Spread the love

કેન્દ્ર સરકારે વિકિપીડિયાને નોટિસ ફટકારી છે. સરકારે નોટિસ દ્વારા પ્રશ્ન ઉઠાવ્યો છે કે શા માટે વિકિપીડિયાને મધ્યસ્થીને બદલે પ્રકાશક તરીકે વર્ગીકૃત ન કરવું જોઈએ? વિકિપીડિયા એક મફત ઓનલાઈન એનસાયક્લોપીડીયા તરીકે ઓળખાય છે. કેન્દ્રએ વિકિપીડિયા પર એકતરફી લેખન અને ગેરમાર્ગે દોરનારી માહિતી આપવા અંગે જવાબો માંગ્યા છે.

ઓનલાઈન એનસાયક્લોપીડીયા તરીકે ઓળખાતા પ્લેટફોર્મ વિકીપીડિયાને કેન્દ્ર સરકારે મંગળવારે નોટિસ ફટકારી છે. આ નોટિસમાં કેન્દ્ર સરકારે લખ્યું છે કે વિકિપીડિયા દ્વારા આપવામાં આવેલી માહિતીમાં એકતરફી લખાણ અને ગેરમાર્ગે દોરનારી માહિતી અંગે ઘણી ફરિયાદો મળી છે. કેન્દ્રએ પૂછ્યું છે કે શા માટે તેને મધ્યસ્થીને બદલે પ્રકાશક તરીકે ગણવામાં આવે. સૂત્રોનું કહેવું છે કે ઈન્ટરનેટ એનસાઈક્લોપીડિયાને લખેલા પત્રમાં સરકારે ભારપૂર્વક જણાવ્યું છે કે સંપાદકોના નાના જૂથ પાસે પ્લેટફોર્મ ઉપર અપલોડ કરવાના કન્ટેન્ટ ઉપર નિયંત્રણ છે, જે તે કન્ટેન્ટની પ્રાકૃતિકતાને સંભવિતપણે અસર કરી શકે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકારે પ્રશ્ન ઉઠાવ્યો છે કે શા માટે વિકિપીડિયાને મધ્યસ્થીને બદલે પ્રકાશક તરીકે વર્ગીકૃત કરવામાં ન આવે? જો કે, હજુ સુધી આ બાબતે સરકાર તરફથી કે વિકિપીડિયા તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. વિકિપીડિયા એક મફત ઓનલાઈન એનસાયક્લોપીડિયા તરીકે ઓળખાય છે. તે તેના વોલન્ટીયર્સને વિવિધ મુદ્દાઓ અને જાણકારીના ક્ષેત્રો સહિત વિવિધ વિષયો પર પૃષ્ઠો બનાવવા અને સંપાદિત કરવાની સુવિધા આપે છે.

દિલ્હી હાઈકોર્ટે પણ લગાવી હતી વિકીપિડિયાને ફટકાર

તાજેતરમાં દિલ્હી હાઈકોર્ટે વિકિપીડિયાને ફટકાર લગાવી હતી. સમાચાર એજન્સી ANI દ્વારા દાખલ કરાયેલા કેસ દરમિયાન ભારતમાં સંભવિત પ્રતિબંધની ચેતવણી પણ આપી હતી. તે ચેતવણી આપ્યાના લગભગ બે મહિના બાદ સરકારે પગલું ઉઠાવ્યું છે. સમાચાર એજન્સી ANI દ્વારા દાખલ કરાયેલા કેસમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે વિકિપીડિયા પેજમાં ખોટી માહિતી અને અપમાનજનક સામગ્રી છે. 1લી નવેમ્બરે યોજાયેલી સુનાવણીમાં કોર્ટે વિકિપીડિયાના “મુક્ત એનસાયક્લોપીડિયા” હોવાના દાવા પર પ્રશ્ન ઉઠાવ્યો હતો અને ભાર મૂક્યો હતો કે વિકિપીડિયાએ, પ્રકાશકને બદલે “મધ્યસ્થી” તરીકે ઓળખાવા બાબતે જરૂરી માહિતી પ્રદાન કરવી જોઈએ. વિકિપીડિયા કથિત પૂર્વગ્રહ અને ખોટી માહિતી માટે ટીકાનો સામનો કરી રહ્યું છે. યુએસ પ્રમુખપદની ચૂંટણી દરમિયાન વિકિપીડિયા ઉપર પુર્વગ્રહયુક્ત અને ખોટી માહિતી રજૂ કરવાના આરોપો મુકાયા હતા.

એલન મસ્કે પણ ઉઠાવ્યા હતા વિકિપીડિયા ઉપર પ્રશ્નો

સોશ્યલ મિડીયા પ્લેટફોર્મ X ના માલિક અને વિખ્યાત અમેરિકન ઉદ્યોગપતિ એલન મસ્કે વિકિપીડિયા પર ડાબેરી વિચારધારાઓને સમર્થન આપવાનો જાહેરમાં આરોપ મૂક્યો છે. મસ્કે લોકોને વિકિપીડિયા પર દાન ન કરવાની અપીલ કરી હતી. એલન મસ્કે દાવો કર્યો હતો કે વિકિપીડિયા ડાબેરી કાર્યકરો દ્વારા નિયંત્રિત છે.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *