ઇઝરાયેલે સિરિયાની રાજધાની દમાસ્કસ અને અલેપ્પોના એરપોર્ટ પર વિનાશક હુમલાઓ કર્યા હતા.
ગુરુવારે ઈઝરાયલની હવાઈ સેનાએ સીરિયાના બે મુખ્ય એરપોર્ટ દમાસ્કસ અને અલેપ્પોને નિશાન બનાવીને વારંવાર હુમલાઓ કર્યા હતા, સીરિયન રાજ્ય ટેલિવિઝને જણાવ્યું હતું કે, આ સપ્તાહના અંતે ઇઝરાયેલ પર હમાસના હુમલા પછી ઇઝરાયેલનો આ પ્રકારનો પ્રથમ હુમલો છે અને હવે ભીષણ લડાઇ શરૂ થઇ છે.
“ઇઝરાયેલી હવાઈસેનાનું દમાસ્કસ અને અલેપ્પો એરપોર્ટને નિશાન બનાવીને આક્રમણ” રાજ્ય ટેલિવિઝને મેસેજિંગ એપ્લિકેશન ટેલિગ્રામ પર વધારાની વિગતો આપ્યા વિના અહેવાલ આપ્યો છે.
ઇઝરાયેલી હવાઈસેનાના વારંવારના હુમલાઓને કારણે યુદ્ધગ્રસ્ત સીરિયાની સરકાર દ્વારા નિયંત્રિત અલેપ્પો અને રાજધાની દમાસ્કસના એરપોર્ટ પર ફ્લાઇટ્સના ઉડાન બંધ કરી દેવી પડી છે. સીરિયાના સરકાર તરફી શામ એફએમ રેડિયોએ જણાવ્યું કે એરપોર્ટને ખુબ નુકસાન થયું છે. ચેનલે જણાવ્યું હતું કે બંને હુમલાનો સીરિયન એર ડિફેન્સ દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો. ચેનલે જણાવ્યું કે અલેપ્પો એરપોર્ટ પર નુકસાન થયું છે પરંતુ કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ દમાસ્કસ એરપોર્ટ પર હુમાલાની અસર વિશે કોઈ માહિતી મળી નથી.
હમાસના સેંકડો બંદૂકધારી આતંકીઓએ શનિવારે ગાઝા સરહદ પાર ઇઝરાયેલમાં ઘૂસી ગયા હતા અને 1,000 થી વધુ નાગરિકોને માર્યા ગયા હતા ત્યાર બાદ ઇઝરાયેલે હમાસ સામે યુદ્ધ છેડી દેધુ હતુ તેના આજે છઠ્ઠા દિવસે ઇઝરાયેલે સિરિયાના બે એરપોર્ટ ઉપર હુમલો કર્યો છે.
ઉલ્લેખનીય છે કે આ હુમલો ત્યારે કરવામાં આવ્યો છે જ્યારે અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન ઇઝરાયેલની મુલાકાતે આવ્યા છે. ઇઝરાયેલના સિરિયાના બે એરપોર્ટ ઉપર હુમલા બાદ ઈરાનના પ્રમુખ ઈબ્રાહિમ રાયસીએ તેમના સીરિયન સમકક્ષ બશર અલ-અસદ સાથે ટેલિફોન પર વાત કરી હતી અને આરબ અને ઈસ્લામિક દેશોને ઈઝરાયેલનો મુકાબલો કરવામાં સહકાર આપવા હાકલ કરી હતી.