– ઈન્ડોનેશિયાના પૂર્વ રાષ્ટ્રપતિ સુકર્ણોની પુત્રી છે સુકમાવતી સુકર્ણો
– ઈન્ડોનેશિયા વિશ્વમાં સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ છે
– સુકમાવતી વિરુદ્ધ ઈશ નિંદાનો કેસ કર્યો હતો કટ્ટરવાદીઓએ
ઈન્ડોનેશિયાના પૂર્વ રાષ્ટ્રપતિ સુકર્ણોની પુત્રીએ ઈસ્લામ ત્યાગી હિંદુ ધર્મ અપનાવ્યો
ઈન્ડોનેશિયા માટે આજનો દિવસ ઐતિહાસિક રીતે મહત્વનો બની રહેશે. આજે 26 ઓક્ટોબર 2021ના રોજ ઈન્ડોનેશિયાના પૂર્વ રાષ્ટ્રપતિ સુકર્ણોની ત્રીજી પુત્રી અને પુર્વ રાષ્ટ્રપતિની બહેન સુકમાવતી સુકર્ણપુત્રીએ ઈસ્લામ છોડીને હિંદુ ધર્મ અપનાવ્યો છે. આ સાથે એવું પણ જાણવામાં આવી રહ્યું છે કે તેમની સાથે તેમનાં 30 હજાર સમર્થકો એ પણ હિન્દુ ધર્મ અપનાવ્યો છે. CNN ઈન્ડોનેશિયાએ થોડા દિવસો પહેલા જ સુકમાવતી સુકર્ણપુત્રી ઈસ્લામ છોડીને હિંદુ ધર્મ અપનાવવાના છે એવી માહિતી આપી હતી.
બાલી ટાપુ પર યોજાયેલા કાર્યક્રમમાં હિંદુ ધર્મ અપનાવ્યો
ઈન્ડોનેશિયાના પૂર્વ રાષ્ટ્રપતિ સુકર્ણોની પુત્રી સુકમાવતી સુકર્ણોએ બાલી ના અગુંગ સિંગરાજા બુલેલેંગ રેજન્સીના સુકર્ણો સેન્ટર હેરિટેજ એરિયા ખાતે યોજાયેલા ખાસ સમારોહમાં હિંદુ ધર્મ અપનાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે સુકમાવતી સુકર્ણો ઈન્ડોનેશિયાના પૂર્વ રાષ્ટ્રપતિ સુકર્ણોની ત્રીજી પુત્રી અને પૂર્વ રાષ્ટ્રપતિ મેઘાવતી સુકર્ણપુત્રીની નાની બહેન છે. 70 વર્ષની સુકમાવતી સુકર્ણોપુત્રી ઈન્ડોનેશિયામાં જ રહે છે.
કટ્ટરવાદી તત્વો દ્વારા સુકમાવતીનો વિરુદ્ધ ઈશ નિંદાનો કેસ દાખલ કરાયો હતો
વર્ષ 2018માં ઈન્ડોનેશિયાના કટ્ટરપંથી ઈસ્લામિક સંગઠનોએ તેમની વિરુદ્ધ ઈશનિંદાની ફરિયાદ નોંધાવી હતી. સંગઠનોના કહેવા મુજબ તેઓએ કવિતા પઠન દ્વારા ઇસ્લામનું અપમાન કર્યું હતું. આ સંગઠનોએ સુકમાવતી આ માટે જાહેરમાં માફી માંગે એવી માંગ કરી હતી. સુકમાવતીએ માફી પણ માંગી હતી પરંતુ માફી માગ્યા પછી પણ વિવાદોએ તેમનો પીછો ન છોડ્યો અને કટ્ટરપંથીઓએ વારંવાર તેમને નિશાન બનાવતા રહ્યા. આ પછી, વિશ્વના સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતા દેશ ઇન્ડોનેશિયામાં રહેતી સુકમાવતીએ હિન્દુ ધર્મ અપનાવવાનો નિર્ણય કર્યો.
સુકમાવતીના નિર્ણય સાથે તેમનો પરિવાર સહમત
સુકમાવતી સુકર્ણોના ઈસ્લામ ત્યાગીને હિંદુ ધર્મ અપનાવવાના નિર્ણયનું તેમના પરિવારમાં સ્વાગત અને સમર્થન કરવામાં આવ્યું છે. હિંદુ ધર્મને સારી રીતે સમજ્યા પછી, સુકમાવતીએ ‘શુદ્ધિ વદાની’ કાર્યક્રમ દરમિયાન હિન્દુ ધર્મ અપનાવવાનો નિર્ણય લીધો હતો. તેમના ભાઈઓ, ગુંટુર સુકર્ણોપુત્ર અને ગુરુહ સુકર્ણોપુત્ર, બહેન મેઘાવતી સુકર્ણોપુત્રીએ પણ તેમના ધર્માંતરણને સમર્થન આપ્યું છે. તેમના ત્રણ બાળકો, મોહમ્મદ પુત્ર પરવીરા ઉતામા, પ્રિન્સ હર્યો પૌંડ્રાજરના સુમૌત્રા જીવનેગારા અને ગુસ્તી રાડેન આયુ પુત્રી સિનીવતી પણ આ નિર્ણયના સમર્થનમાં છે. સુકમાવતીના વકીલ વિટારિયોનો રેઝસોપ્રોઝો અનુસાર, સુકમાવતીએ હિંદુ ધર્મશાસ્ત્ર વિશે ઘણો અભ્યાસ કર્યો છે તેમની બાલીની મુલાકાતો દરમિયાન, સુકમાવતી ઘણીવાર હિંદુ ધાર્મિક સમારંભોમાં સામેલ થતા હોય છે અને હિંદુ ધાર્મિક વ્યક્તિઓ સાથે તેઓની વાતચીત પણ થતી હોય છે.