે મુશ્કેલીમાં મુકાઇ જાય ત્યારે અઘરું થઈ જતું હોય છે. આવો જ એક કિસ્સો તાજેતરમાં જ બન્યો જ્યારે યુકો બેન્કના અનેક ગ્રાહકો ખાતામાં ભૂલથી કરોડો રૂપિયા જમા થઇ ગયા હતા.

યુકો બેંકના કેટલાક ખાતાધારકોના બેંક ખાતામાં અચાનક કરોડો રૂપિયા જમા થતાં તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. વાસ્તવમાં આવું બેંકની ભૂલને બન્યું હતું. બેન્કમાં 10થી 13 ઓક્ટોબર દરમિયાન આ ઘટના બની હતી. બેંકની ભૂલને કારણે ઇન્સ્ટન્ટ પેમેન્ટ સર્વિસ દ્વારા કેટલાક બેંક ખાતાઓમાં 820 કરોડ રૂપિયા જમા થયા હતા. બેંકને પોતાની ભૂલનો અહેસાસ થતાં જ તેણે પૈસા પરત ઉપાડવાની પ્રક્રિયા શરૂ કરી દીધી અને અત્યાર સુધીમાં બેંક 79 ટકા રકમ, 649 કરોડ રૂપિયા રિકવર કરવામાં સફળ રહી હતી. જ્યારે 171 કરોડ રૂપિયા હજુ રિકવર કરવાના બાકી છે.

શા માટે આવું બન્યું ?

બેંકે હજુ સુધી એ સ્પષ્ટતા નથી કરી કે આટલી મોટી રકમ અચાનક ખાતેદારોના ખાતાઓમાં કેવી રીતે ટ્રાન્સફર થઈ ગઈ, તે કોઈ માનવીય ભૂલને કારણે બન્યું કે ટેકનિકલ ખામીને કારણે કે હેકિંગને કારણે બન્યું? બેંકના જણાવ્યા મુજબ ટ્રાન્સફર કરાયેલી રકમમાંથી 79 ટકા રકમ એટલે કે 649 કરોડ રૂપિયા પરત મેળવી લેવામાં આવ્યા છે. જો કે, હજુ પણ લગભગ રૂ. 171 કરોડની વસૂલાત થઈ નથી, તેને પરત મેળવવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ ઘટનાની અસર યુકો બેંકના શેર પર પણ પડી હતી ગુરુવારે યુકો બેન્કનો શેર 1.1 ટકા ઘટીને રૂ. 39.39 થયો હતો. બેંકે આ ઘટના અંગે તપાસ એજન્સીઓને જાણ કરી છે.

બેંકે જણાવ્યુ હતું કે 10 નવેમ્બરથી 13 નવેમ્બર સુધી તેની ઈન્સ્ટન્ટ પેમેન્ટ સર્વિસ (IMPS) માં આંતરિક વિક્ષેપ ઊભો થયો હતો, ત્યારબાદ બેંકે તેની ઈન્સ્ટન્ટ પેમેન્ટ સર્વિસ (IMPS) ચેનલને ઓફલાઈન કરી લીધી. બેંકે આ ઘટના વિશે BSEને જાણ કરી હતી અને જણાવ્યુ હતું કે સાવચેતીના પગલા લઈને બેંકે તે ખાતાઓને બ્લોક કરી દીધા છે જેમાં ભૂલથી પૈસા ટ્રાન્સફર થયા હતા. રિઝર્વ બેંક પણ પોતાના સ્તરે આ ભૂલના કારણની તપાસ કરી રહી છે. યુકો બેંકે કહ્યું છે કે તેની અન્ય તમામ મહત્વપૂર્ણ સિસ્ટમો કાર્યરત છે.

શું છે ઈન્સ્ટન્ટ પેમેન્ટ સર્વિસ (IMPS)

ઉલ્લેખનીય છે કે ઈમીડિએટ પેમેન્ટ સર્વિસ (IMPS) પ્લેટફોર્મ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા ઓપરેટ કરવામાં આવે છે. જે બેંક દ્વારા પ્રદાન કરવામાં આવતી સેવા છે જેના દ્વારા લોકોને ઇન્ટરનેટ અને ફોન બેંકિંગ દ્વારા તરત જ નાણાં ટ્રાન્સફર કરવાની સુવિધા મળે છે. રિયલ ટાઈમ વ્યવહારોને કારણે, મોટાભાગના લોકો આ ચુકવણી સેવાનો ઉપયોગ કરવાનું પસંદ કરતાં હોય છે. જો કે, આ સેવા દ્વારા પૈસા ટ્રાન્સફર કરવા માટે, બેંક દ્વારા એક મર્યાદા પણ નક્કી કરવામાં આવે છે, જેના કારણે વધુ રકમની લેવડદેવડ થતી નથી.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.