T20 ઈન્ટરનેશનલ ક્રિકેટના ઈતિહાસમાં સર્વોચ્ચ સ્કોરનો નવો રેકોર્ડ બન્યો છે. સિકંદર રઝાની ઝંઝાવાતી સદીના સહારે ઝિમ્બાબ્વે ક્રિકેટ ટીમે ગામ્બિયા સામે 20 ઓવરમાં 344 રન બનાવીને સૌથી મોટા અંતર 290 રનથી જીતવાનો નવો વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે.
કેન્યાની રાજધાની નૈરોબીમાં મેન્સ T20 વર્લ્ડ કપના આફ્રિકા પેટા-પ્રદેશની ક્વોલિફાઈંગ ટૂર્નામેન્ટ રમાઈ રહી છે. બુધવારે 23 ઓક્ટોબરે આ ક્વોલિફાઈંગ ટૂર્નામેન્ટમાં ઝિમ્બાબ્વે અને ગામ્બિયા વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં એવી સંભાવના દર્શાવાઈ રહી હતી કે ગામ્બિયા જેવી બિનઅનુભવી ટીમને ઝિમ્બાબ્વે સરળતાથી હરાવી દેશે પણ મેચ દરમિયાન જે થયું તે સાવ જ અનપેક્ષિત હતુ.
ઝિમ્બાબ્વેએ પ્રથમ બેટિંગ કરતા ગામ્બિયા જેવી બિનઅનુભવી ટીમનક સામે રનોનો વરસાદ વરસાવી દીધો હતો. ઝિમ્બાબ્વેનો માત્ર ડીયોન માયર્સ નિષ્ફળ ગયો જ્યારે અન્ય બેટ્સમેનો રન બનાવવામાં સફળ થયા હતા. ઝિમ્બાબ્વેના ઓપનર બ્રાયન બેનેટ અને ટી મારુમણીએ માત્ર 5.4 ઓવરમાં 98 રન બનાવીને ઝિમ્બાબ્વેના ઈરાદાનો પરચો આપ્યો હતો. મારૂમણી માત્ર 19 બોલમાં 62 રન બનાવીને આઉટ થયો હતો. બેનેટે પણ ઝંઝાવાતી 26 બોલમાં 50 રન બનાવ્યા.
ઝિમ્બાબ્વેના સૌથી અનુભવી ઓલરાઉન્ડર અને સુકાની સિકંદર રઝાએ મેદાનની ચોતરફ ચોગ્ગા અને છગ્ગાની રમઝટ બોલાવી ગેમ્બિયાના બોલરોના આત્મવિશ્વાસનો કચ્ચરઘાણ વાળી દીધો હતો. સિકંદરે T20 ઇન્ટરનેશનલમાં ICCની પૂર્ણ સભ્ય ટીમોમાં સૌથી ઝડપી સદીનો નવો રેકોર્ડ સર્જતા માત્ર 33 બોલમાં પોતાની સદી ફટકારી હતી. સિકંદરે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન રોહિત શર્મા અને દક્ષિણ આફ્રિકાના ડેવિડ મિલરના 35 બોલમાં સદી ફટકારવાનો રેકોર્ડ તોડી નવો રેકોર્ડ બનાવ્યો હતો.
ઝિમ્બાબ્વે અને ગામ્બિયા વચ્ચેની આ મેચમાં બીજો પણ એક રેકોર્ડ સર્જાયો હતો. ઝિમ્બાબ્વેના કેપ્ટન સિકંદર રઝાએ પોતાની ઈનિંગમાં 7 ચોગ્ગા અને 15 સિક્સ ફટકારી. મધંડેએ માત્ર 17 બોલમાં 5 છગ્ગાની મદદથી 55 રન બનાવ્યાહતા. ઝિમ્બાબ્વેની ટીમે પોતાની આ રેકોર્ડ ઇનિંગમાં કુલ 27 છગ્ગા ફટકારીને નેપાળનો એક ઈનિંગમાં 26 છગ્ગા ફટકારવાનો રેકોર્ડ તોડીને નવો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.
ઝિમ્બાબ્વેએ આપેલા 345 રનના ટાર્ગેટ સામે ગામ્બિયાની બટિંગ હરોળ પત્તાના મહેલની જેમ 14.4 ઓવરમાં માત્ર 54 રન બનાવીને ધરાશાયી થઈ ગઈ હતી. ગામ્બિયા તરફથી આંદ્રે જાર્જુ 12 બોલમાં 12 રન બનાવીને અણનમ રહ્યો હતો. આંદ્રે જાર્જુ સિવાય ગામ્બિયાનો એક પણ બેટ્સમેન ડબલ ફિગરે પણ પહોંચી શક્યો નહોતો. ઝિમ્બાબ્વેના રિચર્ડ ન્ગારાવા અને બ્રેન્ડન માવુતાએ 3-3 વિકેટો ઝડપી હતી. ઝિમ્બાબ્વે આ મેચ વર્લ્ડ રેકોર્ડ સર્જતા 290 રનથી જીતી લીધી હતી.