UCC
Spread the love

યુસીસી (UCC) ના અમલ તરફ પગલું ભરનાર ગુજરાત ઉત્તરાખંડ બાદ બીજા નંબરનું રાજ્ય બનવા જઈ રહ્યું છે. ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડના અમલને લઈ મહત્ત્વના સમાચાર આવ્યા છે. યુસીસી (UCC) લાગુ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા આજે મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકારે કમિટીની જાહેરાત કરી છે. જેમાં વરિષ્ઠ અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેઓ 45 દિવસમાં રિપોર્ટ આપશે. ત્યાર બાદ UCC અંગે નિર્ણય લેવાઈ શકે છે.

મુખ્યમંત્રીએ શું કહ્યું?

ગાંધીનગરમાં પત્રકાર પરિષદને સંબોધન કરતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ભારતીયતા આપણો ધર્મ છે અને બંધારણ આપણો ધર્મગ્રંથ. દેશના તમામ નાગરિકોને સમાન હક્ક મળે તે માટે કેન્દ્ર સરકારે યુનિફોર્મ સિવિલ કોડનો (UCC) દેશવ્યાપી અમલ કરવાનો નિર્ણય કર્યો છે. જેને અનુસરીને ગુજરાત રાજ્ય સરકાર તમામ નાગરિકોને પણ સમાન હક અને અધિકાર મળે તે દિશામાં આગળ વધી રહી છે.

મુખ્યમંત્રી પટેલે વધુમાં જણાવ્યું કે, ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) ની આવશ્યકતા ચકાસવા અને કાયદા માટે મુસદ્દો તૈયાર કરવા એક કમિટીની રચના કરવાનો નિર્ણય કર્યો છે. આ કમિટી તમામ પાસાનો અભ્યાસ કરીને આગામી 45 દિવસમાં રિપોર્ટ રાજ્ય સરકારને આપશે. આ રિપોર્ટના આધારે રાજ્ય સરકાર આ કાયદાના અમલીકરણ માટે યોગ્ય નિર્ણય કરશે.

રંજના દેસાઈની અધ્યક્ષતામાં કમિટીની રચના

ગુજરાતમાં કોમન સિવિલ કોડ (UCC)ની આવશ્યકતા ચકાસવા અને કાયદા માટેનો મુસદો તૈયાર કરવા રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટના નિવૃત ન્યાયાધીશ રંજના કુમારીની અધ્યક્ષતામાં કમિટીની રચના કરી છે. ન્યાયમુર્તિ રંજના દેસાઈ ઉત્તરાખંડમાં પણ કમિટીના અધ્યક્ષ હતા. UCC નો એક અદભુત મોડેલ ઉત્તરાખંડ સરકારે રજૂ કર્યું છે. 45 દિવસ માં આ કમિટી રિપોર્ટ આપશે ત્યાર બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રિવ્યુ કરશે.

UCC કમિટી

ગુજરાતમાં કોમન સિવિલ કોડ (UCC) ની આવશ્યકતા ચકાસવા તથા કાયદાનો મુસદ્દો તૈયાર કરવા જે કમિટીની રચના કરવામં આવનાર છે તેના અધ્યક્ષ તરીકે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ શ્રીમતી રંજના દેસાઈ રહેશે. કમિટીમાં કુલ 5 સભ્યો રહેશે. આ કમિટીમાં વરિષ્ઠ નિવૃત્ત આઈ.એ.એસ. સી એલ મીણા, એડવોકેટ આર. સી. કોડેકર, ભુતપૂર્વ વાઈસ ચાન્સેલર દક્ષેશ ઠાકર અને સામાજિક કાર્યકર ગીતાબેન શ્રોફનો સમાવેશ થાય છે. આ કમિટી તમામ પાસાનો અભ્યાસ કરીને 45 દિવસમાં રાજ્ય સરકારને રિપોર્ટ આપશે. આ રિપોર્ટના આધારે સરકાર નિર્ણય કરશે.

કોણ છે જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈ?

જસ્ટિસ રંજના દેસાઈ સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જજ છે. તે 13 સપ્ટેમ્બર 2011થી 29 ઓક્ટોબર 2014 સુધી સુપ્રીમ કોર્ટમાં જજ હતા. તેમનો જન્મ 30 ઓક્ટોબર 1949ના રોજ થયો હતો. તેણે 1970માં મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી સ્નાતક (B.A.) પૂર્ણ કર્યું અને પછી 1973માં મુંબઈની સરકારી લૉ કૉલેજમાંથી બેચલર ઑફ લૉઝ (BA LLB)ની પરીક્ષા પાસ કરી. તે પછી તેણે વકિલાત શરૂ કરી.જસ્ટિસ રંજના દેસાઈ જમ્મુ અને કાશ્મીર પરના સીમાંકન આયોગના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. 70ના દાયકામાં પ્રેક્ટિસ શરૂ કરનારા જસ્ટિસ દેસાઈ સુપ્રીમ કોર્ટ પહેલા બોમ્બે હાઈકોર્ટના જજ રહી ચૂક્યા છે.

હર્ષ સંઘવીએ શું કહ્યું?

રાજ્યમાં સમાન નાગરિક અધિકાર કાયદા (UCC) અંગે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, અમારી સરકાર નાગરિકોને જે વચન આપ્યા એ પૂરા કરવામાં માને છે. રાજ્યના સમાન નાગરિક કાયદામાં આદિવાસી સંસ્કૃતિ અને નિયમોના સંરક્ષણ માટે વિશેષ ધ્યાન રાખવામાં આવશે. હાલ ઉત્તરાખંડમાં જે સમાન નાગરિક કાયદો અમલમાં છે, એ આદર્શ છે. રાજ્યમાં પણ એ પાસાઓને ધ્યાને રાખી સમાન નાગરિક કાયદો બની શકે છે. અંતે સમિતિ જે અહેવાલ મુખ્યમંત્રીને સોંપશે એનો રિવ્યૂ કરી, ધાર્મિક આગેવાનો સાથે ચર્ચા કરી આગળનો નિર્ણય લેવાશે.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

One thought on “UCC લાગુ થશે ગુજરાતમાં, યુનિફોર્મ સિવિલ કોડ માટે રાજ્ય સરકારે કરી કમિટીની જાહેરાત”
  1. […] સિવિલ કોડ (UCC) લાગુ કરવામાં આવ્યો હતો. ગુજરાત સરકાર પણ યુનિફોર્મ સિવિલ કોડ (UCC… ને લાગુ કરવાની દિશામાં પગલાં લઈ રહી […]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *