ભારતના ચૂંટણી પંચે રાજ્યસભાની 6 ખાલી બેઠકો માટે જાહેરનામું બહાર પાડ્યું છે. 20 ડિસેમ્બરે ચૂંટણી યોજાશે અને તે જ દિવસે પરિણામ પણ જાહેર થશે.
ચૂંટણી પંચે સોમવારે રાજ્યસભાની 6 ખાલી બેઠકો માટે જાહેરનામું બહાર પાડ્યું છે. સંસદના ઉપલા ગૃહ માટે 20 ડિસેમ્બરે ચૂંટણી યોજાશે અને તે જ દિવસે સાંજે અથવા રાત્રે પરિણામ પણ જાહેર કરવામાં આવશે. આ ચૂંટણી આંધ્ર પ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને હરિયાણા માટે યોજાશે.
ત્રણ સીટો ટીડીપીના ખાતામાં જશે
આંધ્રપ્રદેશમાં સૌથી વધુ ત્રણ બેઠકો પર રાજ્યસભાની ચૂંટણી યોજાશે. જગન મોહન રેડ્ડીની YSRCPના ત્રણ સાંસદો, વેંકટરામન રાવ મોપીદેવી, બીધા મસ્તાન રાવ યાદવ અને રાયગા કૃષ્ણૈયાએ રાજ્યસભામાંથી આપેલા રાજીનામા બાદ આ બેઠકો ખાલી હતી, જેના કારણે નવા સભ્યો માટે ચૂંટણી યોજાશે. આંધ્રપ્રદેશની વિધાનસભામાં મુખ્યમંત્રી ચંદ્ર બાબુ નાયડુની તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) ની શક્તિ જોતા આ ત્રણેય બેઠકો સરળતાથી જીતી શકે છે.
Election Commission of India releases notification for the 6 vacant seats of Rajya Sabha. Elections will be held on 20th December and results will also be declared on the same day. pic.twitter.com/5EYrfOYY1p
— ANI (@ANI) November 26, 2024
ઓડિશામાં એક સીટ પર ચૂંટણી થશે
ઓડિશામાં રાજ્યસભાની એક બેઠક માટે ચૂંટણી યોજાશે. નવીન પટનાયકની આગેવાની હેઠળના બીજેડી સાંસદ સુજીત કુમારે રાજ્યસભામાંથી રાજીનામું આપી દેતા આ સીટ ખાલી પડી હતી. રાજ્ય વિધાનસભામાં ભાજપની બહુમતી જોતા આ બેઠક ભાજપને મળે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે ભાજપે અહીં પહેલીવાર પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવી છે.
બંગાળમાં ટીએમસીને એક સીટ મળશે
પશ્ચિમ બંગાળમાં સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના જવાહર સરકારે રાજ્યસભાના સભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું હતું. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની ટીએમસી આ સીટ સરળતાથી જીતી શકે છે.
હરિયાણામાં એક સીટ પર ચૂંટણી થશે
હરિયાણામાં સત્તારૂઢ ભાજપના કૃષ્ણલાલ પંવારે તાજેતરમાં રાજ્યસભાની બેઠક પરથી રાજીનામું આપ્યું છે. ભાજપ આ સીટ સરળતાથી જીતી શકે છે. કૃષ્ણલાલ પંવારે તાજેતરમાં જ હરિયાણા વિધાનસભાની ચૂંટણી ઈસરાના મતવિસ્તારમાંથી લડ્યા હતા અને વિજયી થયા હતા. તેઓ હવે નાયબસિંહ સૈની કેબિનેટમાં કેબિનેટ મંત્રી છે.
રાજ્યવાર સ્થિતિ જોતા રાજ્યસભાની ચુંટણીમાં ભાજપ 2 તથા એનડીએના સાથી પક્ષ ટીડીપી ત્રણ બેઠકો જીતી શકે છે ત્યારે એનડીએની શક્તિ રાજ્યસભામાં વધશે તે નક્કી છે.