ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ બેટ્સમેન લૂ વિન્સેન્ટે ખુલાસો કર્યો છે કે તે ઈન્ડિયન ક્રિકેટ લીગ દરમિયાન 2000 ના દાયકાના અંતમાં મેચ ફિક્સિંગની દુનિયામાં કેવી રીતે ખેંચાયો હતો અને તે એક એવી ગેંગનો ભાગ હતો જેણે તેના ડિપ્રેશન સંબંધિત દિવસોમાં તેને મદદ કરી હતી. ઉલ્લેખનીય છે કે ઈન્ડિયન ક્રિકેટ લીગ વિવાદોને કારણે 2009 માં જ બંધ થઈ ગઈ હતી.
ન્યુઝીલેન્ડ તરફથી 23 ટેસ્ટ અને 108 ODI મેચ રમનાર વિન્સેન્ટ પર 2004માં મેચ ફિક્સિંગ બદલ ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ દ્વારા આજીવન પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ગયા વર્ષે પ્રતિબંધનો સમયગાળો ઓછો કરીને તેને સ્થાનિક ક્રિકેટમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવી હતી.
46 વર્ષના આ ખેલાડીએ 2000ના દાયકાની સૌથી મજબૂત ટીમ ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટમાં સદી ફટકારીને કારકિર્દીની ધમાકેદાર શરૂઆત કરી હતી. જોકે ત્યારબાદ તે ડિપ્રેશનમાં સરી પડ્યો હતો અને મેચ ફિક્સિંગ સાથે જોડાઈ ગયો હતો. આ રીતે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દી માત્ર 29 વર્ષની ઉંમરે અકાળે સમાપ્ત થઈ ગઈ.
ધ ટેલિગ્રાફ સાથેની મુલાકાતમાં, વિન્સેન્ટે જણાવ્યું કે કેવી રીતે તેના પ્રારંભિક ઉછેરે તેમના વ્યક્તિત્વ અને કારકિર્દીને પ્રભાવિત કર્યા. તેણે કહ્યું, “હું પ્રોફેશનલ ખેલાડી બની શકું તેટલો માનસિક રીતે મજબૂત નહોતો. 28 વર્ષની ઉંમરે હું ડીપ ડિપ્રેશનમાં સરી પડ્યો અને પછી ભારત ગયો જ્યાં મેચ ફિક્સિંગની દુનિયામાં ધકેલાઈ ગયો.”
વિન્સેન્ટે કહ્યું, “મને લાગ્યું કે હું એક ગેંગનો ભાગ છું. તેનાથી મને લગભગ સારું લાગે છે, કારણ કે હું વિચારી રહ્યો હતો: ‘હું મેચ ફિક્સિંગ ગેંગનો ભાગ છું, હું એવા જૂથ સાથે છું જે મારી પીઠ થપથપાવશે અને અમારા વિશે કોઈ જાણતું નથી.”
વિન્સેન્ટની કૌટુંબિક પૃષ્ઠભૂમિને ઠીક નહોતી જેન કારણે તે હંમેશા પોતાની આસપાસ ભાવનાત્મક ટેકો શોધતો હતો અને અંતે તેને ભ્રષ્ટાચારની ગંદી દુનિયામાં તે સહારો મળ્યો. વિન્સેન્ટ હાલમાં ન્યુઝીલેન્ડ પ્લેયર્સ એસોસિએશનની ભ્રષ્ટાચાર વિરોધી શિક્ષણ પહેલમાં સામેલ છે.
તેણે કહ્યું, “12 વર્ષની ઉંમરથી મેં મારી જાત મહેનતથી ઉછર્યો અને તેથી હું હંમેશા મારી આસપાસના લોકોના પ્રભાવમાં આવી જતો હતો. હું સ્નેહ ઈચ્છતો હતો અને તેથી સરળતાથી ભટકી ગયો.”
જો કે, વિન્સેન્ટને મેચ ફિક્સિંગ ગેંગનો ભાગ બનવાના જોખમોનો અહેસાસ થવા લાગ્યો હતો. તેણે કહ્યું, “જ્યારે તમે તે દુનિયાનો એક ભાગ હોવ છો, ત્યારે તેમાંથી બહાર નીકળવું સરળ નથી. તેમાં હંમેશા કોઈને કોઈ ખતરો રહે છે કારણ કે તેઓ તમને અને તમારા પરિવારને સારી રીતે જાણે છે.”
વિન્સેન્ટે કરેલા ખુલાસાથી વિશ્વ અને ભારતીય ક્રિકેટ વર્તુળોમાં ફરીથી મેચ ફિક્સિંગ બાબતે ચર્ચા શરુ થવાની સંભાવના ઉભી થઈ છે. બીજી તરફ ICC ચેમ્પિયન્સ ટ્રોફિ શરુ થવામાં છે ત્યારે મેચ ફિક્સિંગનો મુદ્દો વધારે ઘેરો બને તેવી સંભાવના દર્શાવાઈ રહી છે.