ચીનમાં રમાઈ રહેલી એશિયન ગેમ્સ 2023ની ભાલા ફેંકની આજે ફાઈનલ રમાઈ હતી જેમાં ભારતના ભાલેબાજોએ બે મેડલ મેળવ્યા છે. ભાલા ફેંકની આજે ફાઈનલમાં ભારતના નીરજ ચોપરાએ સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. ભારતના જ કિશોર કુમાર રજત ચંદ્રક જીતવામાં સફળ રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે એશિયન ગેમ્સમાં નીરજ ચોપરાનો આ સતત બીજો સુવર્ણ ચંદ્રક છે. કિશોર કુમારે પણ વ્યક્તિગત રુપે શ્રેષ્ઠ પ્રદર્શન કરતા રજત ચંદ્રક પોતાના નામે કર્યો હતો. આ બંને ખેલાડીઓએ જીતેલા મેડલને ગણતા એશિયન ગેમ્સમાં ભારતે જીતેલા મેડલ્સની સંખ્યા 80 પર પહોંચી ગઈ છે.
એશિયન ગેમ્સની ભાલા ફેંકની ફાઈનલમાં નીરજ ચોપરા પ્રથમ રાઉન્ડથી જ આગળ હતા. નીરજનો પહેલો થ્રો ટેક્નિકલ સમસ્યાને કારણે ગણાઈ શક્યો નહોતો. ત્યાર બાદ નીરજને ફરી થ્રો કરતા ભાલો 82.38 મીટર દુર ફેંક્યો હતો. ભારતના જ કિશોર કુમારે ભાલા ફેંકની ફાઈનલમાં 81.26 મીટર સુધી દુર પ્રથમ થ્રો ફેંક્યો હતો. કિશોર કુમાર પ્રથમ રાઉન્ડમાં બીજા ક્રમે રહ્યા હતા. નીરજ ચોપરાએ બીજા રાઉન્ડમાં ભાલો 84.49 મીટર દુર ફેંકવામાં સફળ રહ્યા હતા.
ત્રીજા રાઉન્ડમાં ભારતના જ કિશોર કુમાર જેના અને નીરજ ચોપરા વચ્ચે સ્પર્ધા હતી. ભાલા ફેંકની ફાઇનલના ત્રીજા રાઉન્ડમાં કિશોર કુમાર જેનાએ નીરજ ચોપરાને પાછળ છોડી દીધા હતા. કિશોરે ફાઇનલમાં 86.77ના થ્રો સાથે લીડ મેળવી હતી. જોકે નીરજ ચોપરાનો ત્રીજો થ્રો ફાઉલ થતા ગણવામાં આવ્યો નહોતો. નીરજ ફાઉલ બાદ 88.88 મીટર થ્રો કરીને કિશોરને પાછળ છોડી દીધો હતો. કિશોર નો થ્રો પણ આગળના રાઉન્ડ કરતા વધુ સારા પ્રદર્શન સાથે 87.54 મીટર દુર ગયો હતો,