દિલ્હી હિંસાના આરોપી શરજીલ ઈમામે (Sharjeel Imam) દિલ્હી રમખાણો પર આધારિત ફિલ્મ ‘2020 દિલ્હી’ની રિલીઝને રોકવા માટે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી છે. ફિલ્મ તેની જામીન અરજી અને કોર્ટની પ્રક્રિયાને અસર કરી શકે છે એવો દાવો કરીને શરજીલે ફિલ્મની પ્રી-સ્ક્રિનિંગ અને ટ્રેલર, પોસ્ટર અને વીડિયો હટાવવાની પણ માંગ કરી છે. હાઈકોર્ટે સુનાવણી શુક્રવારે નક્કી કરી છે.

શરજીલ ઈમામ (Sharjeel Imam) પહોંચ્યો હાઈકોર્ટ
દિલ્હી હિંસાના આરોપી શરજીલ ઈમામે (Sharjeel Imam) ગુરુવારે દિલ્હી હાઈકોર્ટમાં 2020 નોર્થ-ઈસ્ટ દિલ્હી રમખાણો પર આધારિત ફિલ્મ ‘2020 દિલ્હી’ની રિલીઝને મોકૂફ રાખવાની માંગ કરી છે. અરજીમાં તેણે આરોપ લગાવ્યો છે કે ફિલ્મનો પ્લોટ પક્ષપાતી છે અને તેનાથી તેની કોર્ટ પ્રક્રિયાને અસર થઈ શકે છે. આ ફિલ્મ દિલ્હી વિધાનસભા ચુંટણી (Delhi Assembly election) ના ત્રણ દિવસ પહેલા એટલે કે 2 ફેબ્રુઆરીએ રિલીઝ થવા જઈ રહી છે.
Sharjeel Imam moves Delhi High Court to postpone release of movie ‘2020 Delhi’
— Bar and Bench (@barandbench) January 30, 2025
Read more here: https://t.co/huS8MTqTXr pic.twitter.com/Ps3Da9LD9t
પ્રી-સ્ક્રિનિંગની કરી માંગ
શરજીલ ઈમામે (Sharjeel Imam) કોર્ટ પાસે ફિલ્મની પ્રી-સ્ક્રિનિંગની માંગણી કરી છે. આ ઉપરાંત જ્યાં સુધી તેની સામેના UAPA કેસની સુનાવણી પૂર્ણ ન થાય ત્યાં સુધી ફિલ્મની રિલીઝને મોકૂફ રાખવાની અપીલ કરી છે. અરજી પર સુનાવણી કરતા જસ્ટિસ સચિન દત્તાએ નોટિસ જારી કરી અને શુક્રવાર (2 ફેબ્રુઆરી)ના રોજ સુનાવણી માટે આ મામલાની સૂચિબદ્ધ કરી છે.
અરજીમાં શું દાવો કરવામાં આવ્યો?
અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે ફિલ્મ નિર્માતાઓએ કાયદાકીય પ્રક્રિયાઓની અવગણના કરી છે અને રમખાણોની ઘટનાઓને જાણી જોઈને ખોટી રીતે રજૂ કરી છે. તેણે વધુમાં કહ્યું કે અરજદાર શરજીલ ઈમામ (Sharjeel Imam) ની જામીન અરજી જે હાઈકોર્ટમાં પેન્ડિંગ છે તેને ફિલ્મનું ટ્રેલર અસર કરી શકે છે. આ ઉપરાંત એવો દાવો કરાયો છે કે આ ફિલ્મ વિશેષ ન્યાયાધીશ સમક્ષ ચાલી રહેલી સુનાવણીને પણ અસર કરી શકે છે.
ટ્રેલર હટાવવા કરી અપીલ
શરજીલે કોર્ટને એવી પણ અપીલ કરી છે કે જ્યાં સુધી કેસની સુનાવણી પૂરી ન થાય ત્યાં સુધી ફિલ્મનું ટ્રેલર, ફોટા, પોસ્ટર, ટીઝર અને વીડિયો પણ હટાવી દેવામાં આવે. આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે ફિલ્મના ટ્રેલરમાં શરજીલ ઈમામ (Sharjeel Imam) ને મુખ્ય પાત્ર તરીકે રજૂ કરવામાં આવ્યા છે, જેનાથી તેની પ્રતિષ્ઠા અને સન્માનને અસર થઈ શકે છે. ફિલ્મ તેના નિર્ધારિત સમય પર રિલીઝ થશે કે નહીં તે હવે હાઈકોર્ટ આગામી સુનાવણી શુક્રવારે કરશે ત્યારે નક્કી થઈ શકે.

કોને બનાવાયા પ્રતિવાદી
આ અરજીમાં કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલય, સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC), દિલ્હી પોલીસ ઉપરાંત ફિલ્મના ડિરેક્ટર દેવેન્દ્ર માલવિયા, વિઝ્યુઅલ બર્ડ્સ ઈન્સ્ટિટ્યૂટ એન્ડ સ્ટુડિયો (VIBES) પ્રાઈવેટ લિમિટેડ અને ફિલ્મના નિર્માતા નંદ કિશોર માલવિયા, આશુ માલવિયા અને અમિત માલવિયાને પ્રતિવાદી બનાવવામાં આવ્યા છે. શરજીલ ઈમામ (Sharjeel Imam) વતી આ અરજી એડવોકેટ અહેમદ ઈબ્રાહિમ, તાલિબ મુસ્તફા અને આયેશા ઝૈદી દ્વારા દાખલ કરવામાં આવી છે.