છેલ્લા કેટલાક વર્ષોમાં ડિજિટલ પેમેન્ટ સેગમેન્ટ ઝડપથી વિકસ્યું છે. સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (CBDC) eRupee ભારતમાં અજમાયશ કરવામાં આવી રહી છે. આ માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ ઘણી બેંકો સાથે જોડાણ કર્યુ છે. જો કે, આરબીઆઈનું કહેવું છે કે તે આ અંગે કોઈ ઉતાવળ કરવા માંગતી નથી.
eRupeeનું ટ્રાયલ લગભગ બે વર્ષ પહેલા શરૂ કરવામાં આવ્યું હતું. આ ટ્રાયલ હવે એડવાન્સ તબક્કામાં પહોંચી ચુક્યુ છે. આરબીઆઈ (RBI) ના ડેપ્યુટી ગવર્નર ટી રબી શંકરે બ્લૂમબર્ગને જણાવ્યું હતું કે સામાન્ય ઉપયોગ માટે ભારતની ડિજિટલ કરન્સી લોન્ચ કરવામાં થોડો વિલંબ થઈ શકે છે. તેમણે ભારપુર્વક જણાવ્યું કે, “અમે આ બાબતમાં ઉતાવળ કરવા નથી માંગતા.” જોકે તેને માટે કોઈ ચોક્કસ સમય મર્યાદા રાખવામાં આવી નથી પરંતુ તેના પરિણામ કે અસર અંગે થોડી સ્પષ્ટતા આવ્યા બાદ તેને લોન્ચ કરવામાં આવશે. આરબીઆઈ (RBI) તેને ભારતીય ચલણના આંતરરાષ્ટ્રીયકરણના માધ્યમ તરીકે જોઈ રહી છે.
કેટલાક અન્ય દેશોમાં પણ સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (CBDC) ને નાણાકીય વ્યવસ્થામાં સામેલ કરવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે. તેનો ઉદ્દેશ આંતરરાષ્ટ્રીય ચૂકવણી માટે યુએસ ડોલર પર નિર્ભરતા ઘટાડવાનો છે. રબી શંકરે કહ્યું કે શ્રીલંકા અને યુનાઈટેડ આરબ અમીરાત (યુએઈ) સાથે સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (CBDC) સંબંધિત ચુકવણી વ્યવસ્થા પર કામ કરવામાં આવી રહ્યું છે. તાજેતરમાં, આરબીઆઈ (RBI) ના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે લગભગ 50 લાખ વપરાશકર્તાઓએ ઈ-રૂપી (eRupee) ના રિટેલ ટ્રાયલમાં ભાગ લીધો છે. દાસે કહ્યું હતું કે ઈ-રૂપી (eRupee) નું પ્રોગ્રામેબિલિટી ફીચર તેને નાણાકીય સિસ્ટમમાં એકીકૃત કરવા માટે મહત્વપૂર્ણ રહેશે. આમ થતા ખેડૂતોને લોન પણ સરળતાથી મળી શકશે. થોડા મહિનાઓ પહેલા, દુબઈ સ્થિત ક્રિપ્ટો એક્સચેન્જ બાયબિટે (ByBit) તેની પીઅર-ટુ-પીઅર (P2P) ટ્રાન્ઝેક્શન સેવામાં ઈ-રૂપી એકીકરણની જાહેરાત કરી હતી. કેટલીક UPI એપ્સ પણ આરબીઆઈ (RBI) ની દેખરેખ હેઠળના ડિજિટલ રૂપિયાના પ્રયોગમાં જોડાવાની યોજના બનાવી રહી છે.
તેમણે કહ્યું હતું કે, “ભાડા પર જમીન લઈને ખેતી કરતા ખેડૂતોને ખેતીમાં વપરાતી સામગ્રી માટે લોન લેવામાં મુશ્કેલી પડે છે કારણ કે તેમની પાસે બેંકોમાં જમા કરાવવા માટે જમીનના માલિકી હક્ક નથી. ઈ-રુપિયા (eRupee) નો ઉપયોગ કરીને પ્રોગ્રામિંગ કરીને ખેડૂતો માટે કૃષિ સંબંધિત લોન લેવાનું સરળ બનશે. આમ બેંકોને તેમની ઓળખ સ્થાપિત કરવા માટે ખેડૂતની જમીનના દસ્તાવેજોની જરૂર રહેશે નહીં.”