- લોકસભા તથા રાજ્યસભા ટીવી ચેનલનો વિલય કરવામાં આવ્યો
- સંસદ ટીવી નામથી ઓળખાશે નવી ચેનલ
- સંસદ ટીવી પર પ્રસારિત થશે સંસદની કાર્યવાહી
લોકસભા અને રાજ્યસભા ટીવી ચેનલ મર્જ કરવામાં આવી
લોકસભા ટીવી તથા રાજ્યસભા ટીવી ચેનલનો એક ચેનલમાં વિલય કરવામાં આવી છે જે હવે સંસદ ટીવી ચેનલ તરીકે ઓળખવામાં આવશે. લોકસભા અધ્યક્ષ શ્રી ઓમ બિરલા તથા રાજ્યસભા અધ્યક્ષ વૈકયા નાયડુએ સંયુક્ત રીતે આ નિર્ણય લીધો છે. જોકે બંને ચેનલોના વિલય બાબતે ગયા વર્ષે જૂન મહિનામાં સૂચના આપવામાં આવી હતી જ્યારે સોમવારે રાજ્યસભા સચિવાલયના કાર્યાલય દ્વારા આધિકારીક જાહેરાત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે બંને ચેનલોના વિલય બાબતે ગયા વર્ષે નવેમ્બરમાં રાજ્યસભાના સભાપતિ વેંકૈયા નાયડુ તથા લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ એક પેનલની રચના કરી હતી જે પેનલના અભિપ્રાય બાદ બંને ચેનલોના વિલયનો નિર્ણય લેવાયો છે.
લોકસભા ટીવી અને રાજ્યસભા ટીવી
લોકસભા ટીવીની શરૂઆત 1989 માં થઈ હતી, લોકસભા ટીવી પર લોકસભાની કાર્યવાહી પ્રસારિત કરવામાં આવે છે. થોડા સમય પહેલા રાષ્ટ્રપતિના અભિભાષણ, પ્રશ્ન કાળ તથા શૂન્ય કાળનું પ્રસારણ કરવાની શરૂઆત કરવામાં આવી હતી. રાજ્યસભા ટીવીની શરૂઆત 2011 માં કરવામાં આવી હતી તેની ઉપર રાજ્યસભાની કાર્યવાહી ઉપરાંત રાજકીય, સરકારી તથા અન્ય કાર્યક્રમો દર્શાવવામાં આવે છે.
નવી સંસદ ટીવી ચેનલ પર સંસદીય કાર્યવાહીનું પ્રસારણ કરવામાં આવશે
બંને ચેનલોના વિલયને લઈને એક અધિકારીએ જણાવ્યું હતું કે, લોકસભા ટીવી પર લોકસભાની કાર્યવાહીનું જીવંત પ્રસારણ કરવામાં આવશે તથા રાજ્યસભા ટીવી પર રાજ્યસભાની કાર્યવાહીનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. સંસદના સંયુક્ત સત્ર અને કાર્યવાહી સિવાયના સમયમાં બંને ટીવી ચેનલો પર એક સરખા કંટેન્ટ પ્રસારિત કરવામાં આવી શકે છે.