- વડાપ્રધાને બોલાવી કેબિનેટની બેઠક
- મોટા નિર્ણય લેવાવાના એંધાણ
- 27 વર્ષથી અટકેલું બિલ આવી શકે છે
પ્રધાનમંત્રી મોદીએ આજે સાંજે 6.30 વાગ્યે મંત્રીમંડળની વિશેષ બેઠક બોલાવી છે. જાણકારો કહી રહ્યા છે કે સંસદના વિશેષ સત્ર દરમિયાન રજૂ થનારા કેટલાક બિલને આ બેઠકમાં કેબિનેટની મંજૂરી મળવાની સંભાવના છે. છેલ્લા કેટલાક દિવસોથી જેવી રીતે મહિલા અનામત બિલની ચર્ચાઓ સાર્વજનિક રીતે ચાલી રહી છે તેને જોતા સરકારની યાદીમાં મહિલા અનામત બિલ સામેલ કરવામાં આવી શકે છે. જોકે સરકાર દ્વારા હજુ સુધી આ અંગે કશુ જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ રાજકીય જાણકારો એવું અનુમાન લગાવી રહ્યા છે કે વડાપ્રધાનની આશ્ચર્યજનક નિર્ણયો લઈ વિપક્ષને ઉંઘતો ઝડપી લેવાની રીત જોતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચોંકાવનારો નિર્ણય લઇ શકે છે. નરેંદ્ર મોદી સરકાર 27 વર્ષથી અટવાયેલા મહિલા અનામત બિલને પસાર કરાવીને 50 ટકા મતદારોને પોતાના તરફ કરી દેવાનો દાવ ખેલીને આગામી ચૂંટણીઓ લડવા માંગશે એવી અટકળો વહેતી થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ બિલ પાસ કરાવી દે તો ખરા અર્થમાં એક માસ્ટરસ્ટ્રોક સાબિત થઈ શકે છે.
મહિલા અનામત બિલ જે છેલ્લા 27 વર્ષથી પડતર છે તેમાં લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા અનામતનો પ્રસ્તાવ છે. ઉલ્લેખનીય છે કે સમાજવાદી પાર્ટી જેવા કેટલાક પક્ષો મહિલા અનામતમાં મહિલા ક્વોટામાં ઓબીસી, એસસી, એસટી સમાજ માટે સબ ક્વોટા હોવો જોઈએ એવી માગણી કરી રહ્યા છે. આ એવો મુદ્દો છે જેને કારણે કોંગ્રેસના નેતૃત્વ વાળી યુપીએ સરકારમાં પણ મહિલા અનામત બિલ પાસ થઈ શક્યુ નહોતુ. એક તરફ ભાજપ અને કોંગ્રેસ બંને મહિલા અનામતને સમર્થન આપવાનો દાવો કરી રહ્યા છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે બન્ને આ મહિલા અનામત બિલ પાસ નથી કરાવી શક્યા.
રાજકીય સૂત્રોનું કહેવું છે કે ભારતીય જનતા પાર્ટી મહિલા અનામત બિલ લાવવાની અને પસાર કરવાની તૈયારી કરી રહી હતી, કોઈ રીતે કોંગ્રેસને આ ગંધ આવી જતા કોંગ્રેસે પોતાની કાર્યસમિતિની બેઠકમાં મહિલા અનામત બિલ લાવવાની સરકારને માંગ કરી છે. કોંગ્રેસ દ્વારા માંગણી ઉઠાવવા પાછળ એવી ગણતરી કામ કરી રહી છે કે જો આ બિલ પાસ થઈ જાય તો તેનો સંપૂર્ણ શ્રેય માત્ર નરેન્દ્ર મોદી અને ભાજપ સરકાર ન લઈ જાય. સૌ પ્રથમ મહિલા અનામત બિલ એચડી દેવેગૌડાની સરકાર વખતે લાવવામાં આવ્યું હતુ પરંતુ બિલ પસાર થાય તે પહેલા એચડી દેવેગૌડાની સરકાર પડી ગઈ હતી, ત્યારબાદ આ બિલને આગળ વધારવાનું કાર્ય અટલબિહારી વાજપેઈની ભારતીય જનતા પાર્ટીની એનડીએની સરકાર દ્વારા કરાવામાં આવ્યું હતુ જોકે તે વખતે પણ બિલ પસાર નહોતુ થઈ શક્યુ. બાદમાં કોંગ્રેસની યુપીએ સરકાર વખતે રાજ્યસભામાંથી પાસ થયું હતું પણ લોક્સભામાં અટવાઈ ગયું હતુ પાસ નહોતુ થઈ શક્યુ.
નરેન્દ્ર મોદી સરકાર આ 27 વર્ષથી અટકી પડેલા મહિલા અનામત બિલને લાવીને પસાર કરાવી દેવાની તૈયારી કરી રહી છે. આ બિલ ખરા અર્થમાં આવનારી પાંચ રાજ્યોની વિધાનસભાની અને લોક્સભાની ચુંટણીમાં મોટી અસર ઉભી કરનાર સાબિત થવાની સંભાવના છે.